ખરા અર્થમાં મોટાભાઈ કેવા હોય છે તે વાત સમજાવતો આ હૃદયસ્પર્શી પ્રસંગ સમય કાઢીને અચૂક વાંચજો.

0
1503

લઘુકથા – મોટાભાઈ :

– માણેકલાલ પટેલ.

બટુકભાઈનું લીવરના કેન્સરની બીમારીને લીધે રાત્રે એક વાગેમ રુ-ત્યુથયું ત્યારે એમના બન્ને દીકરાઓ રડવામાંથી જ ઊંચા નહોતા આવતા.

બટુકભાઈને ગામડેથી અહીં સારવાર અર્થે લાવવામાં આવેલા. અંતિમ સમયે એમના મોટાભાઈ – ભાસ્કરભાઈ પણ હાજર હતા. બધાં રડતાં હતાં.

સમયની ગંભીરતા સમજીને ભાસ્કરભાઈએ બટુકભાઈના જમાઈ અને બીજા એક સંબંધીને સ્કૂટર લઈ બીજાં સગાં- સંબંધીઓને બોલાવી લાવવા જણાવેલું અને પરાગને સાંત્વન આપતાં કહેલું :- “તું તો સૌથી મોટો છે. તું આમ રડ્યા કરીશ તો આ બધાંને છાનાં કોણ રાખશે?”

એ સમયે ટેલિફોન કે મોબાઈલની ખાસ સગવડ નહોતી.

બધાં આવી ગયાં એ પહેલાં જ ભાસ્કરભાઈએ અંતિમ વિધિની બધી સામગ્રી એકઠી કરાવવાનું અને મેટાડોર ભાડે કરવાનું કામ પણ ખૂબ જ ધીરજથી કરાવેલું.

સગા નાના ભાઈનુંમ રુ-ત્યુથયું હોવા છતાં એમની કોરીધાકોર આંખો જોઈને પરાગને ઘણો આઘાત લાગેલો.

સવારના છ વાગે બટુકભાઈના મૃતદેહને લઈને મેટાડોર ગામ ભણી રવાના થઈ ત્યારે પણ રોકકડ વધી પડેલી. પણ, ભાસ્કરભાઈ તો આ દરમિયાન સૌને સાંત્વન આપતા રહેલા.પરાગ મનમાં બબડતો રહેલો :- “સગાભાઈના મોતનીયે એમને પરવા નથી. આ તે ભાઈ કહેવાય કે દુશ્મન?”

મૃતદેહ લઈ એ બધાં ગામમાં પહોંચેલાં ત્યારે ગામ આખાનું વાતાવરણ શોકમગ્ન થઈ ગયેલું. સૌ કોઈ રડી ઉઠેલાં. સ્મશાનયાત્રામાં પણ લગભગ આખું ગામ જોડાયેલું.

પછી શહેરમાંથી સાથે આવેલા સંબંધીઓ અને મિત્રોને પાછા જ્યારે સાંત્વન આપી ભાસ્કરભાઈએ વિદાય કર્યા ત્યારે પરાગને એના મોટાબાપા પાષાણ જેવું દિલ ધરાવતા લાગણીહીન વ્યક્તિ લાગેલા.

આઘાતજનક પ્રસંગને પણ સાવ હળવાશથી લેનાર અને મો તનો મલાજોયે ન જાળવનાર ભાસ્કરભાઈનું વિચિત્ર વર્તનની હોવા છતાંય બેસણા વિશે પૂછવાના આશયથી પરાગ બપોર પછી એમના ઘરે ગયેલો ત્યારે ઓશરીમાં એનાં મોટાં બા બેઠાં હતાં. એ પરાગને જોઈને રડી ઊઠેલાં. એ પણ ઢીલો થઈ ગયેલો. એણે પૂછેલું :- “બાપા નથી?”

એનો સવાલ સાંભળી એ મોટેથી રડવા માંડેલાં. રડતાં રડતાં જ એમણે ઓરડા તરફ ઈશારો કરેલો.

પરાગ અંદર ગયો તો એ હેબતાઈ ગયો- એના મોટાબાપા કાથીના ખાટલામાં બેઠા બેઠા ચોધાર આંસુએ રડતા હતા.

પરાગને જોઈને એમણે સ્વસ્થતા મેળવવા આંખો લૂછી નાખેલી અને ધ્રૂસકાં દબાવતાં બોલેલા :- “આવ, બહાર બેસીએ!”

પરાગ એમને રડતા જોઈ ફરીથી રડી ઊઠેલો ત્યારે એમણે કહેલું :- “અરે, તું સૌથી મોટો છે. ગાંડો થયો છે, કંઈ? તારાથી રડાય ખરું?”

અને ત્યારે પરાગને એના સ્વર્ગસ્થ પિતાજીના એ સગા મોટાભાઈ છે એનો ખરો ખ્યાલ આવેલો.

– માણેકલાલ પટેલ

પ્રતીકાત્મક ફોટા