રક્ષાબંધન પર્વ માટે બનાવેલી આ કવિતા તમારું દિલ જીતી લેશે, રક્ષાબંધન પર આને ગાવાનું ચૂકશો નહીં.

0
1761

ભાઈ – બહેન….

તરના તાંતણામાં ગૂંથીને પ્રેમ,

વીરાને રાખડી બાંધવા આવી વ્હાલી બહેન,

હૈયામાં હરખ આજે ઉમટયો અપાર,

રૂમઝૂમતો આવ્યો આજે રક્ષાબંધનનો તહેવાર,

ખમ્મા કહીને બેનાં લઈલે ઓવારણા,

બાળપણમાં ભઈલાને ઝૂલાવ્યા’તા પારણા,

બહેનની રાખડીને ભઈલાનો હાથ,

વચને બંધાયા દેવા જન્મોનો સાથ,

બહેનની વ્યાખ્યા એટલે ભઈલા ના જીવનનું ગર્વ,

ભઈલાની વ્યાખ્યા એટલે બહેનના જીવનનું સર્વ,

ભઈલો ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે,

બહેનની દરેક વસ્તુમાં ભાગ પડાવે,

ભલે ભાગ પડાવે પણ બહેનને મૂકીને ક્યારેય ન ખાય,

આવો ઉદાર અને દયાળુ સ્વભાવ એટલે જ ભાઈ,

ખીજાય ખરા પણ ખિજાવા ન દે,

બહેનની વિદાયમાં એકલો એકલો રડે,

ભલે બાળપણમાં ખેંચીને ગાલ કર્યા હોય લાલ,

વીરાની વ્યાખ્યા એટલે અદ્રશ્ય વ્હાલ,

બહેન એટલે બાળપણમાં હાલરડે હાલરડે ગવાયેલો પ્રેમ,

ભાઈ એટલે બહેનની વિદાય વેળાએ આંસુડે આંસુડે છલકાયેલો પ્રેમ,

ભાઈ એટલે ધબ્બો મારીને ભાગી છૂટવાની મજા,

બહેન એટલે બાખોચિયા ભરીને ચામડીને રક્તબિંદુથી ચમકવાની સજા,

ભાઈ એટલે બહેનના જીવનનો દસ્તાવેજ,

વ્હાલી લાગે એની દાદાગીરી બસ ભાઈની ઓળખાણ એ જ,

ભાઈ એટલે બહેનના હૈયાનો હાર,

બહેન એટલે ભઇલાના જીવનનો સાર,

બહેનના દરેક પ્રશ્નનું નિરાકરણ એટલે ભાઈ,

એ લાડકી માટે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણનું અવતરણ એટલે ભાઈ….

બાહેંધરી : આ કવિતા મારી સ્વરચિત છે જેની હું તૃપ્તિ વી પંડ્યા બાહેંધરી આપુ છું….

– લી.તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના” (હાર્ટ ઓફ લિટરેચર)