“કેશર કસ્તુરીનું નાળું” વાંચો બે બહેનપણીઓની રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
382

નાનકડા સોનવડ ગામમાં સાત ધોરણ સુધીની જ નિશાળ હતી.. કેશર અને કસ્તુરી.. પાકી બેનપણી.. એ બેય પણ પાસ થઈ ગઈ.. કેશર ખીમા પટેલના દિકરાની દિકરી.. અને કસ્તુરી, દુકાનવાળા હેમચંદ શેઠના દિકરાની દિકરી..

આજુબાજુ નજીકમાં ક્યાંય હાઈસ્કુલ ન હતી, એટલે ત્રણ ગામ માટે અધવચ્ચેના ખરાબામાં એક વરસથી સરકારી હાઈસ્કુલ ખુલી હતી..

ગામમાંથી પાંચ છોકરા અને આ બે છોકરીઓ આઠમામાં આવી હતી.. એમાંથી બે છોકરાને એની ગ્નાતિના ક્ષાત્રાલયમાં મુકવાના હતા.. કસ્તુરીને પણ ક્ષાત્રાલયમાં મુકવાની હતી.. ત્રણ છોકરા નવી હાઈસ્કુલમાં દાખલ થવાના હતા..

નવી હાઈસ્કુલ ગામથી ત્રણ કીલોમીટર દુર હતી.. ચાલીને જઈ શકાય તેમ હતું, પણ વચ્ચે રુપલો વોંકળો આવતો હતો.. આમ તો નાની નદી જેવો .. પણ વરસાદ હોય ત્યાં સુધી જ પાણી રહે એવો.. અને ઉંડો પણ વધારે..

કેશરને ભણવું હતું .. પણ એ એકલી વધી.. એટલે ઘરનાએ ના પાડી..

એણે બેનપણીને કહ્યું ” કસ્તુરી , તું પણ અહીં ભણને.. તો મને ભણવા દેશે.. એકલીને ના પાડે છે..”

બેયે સાંઠગાંઠ કરી.. હેમચંદ શેઠ પાસે ગઈ.. કસ્તુરીએ મીઠી જીદ કરી.. “ દાદા , મને અહીં ભણવા દો ને.. હું ને કેશર સાથે જઈશું.. મને શહેરમાં તમારા વગર નહીં ગમે..”

દાદાએ હળવું હસતાં હસતાં હા પાડી..

પછી બેય ખીમા પટેલ પાસે ગઈ.. એ જ મીઠી મીઠી ચાગલાઈ કામ કરી ગઈ.. કડક સુચનાઓ સાથે મંજુરી મળી..

” બેઉએ સાથે જ જવું આવવું.. છોકરાઓથી બે નાડા વા છેટે ચાલવું.. કોઈ સાથે ઠીઠીયારા કુટવા નહીં..”

વરસાદ ધીમો ધીમો ચાલુ હતો. નિશાળેથી પાછાં વળતાં , કેશર અને કસ્તુરી રુપલા વોંકળા પાસે પહોંચી.. ઉપરવાસ સારો વરસાદ હતો.. વોંકળામાં સારું એવું પાણી હતું.. આગળ ચાલતા છોકરા એક બીજાના હાથ પકડી નિકળી ગયા હતા.. અને થોડે દુર પહોંચી ગયા હતા..

પહેલાં તો પાણીની બીક લાગી.. પણ હીંમત કરીને બેય આગળ ચાલી.. અચાનક કસ્તુરીનો પગ લથડ્યો.. કેશરે એને પકડી.. તળીયેથી પગ ઉંચા થઈ ગયા.. બેય તણાવા લાગી.. નસીબજોગે એક મોટું જરડું હળવે હળવે તણાતું હતું.. કાંટા લાગ્યા તોય બેયે પકડી લીધું.. હવે ડુબવાની બીક નહોતી ..પણ તણાવાનું ચાલુ હતું..

બીજા ગામના લોકોએ દુરથી જોયું.. કે બે છોકરીઓ તણાતી આવે છે.. તરત જ દોરડા લઈ આવ્યા.. ચાર જુવાનડા આડા પડ્યા.. બેયને હેમખેમ બહાર કાઢી લીધી.. ટ્રેક્ટરમાં બેસાડી બીજે રસ્તેથી ઘરે મુકી આવ્યા..

બેય બેનપણીઓએ પાછી મીઠી જીદ આદરી..

“દાદા. અમે દિવાળી પર ફટાકડા નહીં માંગીએ.. સાતમે નવા કપડા નહીં પહેરીએ.. મોટી થઈશું ત્યારે ઘરેણા નહીં માંગીએ.. બસ.. રુપલા વોંકળાનું નાળું કરાવી દો..”

ગામમાં સૌએ મળી વિચાર કર્યો.. ” ભવાયા રમાડવામાં પચીસ પચાસ હજાર દઈ દઈએ , એનાં કરતાં નાળું બંધાવી લઈએ..“

ટ્રેક્ટરવાળા ટ્રેક્ટર લાવ્યા.. મજુરીવાળા વારાફરતી મફત કામ કરવા આવ્યા.. ફાળામાંથી સીમેન્ટ , પત્થર , રેતી આવ્યા.. ને દિવાળી પછી નાળું બાંધવાનું કામ ચાલુ થયું..

નાળું પુરું થાય , એ પહેલાં તો એનું નામ પડી ગયું..

“કેશર કસ્તુરીનું નાળું..”

– જયંતીલાલ ચૌહાણ ૧૫ – ૪ – ૨૧

(ફોટો પ્રતીકાત્મક છે.)