કેદારનાથ ધામના રહસ્યો છે આશ્ચર્ય પમાડનારા, 6 મહિના બંધ રહે છે મંદિર, જાણો મંદિરની પરંપરા વિષે વિસ્તારથી.

0
414

શિયાળામાં બંધ રહે છે બાબા કેદારનાથના દ્વાર, જાણો તેની સદીઓ જૂની પરંપરા વિષે.

હિમાલયમાં આવેલા કેદારનાથ જ્યોતિર્લિંગના દ્વાર શિયાળાના છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે. પરંપરાગત રીતે બાબા કેદારનાથના દ્વાર બંધ કરવાની વૈદિક અને પારંપરિક પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે. શિયાળો શરૂ થતાની સાથે જ બાબા કેદારનાથના દ્વાર ભાઈ બીજ (યમ બીજ) થી લઈને 6 મહિના સુધી એટલે કે વૈશાખ શુક્લ પક્ષની અક્ષય તૃતીયાના મહા પર્વ સુધી બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન લગભગ 25 કિલોમીટર નીચે ઉખીમઠમાં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારનાથની ચાંદીની બનેલી પંચમુખી ઉત્સવ મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

સદીઓ જૂની છે પરંપરા : દ્વાર બંધ કરવાની પ્રક્રિયા વૈદિક રીતિરિવાજ અને સદીઓ જૂની પરંપરા પર આધારિત છે. અન્નકૂટના દિવસે ભગવાન કેદારનાથને અડધા દળેલા અન્નનો ભોગ ચઢાવવામાં આવે છે. રાત્રિભોગ અને આરતી કર્યા પછી કેદારેશ્વર જ્યોતિર્લિંગની ચાર પ્રહરની પૂજા શરૂ થાય છે, જેમાં મહાશિવરાત્રિની જેમ પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા પ્રહરની વિવિધ પદ્ધતિઓ અને પદાર્થોથી પૂજા કરવામાં આવે છે.

ચાર પ્રહર સુધી સતત 12 કલાક ચાલતી પૂજા કર્યા બાદ બાબાનો શ્રૃંગાર થાય છે. ચાંદીનું મુખ મંડલ, તેના પર જટા મુગટ અને ફૂલોથી ભવ્ય શણગાર કરીને ભોગ ચઢાવ્યા પછી આરતી કરવામાં આવે છે. પછી શણગાર ઉતાર્યા બાદ સમાધિ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા ભગવાન કેદારનાથના જ્યોતિર્લિંગ પર ગાયના દૂધમાંથી બનેલા ઘીનું જાડું પડ અર્પણ કરવામાં આવે છે.

તેની ઉપર લગભગ સો થી દોઢસો કિલોગ્રામ રાખ ચઢાવવામાં આવે છે. સ્થાનિક ભક્તો દ્વારા લાવવામાં આવેલ ડાંગર અને જવ તેની ઉપર ચઢાવવામાં આવે છે. અનાજ અર્પણ કર્યા પછી જ્યોતિર્લિંગ પર મખમલની બાઘંબરી ચાદર ચઢાવવામાં આવે છે.

પૂજા બાદ બાબા કેદારનાથ સમાધિમાં લીન થાય છે : એવું માનવામાં આવે છે કે ચાર પ્રહર પૂજા પછી બાબા કેદારનાથ સમાધિમાં લીન થઈ જાય છે. તેમની ઉર્જા, ઉત્સવ મૂર્તિમાં સમાયેલી હોવાનું માનવામાં આવે છે. સમાધિ પૂજાનું સમાપન જ્યોતિર્લિંગની આરતી સાથે થાય છે. આરતીની સાથે જ ઘીથી ભરેલો એક વિશાળ ચાંદીનો દીવો પ્રગટાવવામાં આવે છે.

તે જ્યોત આગામી 6 મહિના સુધી પ્રગટેલી રહે છે. અત્યાર સુધી એ પણ એક રહસ્ય છે કે, કેદારપુરીમાં આટલી ઊંચાઈએ પહેલેથી જ ઓક્સિજનની અછત છે, અને મંદિર સંપૂર્ણપણે સીલ હોય છે, તો છ મહિના સુધી તે જ્યોત કેવી રીતે પ્રગટેલી રહે છે. કારણ કે જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે અંદર જ્યોત પ્રજ્વલિત હોય છે.

રાવલ અખંડ જ્યોત બહાર લાવે છે અને ત્યાં હાજર તમામ ભક્તોને તેના દર્શન કરાવે છે. ભોગ આરતી અને સમાધિ પૂજા પછી બાબા કેદારનાથ પર લાગેલું વિશાળ ચાંદીનું છત્ર, સિંહાસન અને શ્રૃંગાર અને પૂજા આરતીની તમામ સામગ્રી બહાર કાઢવામાં આવે છે. મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

મંદિર બંધ કરવામાં આવે છે : પારંપરિક વિધિ સાથે તાળાઓ લગાવી મંદિર બંધ કરવામાં આવે છે. તાળાઓ લગાવીને તેમની ચાવીઓ અલગ-અલગ લોકોને સોંપવામાં આવે છે. ચાવીઓ શ્રી બદ્રી કેદાર મંદિર સમિતિના ધર્માધિકારી, ટિહરી નરેશ રાજ પરિવારના પ્રતિનિધિ અને બાબા કેદારના મુખ્ય અર્ચક એટલે કે રાવલ પાસે રહે છે. જ્યારે વૈશાખ શુક્લ પક્ષમાં અક્ષય તૃતીયાની આસપાસના શુભ મુહૂર્તમાં દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે પહેલા આ ચાવીઓ, તાળાઓ અને દરવાજાઓની પૂજા કરવામાં આવે છે. પછી વૈદિક સ્તોત્રોના પાઠ વચ્ચે દ્વાર ખુલે છે.

બાબા કેદારનાથ મંદિરના દ્વાર બંધ થવાની સાથે, ચાંદીની બનેલી બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ મૂર્તિ, જેને ભોગ મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને પાલખીમાં મૂકવામાં આવે છે અને ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવે છે. મુખ્ય અર્ચક જેમની ઉપાધિ અને પદવી રાવલ છે, તેમને પારંપરિક રીતે શણગારેલા ઘોડા પર સવાર કરીને ઉખીમઠ લાવવામાં આવે છે. બાબા પાલખીમાં બિરાજમાન થઈને આવે છે અને તેમના મુખ્ય સેવક રાવલજી ઘોડા પર સાથે સાથે ચાલે છે.

બાબા કેદારનાથની ભવ્ય પાલખી નીકળે છે : વર્ષો જૂની પરંપરા અનુસાર જ્યારે દ્વાર બંધ થાય છે અને બાબા કેદારનાથ ઉખીમઠના ઓમકારેશ્વર મઠ મંદિર માટે રવાના થાય છે, ત્યારે બાબાનો રાત્રિ આરામ પણ નિશ્ચિત હોય છે. પ્રથમ નાઇટ હોલ્ટ રામપુરમાં છે, જે લગભગ 18 કિલોમીટર નીચે છે. ઉખીમઠના યુવાનો બાબાની પાલખી ખભા પર લઈને પગપાળા ચાલે છે. બેન્ડ સાથે હોય છે. સ્થાનિક લોકો નાગડા ઢોલના સુમધુર અવાજ સાથે જય જયકાર કરતા આવે છે. આખી ખીણ જય જયકારથી ગુંજી ઉઠે છે.

હર હર મહાદેવ બમ બમ શંકરના જય જયકાર સાથે બાબાની પાલખી નીચે ઉતરે છે. રસ્તામાં આવતા ગામના લોકો તેમના ગામમાંથી પાલખી પસાર થાય ત્યારે તેની પૂજા કરે છે અને સાથે ચાલતા ભક્તોનું સ્વાગત કરે છે. બાબાની પાલખી ભૈરવ ઘાટી જંગલ ચટ્ટી થઈને ગૌરીકુંડ પહોંચે છે. અહીં એક નાનું સ્ટોપ હોય છે. ગૌરીકુંડના સ્થાનિક લોકો બાબાનું સ્વાગત અને પૂજા કરે છે. પાલખી અને તેની સાથે આવેલા લોકોનો સત્કાર કર્યા પછી પાલખી સોનપ્રયાગ થઈને રામપુર પહોંચે છે. ત્યાં બાબા કેદારનાથનો પરંપરાગત રીતે રાત્રી વિશ્રામ થાય છે.

બીજે દિવસે સવારે બાબાની ડોલી ગુપ્તકાશી જવા રવાના થાય છે. જ્યાં જ્યાં બાબાનો રાત્રિ વિશ્રામ હોય છે ત્યાં મંદિરમાં થતી રોજીંદી દિનચર્યાની જેમ સેવા પૂજા થાય છે. ત્રીજી સવારે ગુપ્તકાશીથી નીકળ્યા બાદ પાલખી સીધી ઉખીમઠ પહોંચે છે. જ્યાં ઓમકારેશ્વર મંદિરમાં બાબાની ઉત્સવ મૂર્તિ અને સિંહાસન આગામી 6 મહિના સુધી બિરાજમાન રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.