પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે પેટે દીકરા,
ત્રીજું સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે સુલક્ષણી નાર.
કે પછી…
જેવો તો યે ચૂડલો , ઘરડો તો યે તોખાર,
હીણો તો યે દીકરો, સારો તો ય સુનાર
જ્યારે દીકરી એટલે તો પારકી થાપણ.. સાપનો ભારો.. કે પેટે પાકેલો પાણો… એવી અનેક માન્યતાઓને આધારે લોકો દીકરા માટે ઝૂરતાં રહ્યાં છે.
ઘણી વખત તો દીકરાની પ્રતીક્ષામાં એકથી વધુ દીકરીઓને મને-કમને જન્મ આપતાં રહ્યાં છે, કે ક્યારેક તેઓને જન્મ્યા પહેલાં જ છાને ખૂણે દુનિયા માંથી વિદાય આપી દે છે. ફક્ત કાયદાથી ખાસ કશું ન થઇ શકે. જનજાગૃતિ એ પાયાની જરૂરિયાત છે.
એવી તો અગણિત સ્ત્રીઓ સમાજમાં છે. જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે.
પુત્રનો જન્મ સ્ત્રીને ગૌરવ પ્રદાન કરે છે.
‘વઢકણી વહુએ દીકરો જણ્યો..’ – આવી કોઇ કહેવત એથી જ આવી હશે.
શું સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય?
“દીકરી વહાલનો દરિયો..”
શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે?
પ્રશ્નો તો અનેક ઊઠે છે મનમાં. પણ જવાબ?
મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી પણ, નિરાશ શા માટે થવું?
“Every Cloud Has A Silvar Lining.”
આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા.. એ ભૂલી કેમ જવાય?
– સાભાર હિતેશ રાયચુરા, (અમર કથાઓ ગ્રુપ)