કેરાના તે મુસ્લિમ ભક્તની વાત જેમના પૂજાપામાં ભગવત ગીતા, કુરાન, રામાયણ-મહાભારત, માળા-તસ્બી બધું હતું.

0
578

કેરામાં બે મુસ્લિમ ભક્તો થઈ ગયા.

યોગાનુયોગ બન્નેનાં નામ ઇસ્માઇલ ભગત !

કેરાના ઈસ્માઈલ ભગતો : ભાવ સ્મરણ !

”મું ભાયો તડ હિકડો, તડ તાં લખ-હજાર;

જુકો જીતાનું લંગીયો,ઊ ઉતાનું થ્યો પાર”

– દાદા મેકરણ

કચ્છના સંતોએ લોકોને આવા સુંદર સંસ્કાર આપ્યા છે. પરિણામે કચ્છમાં અનોખી કોમી એકતાનાં સુપેરે દર્શન થાય છે.

લો હીના સંસ્કાર :

કચ્છનાં લો હીમાં જ કોમી એકતા વણાએલી છે. એની મિની આવૃત્તિ એટલે કેરા. એ મારી કર્મ ભૂમિ હોઈ, હું એ માટે ગૌરવ લેતાં આનંદ અનુભવું છું. કેરા એટલે કચ્છની અનેરી કોમી એકતાનું પ્રતિક !

એની પ્રતીતિ કરાવવા કેરામાં જ ઘણાં ઉદાહરણો છે પણ આજે કોમી એકતાનો અખંડ ધૂણો પ્રગટાવનાર બે ઈસ્માઈલ ભગતોને યાદ કરીશું.

પોણા બસો વર્ષ અગાઉ થઇ ગએલા કેરાના ‘પ્રથમ ઈસ્માઈલ ભગત’ નાં પગલાં અને ફોટો, કેરાના શિવદ્વારામાં આજે ય પૂજાય છે.

એમની કબર પર લખ્યું છે.. ”ઈસ્માઈલ ભગત શિવધામ સિધાવ્યા છે”.

યોગાનુયોગ તો જુઓ.. કેરામાં બીજા પણ એક ઈસ્માલ ભગત થઇ ગયા.

કોમી એકતાના મશાલચી, અખંડ તત્વના આરાધક, ભજનાનંદી ઈસ્માઈલ ભગતનું ઝુંપડું એટલે સર્વ ધર્મોનું પવિત્ર તીર્થધામ! એમના પૂજાપામાં ભગવત ગીતા, કુરાન, રામાયણ-મહાભારત, માળા-તસ્બી, ધૂપ-લોબાન બધું એક સાથે જ રાખ્યું હતું. બધું સાથે પૂજાતું. કહોને મંદિર-મસ્જિદ અહી સાથે જ! કોમી સદભાવનું આવું ‘ભવ્ય’ સાચું તીર્થ ધામ બીજે ક્યાં જોવા મળે !

જ્યાં મોરારિબાપુએ રોટલો આરોગ્યો :

કેરામાં મોરારિબાપુની કથા હતી ત્યારે આ અલગારી જીવડા વિષે બાપુને અમે વાત કરતાં વ્યાસપીઠ પરથી બાપુએ ભગત દંપતીનું જાહેર સન્માન કર્યું હતું એટલું જ નહીં, તેઓ ભગતની ઝુંપડીમાં પધાર્યા હતા. અને ‘સર્વધર્મ સમભાવ’ સમાં ‘ઘર-તીર્થ’નાં, ભાવથી દર્શન કર્યા હતાં. અને ધન્યતા અનુભવી હતી. સાથે, ભગતનાં ધર્મપત્ની મીરાંબાઈના હાથે ઘડેલો રોટલો આરોગ્યો હતો.

”ભગત (ઈસ્માઈલ) દેખ રાજી હુઈ મીરાં” અને ‘મીરાંકા મોહન’ ઈસ્માઈલ ભગત ભલે શિક્ષણ બાબતે અભણ ગણાય પણ તેઓ જીવનની કિતાબોમાં ‘ગણેલ’ સાબિત થયા છે ઈસ્માઈલ-મીરાંનું અનોખું દંપતી !

એટલે જ ‘સબસે ઉંચી પ્રેમ સગાઈ’નું ઉમદા દ્રષ્ટાંત !

તા. ૪ થી જૂન, ૨૦૦૭ના ઈસ્માઈલ ભગત (બીજા) આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા. એમની પુણ્યતિથીએ ભાવ સ્મરણ !

કુદરતનો સંકેત :

કુદરત પણ ઈચ્છે છે કોમી એકતા, ભાઈચારો, માનવતા..! કદાચ એટલે જ કોઈવાર અષાઢ મહીને. રથ યાત્રા- કચ્છી નવું વર્ષ અને ઈદ, એક જ દિવસે આવી જાય છે. તો ક્યારેક મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રી અને કરબલાના શહીદોની યાદમાં મનાવાતા મોહર્રમના તહેવારો પણ એક સાથે આવે છે! કુદરતને હજુ પાકું કરાવવું હોય એમ.. ક્યારેક પવિત્ર અધિક માસ અને પાક રમઝાન માસ સમાંતર ચાલે છે. પરસ્પર સદભાવથી આ પર્વો ઉજવાય, એકબીજા ધર્મોનું પૂરું સન્માન જળવાય કોમી એકતા મજબૂત થાય એ માટે ચાલો, આવાં પર્વોને આપણે ‘સદભાવના પર્વો ‘ તરીકે ઉજવીએ.એ પ્રકારે રાષ્ટ્ર મજબૂત થાય એવી શુભકામના સેવીએ!!

– સાભાર જગદીશચંદ્ર છાયા (અમર કથાઓ ગ્રુપ)