“કેટલે સુધી?” આ સુંદર કવિતા દ્વારા જાણો માનવીએ શું સમજવાનું છે?

0
825

અહમ નો વિસ્તાર , ભલા કેટલે સુધી?

બુદ્ધિ તણો આધાર , ભલા કેટલે સુધી?

‘કર્તા ‘ તણાં ‘કાર્યો’ ને પૂછનાર તમે કોણ?

‘સ્વ’ નો , અહંકાર , ભલા કેટલે સુધી?

અપ્રિય -કટુ સત્ય ને , છાવરવા માટે,

અસત્ય નો પ્રચાર, ભલા કેટલે સુધી?

સંપત્તિ માં નથી જ, શાંતિ માંજ સુખ; છે,

તો ધન ના આ અંબાર, ભલા કેટલે સુધી?

‘કરવાનું નહિ કરવાના’, ‘નહિ કરવાનું કરવાના’

બહાનાઓ આ હજાર , ભલા કેટલે સુધી?

ધન અને મોટાઈ તણાં , વરવા પ્રદર્શન થી,

સૌજન્ય પર પ્રહાર , ભલા કેટલે સુધી?

દ્વેષ -અસૂયા જ નહીં, વેર-ઝેર પણ,

મન કેરા આ વિકાર, ભલા કેટલે સુધી?

બુરાઈ ના બુરા નતીજા , જોયા પછી પણ,

અવળાઈ ના નીર્ધાર, ભલા કેટલે સુધી?

અહંકાર ને કીધું છે , ઈશ્વર તણું ભોજન,

ટકશે આ અહંકાર , ભલા કેટલે સુધી?

ઈશ્વર વિના માનવ નો આધાર કોણ છે?

કરશો નહિ સ્વીકાર , ભલા કેટલે સુધી?

ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)