‘ખળુ’ અને ‘ખળાવાડ’ વિશેની માહિતી, શહેરી લોકોને તેના વિષે જાણવું જોઈએ.

0
946

મિત્રો ૧૯૬૫-૬૬ માં મૂળ વતન ખસ દાદા- દાદી જોડે રહેતો હતો. તે સમયે દાદા ખેતી કામ અને દરજી કામ કરતા હતા. અમારે ૪૦ વિધા જમીન હતી. તેમાં મુખ્યત્વે બાજરી, ખોખા (મગફળી) અને કપાસની ખેતી કરતા હતા. હું તે સમયે એકડિયામાં ભણું. ક્યારેક દાદા સાથે ખેતરમાં પણ જાઉં. આજે આ સ્મરણ લખતાં તે સમયના દ્રશ્યો નજર સમક્ષ ખડા થાય છે….એ ખેતરો અને વાડીઓ યાદ આવે છે. અમારા ઘરમાં ખળાવાડમાંથી આવેલા ધાનના ઢગલા મે જોયા છે. ખેતરમાં ખાટલાને પંજેઠીના સહારે ત્રાંસો ગોઠવી છાંયડો કરતા અને તેમાં બેસીને બપોરનું ભોજન કરતા. એ બધુ તાદ્રશ્ય થાય છે.

મિત્રો આજે બીજી એક વાત પણ યાદ આવે છે. તે છે ‘ખળાવાડ’. ખેતરમાંથી આવેલ ધાનને ખળાવાડમાં લાવવામાં આવતા. ત્યાં બળદ અને બળદ ગાડા દ્વારા ધાન ઉપર સતત ગોળ ગોળ ફેરવવામાં આવતું. તે વખતે ગોળ ફરતા બળદ ગાડામાં કલાકો બેસીને લીધેલ મોજ આજે યાદ આવે છે.

જ્યારે મગફળી ને ઘોડી ઉપર ચડીને ઊપણવાની મજા પણ માણીએ છે. અમારો ખેડુત, બા, મોટભાઈ સર્વે વારાફરતી ઘોડી ઉપર ચડીને ઉપણતા.. પછી ગાડા ઉપર ભરોટા બંધાતા અને એ ભરોટા ઉપર બેસવાની મજા પણ માણી છે. આ બધા દ્રશ્ય આજે નજર સામે તાદ્રશ્ય થતાં મનમાં એક અલગ પ્રકારની લાગણીઓ અનુભવું છું.

મિત્રો હવે ખળું અને ખળાવાડ વિશેની ટૂંકમાં વાત કરીશ. મિત્રો હાલના યાંત્રિક યુગમાં ખેતીકામમાં પણ યંત્રોનો ઉપયોગ થાય છે. તેથી નવી પેઢીને ‘ખળુ’ એટલે શું તે નહીં જાણતા હોય. ખળુ એટલે…પાક તૈયાર થયા પછી ઓમાંથી અનાજ છૂટું પાડવાની જગ્યાને ખળું કહે છે. તે ખેતરમાં જ એક જગ્યાએ બનાવેલું હોય છે.

ઘણા ગામમાં ગામના પાદરની નજીક સીમમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં એક કરતાં વધારે આવા ખળાં બનાવેલા હોય છે તેને ખળાવાડ કહે છે. ટૂંકમાં ખળાવાડ એટલે પહેલાના સમયમાં ખેડુતો અહિં પોતાની ખેતપેદાશો જેવી કે જાર, બાજરો, કમોદ જેવા ધાન્ય તેમજ મગ, અડદ જેવા કઠોળોને ખેતરમાંથી કાપીને અહીં લાવી, પાથરી તેમાંથી ધાન્ય છૂટું કરવાની, સાફસુફી કરવાની જગ્યા. ખેતરમાં મોટેભાગે ઊંચાઈ વાળી જગ્યાએ, કઠણ ભૂમિમાં ખળુ બનાવેલું હોય છે. કઠણ જમીનને કારણે પાક જલદીથી છૂટો પાડી શકાય છે, ધૂળ ઓછી ભળે છે.

ખળુ તૈયાર કરવાની રીત:

જે જગ્યાએ ખળુ કરવાનું હોય ત્યાં પ્રથમ તળાવતળિયાની ઉનાળે આણેલી કાળી માટી ગોળાકારમાં પાથરી દેવાની. પછી તેની ઉપર પાણી છાંટવાનું. પછી પહોળા પાટિયાથી ખળુ ટીપવાનું. પછી તેની ઉપર ગાર- લીંપણ (ભેંસનું છાણ, ઘઉંનુ ધવારીયું તથા ડાંગરના સૂકા ઘાસનું ભૂંસુ મિકસ કરીને પલાળી બનાવેલું લીંપણ) પણ કરવામાં આવે છે. પછી તેની ઉપર પાણી છાંટીને પવિત્ર કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ખળામાં ખેતરમાંથી વિવિધ પ્રકારના ધાન્ય લાવી પાથરવામાં આવે છે. પછી તેના ઉપર બળદનું હાલણું ચાલે છે. બળદ ગોળ ગોળ ફરતાં હોય છે. અને સીંગો કે ડૂંડાંમાંથી અનાજના દાણા છૂટા પડે છે. આ સમયે બળદના મોઢે (માસ્ક) સીંકલું બાંધી દેવામાં આવે છે. જેથી બળદ ધાનને ખાય નહીં.

હવે તો આ પ્રકારના ખળાની પ્રથા બંધ થઈ ગઈ છે. લોકોનું શિક્ષણ પણ વધ્યું છે. તેથી ચીલાચાલુ પધ્ધતિએ ખેતી કરવા કરતાં યાંત્રિક ઓજારોનાં ઉપયોગ દ્વારા ખેતી કરવી સસ્તી પડે છે, ખેતીકામ પણ ઝડપથી થાય છે, સમય, મજૂરી અને પૈસાની બચત થાય છે. અને અનાજનું ઉત્પાદન પણ વધુ મેળવી શકાય છે.

લેખન અને સંપાદન: હસમુખ ગોહીલ ૧૧-૫-૨૦૨૦