મહામારીમાં પાયમાલ થયેલા કાકા માટે કેડિયું બન્યું તારણહાર, વાંચો હૃદયને સ્પર્શી જતી સ્ટોરી.

0
602

કેડિયું :

– જયંતીલાલ ચૌહાણ.

ગોવિંદ મેરાઈ ગામડે પાછા આવતા રહ્યા. દિકરો વહુ હોંશથી શહેરમાં લઈ ગયા હતા. દિકરો સારો કારીગર થઈ ગયો હતો. ભાડાનું નાનું ઘર અને નાની દુકાન રાખી હતી. વહેવાર ચાલે એટલું સિલાઈ કામ મળી રહેતું. પણ મહામારીએ તોડી નાખ્યા. બધું સજ્જડ બંધ. કામ મળતું બંધ થયું અને રોગ થવાની બીક.

ગોવિંદે જાતે જ કહ્યું.. ” દિકરા.. અમે ગામડે જતા રહીએ. ત્યાં કંઈક ટાંકો ટેભો મળતા રહેશે. દુકાન પાછી સોંપી દે. ઘરઘરાઉ કામ ગોતીને સીવજે.”

એક તો મહામારીનો મા ર હતો ને વધારામાં ચોમાસું ભારે થયું. ગામના ગામમાં પાણી ફરી વળ્યા પણ રુપાવદર ઉંચાઈ પર હતું. તે સલામત રહ્યું. આજુબાજુના બધા ગામો પાણી.. પાણી.. થઈ ગયા હતા. સરકારી અને સેવાભાવી સંસ્થાઓ વાળા સહાય લઈને દોડી આવ્યા હતા. રુપાવદરની શાળામાં ઉતારા કર્યા હતા.

ગોવિંદે, નાથા ભરવાડના છોકરાનું નોરતાના તહેવારમાં પહેરવાનું, રંગીન મોરવાળું કેડિયું અને ચોરણી સીવીને દિવાલ પર ટાંગ્યા હતા. બીજું કામ કંઈ હતું નહીં એટલે એ રસ્તાપર પડતા બારણાના ઉંબરે બેઠા હતા. સહાય આપવાવાળા સ્ત્રી પુરુષોનું ટોળું નિકળ્યું. એક સ્ત્રી કેડિયું જોવા ઉભી રહી ગઈ.

“કાકા.. પેલું જરા બતાવશો?”

ગોવિંદે કેડિયું ચોરણી બતાવ્યા..ફેરવી ફેરવીને જોયા પછી.. “આ તમે બનાવ્યું છે? કેટલામાં પડે? મને બીજા બનાવી આપો?” ધડાધડ પ્રશ્નો પુછી નાખ્યા.

એ સ્ત્રી શેફાલી હતી. ફીલ્મોમાં નૃત્ય નિર્દેશન અને વસ્ત્ર પરિધાનનું કામ કરતી હતી. એનો પતિ પરદેશમાં નિકાસનું કામ કરતો હતો.

ગોવિંદે જવાબ આપ્યો. “આ રોગચાળો.. અને તૈયાર કપડાવાળાઓએ તો અમને અમને મા રીજ નાખ્યા. ફેશનવાળા કપડા સૌ પહેરે. ગામડામાં કોક કોક જ આવું સીવડાવવા આવે. સો રુપિયાનું કાપડ અને સો સિલાઈ. બસોમાં પડે. રોજ બે જોડ તો માંડ થાય. તોય લોકોને સિલાઈ મોંઘી લાગે છે.”

” કાકા.. આ જીણી જીણી ચપટીઓ તો કલા કારીગરીવાળી છે. મને આ આપી દેશો?”

” હા.. લઈ જાવ તમે.. હું ગરાકને બીજા સીવી દઈશ.”

શેફાલીએ પાંચસો રુપિયાની નોટો ધરી.. ” કાકા.. શહેરમાં આના હજાર પણ ઓછા કહેવાય.”

ગોવિંદે બસો જ આપવા કહ્યું.. પણ શેફાલીએ પરાણે પાંચસો આપ્યા.

બે માસ જેવો સમય થયો. ગોવિંદ મેરાઈ ઉંબરે બેઠા હતા. એક ગાડી આવીને ઉભી રહી. શેફાલી અને એનો પતિ ઉતર્યા.

“કાકા.. તમારા કેડિયાએ તો કમાલ કરી.. ઘણા નંગ પરદેશ મોકલવાના છે. તમે બેઠા બેઠા સિવ્યા જ કરો.” એમ કહી એણે એક નવું સિલાઈ મશીન, કાપડના તાકા અને રંગીન દોરાના કોકડા ઉતાર્યા.

ગોવિંદે અંદર બુમ મારી.. ” એ.. સાંભળ્યું.. મેમાન છે.. ત્રણ ચાર રકાબી ચા મુકજે.. ને મેમાન બપોરા અહીં કરશે.”

શેફાલીએ કહ્યું.. ” કાકા અમારે મોડું થાય છે.. અમે નિકળીએ.”

“બેન.. આજે જમ્યા વગર ના જવાય.. ના પાડો તો કડિયામાં ચીતરેલા મોરલાના સમ.”

રોજ ‘મેડમ’ શબ્દ સાંભળવા ટેવાયેલી શેફાલીને ‘બેન’ શબ્દમાં કંઈક નવું લાગ્યું. એ મેરાઈની ઓરડીના ધૂળવાળા ઓટલે બેસી ગઈ.

– જયંતીલાલ ચૌહાણ ૨૭ -૧૦ -૨૧ (અમર કથાઓ ગ્રુપ)