જાણો દેશમાં આવેલા એકમાત્ર કૌશલ્યા માતા મંદિરની રોચક વાતો, જાણો તે શા માટે ખાસ છે.

0
468

અહીં આવેલું છે કૌશલ્યા માતાનું દેશનું એકમાત્ર મંદિર, જાણો તે મંદિર વિષે.

હિંદુ ધર્મમાં ભગવાન શ્રીરામને લોકો પૂજે છે. તે એક એવા મહાપુરુષ હતા, જેમણે તેમના પિતાના વચનોને પુરા કરવા માટે 14 વર્ષ માટે વનવાસ કર્યો હતો. તેમની માતા કૌશલ્યા તેમને ખુબ વધુ પ્રેમ કરતા હતા. આમ તો ભગવાન શ્રીરામના જીવન વિષે તો બધા જાણે જ છે, પણ શું તમે તેમના મોસાળ વિષે જાણો છો. કદાચ નહિ. તો જણાવી દઈએ કે ભારતના છત્તીસગઢ રાજ્યને ભગવાન રામનું મોસાળ માનવામાં આવે છે, કેમ કે અહિયાં તેમના માતા કૌશલ્યાનો જન્મ થયો હતો.

એટલું જ નહિ છત્તીસગઢના રાયપુરની નજીક ચંદખુરીમાં કૌશલ્યા માતાનું એક મંદિર પણ છે. તે એકમાત્ર મંદિર છે, જે ભગવાન રામની માતાને સમર્પિત છે. માતા કૌશલ્યાનું મંદિર માત્ર દેશભરમાં જ નહિ, પણ આખા વિશ્વમાં એકમાત્ર મંદિર છે. અહિયાં તમે ભગવાન શ્રીરામના બાલ્ય રૂપના પણ દર્શન કરી શકો છો. તો આવો આજે આ લેખમાં તમને છત્તીસગઢમાં આવેલા માતા કૌશલ્યા મંદિર વિષે જણાવીએ.

ચંદખુરીમાં આવેલું છે : આ મંદિર છત્તીસગઢ રાજ્યના પાટનગર રાયપુરથી લગભગ 22 થી 27 કી.મી. દુર ચંદખુરીમાં આવેલું છે. આ મંદિર ચંદખુરી ગામમાં આવેલા એક તળાવની વચ્ચે આવેલું છે. આ મંદિર સુધી પહોંચવા માટે હનુમાન પુલ નામના પુલને પાર કરવામાં આવે છે, જેની ઉપર હનુમાનજીની મૂર્તિ છે.

આ કારણે પણ ખાસ છે આ મંદિર : આ મંદિર ઘણી રીતે વિશેષ છે. સૌથી પહેલા તો છત્તીસગઢ રાજ્યમાં માતા કૌશલ્યાનો જન્મ થયો હતો અને ભગવાન શ્રીરામના જીવનનો એક લાંબો સમય અહિયાં પસાર થયો હતો. તેમણે ન માત્ર તેમના બાળપણના દિવસ આ રાજ્યમાં પસાર કર્યા હતા, પણ વનવાસ દરમિયાન પણ લગભગ 10 વર્ષ અહિયાં પસાર કર્યા હતા. તેથી આ રાજ્યમાં ભગવાન શ્રીરામના પદચિન્હ દરેક જગ્યાએ મળી આવે છે.

અને જો વાત આ મંદિરની વિશેષતાની કરીએ, તો આ મંદિરમાં ભગવાન શ્રીરામને ખોળામાં રાખેલા માતા કૌશલ્યાની મૂર્તિ છે. સામાન્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યકાળના દર્શન ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ ભગવાન રામના બાલ્યકાળના દર્શન વાળું આ એક માત્ર મંદિર છે.

ખુબ જ પ્રાચીન છે આ મંદિર : માતા કૌશલ્યા મંદિર ખુબ જ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 8 મી સદીમાં સોમવંશી રાજાઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરને ઘણી વખત ક્ષતિગ્રસ્ત અને પુનર્નિર્મિત કરવામાં આવ્યું હતું. 1973 માં મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું.

રાજ્યએ ભગવાન શ્રીરામના જીવનની ઝલકો દર્શાવવા માટે રામવનગમન પથ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપાશે. આ પ્રોજેક્ટ હેઠળ રામના વનવાસ કાળ સાથે સંબંધિત 75 સ્થાનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જેને એક નવા પર્યટન સર્કીટના રૂપમાં એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. જેથી દરેક પ્રવાસી ભગવાન શ્રીરામના વનવાસ કાળ દરમિયાનના જીવનને નજીકથી જોઈ અને સમજી શકે.

આ પ્રોજેક્ટ હેઠળ આ મંદિરનું પણ સૌદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌદર્યીકરણ દરમિયાન મંદિરના મૂળ સ્વરૂપને યથાવત રાખવામાં આવશે અને મૂળ સ્વરૂપને જાળવી રાખીને તેને ભવ્ય રૂપ આપવામાં આવશે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.