કવિ શ્રી દાદની ખુબ સરસ રચના, જેમાં સરળ ભાષામાં શ્રદ્ધા અને સંતોષની પરમ અનુભૂતિ થાય છે.

0
720

નહીં ઓછું વધુ કંઈ લઉં,

પ્રભુ તું આપે એટલું લઉં.

આ સંસારમાં તારી સમૃદ્ધિના

ભંડાર ભર્યા છે બઉ,

મુખમાં સમાશે એટલું જ માંગીશ,

નહીં ઉંડળમાં લઉં,

પ્રભુ તું આપે એટલું લઉં.

મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં,

ખાય સૌ બાજરો ને ઘઉં,

મિલના માલિકથી તાકા પે’રાય નહીં,

સવા ગજ પ્હેરે સૌ,

પ્રભુ તું આપે એટલું લઉં..

સમદર પીધે પ્યાસ બુઝે નહીં,

અપચો થઈ જાય બઉ,

મીઠડું નાનું ઝરણું મળે તો

અમૃત ઘુંટડા લઉં,

પ્રભુ તું આપે એટલું લઉં…

ઘરના ગોખમાં પ્રભુ મળે તો

હાલું શીદ ગાઉના ગાઉ,

“દાદ” કહે પ્રભુ તારી દુનિયામાં

તું રાખે તેમ રહું

પ્રભુ તું આપે એટલું લઉં.

– કવિ શ્રી દાદ

(સાભાર અમિત સેવક, અમર કથાઓ ગ્રુપ)