ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે, વાંચો હ્રદયસ્પર્શી લેખ.

0
1109

હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા દુનિયા છોડી જતાં રહ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો.

એ યુવતીએ કહ્યું : મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’

સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..!

દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : ‘તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !’

કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : ‘તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.’ મિત્રે બંનેને કહ્યું : ‘તમે શીદ લડો છો? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી.

ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે!

દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.

– દીકરી દાંપત્યનો દીવડો લેખનો થોડો અંશ. (મેહુલ સોલંકીના બ્લોગ પરથી)