લાભ શુભ :
એક ભાઈ બેન હતાં. બેનનું નામ લાભુ અને ભાઈનું નામ શુભમ્. આમ તો બેય ખુબ ડાયા ને રુપાળા હતાં. ભણવામાં હોશીયાર હતા. પણ જમવા બેસે ત્યારે મમ્મીને ખુબ હેરાન કરે.
“મમ્મી મારે આ નથી ખાવું.. તે નથી ખાવું.. શાક તીખું છે.. દાળ ખારી છે.”
મમ્મી બિચારી નવું બનાવી આપે.
એક દિવસ મમ્મીની તબીયત સારી ન હતી. તોય એ રસોઈ કરવા લાગી. રોટલીનો લોટ બાંધ્યો ત્યાં થાકી ગઈ. મનમાં મનમાં બોલી.. “હે ભગવાન.. આજ છોકરાં કચકચ કર્યા વગર ખાઈ લે, તો સારું.”
મમ્મીના મનની વાત અન્નપૂર્ણા દેવી સાંભળી ગયા. મમ્મીની સામે પ્રગટ થયા ને કહ્યું,
“દિકરી ચીંતા ના કર. બેયની થાળી તૈયાર કરીને ઢાંકી દે અને એક થાળ તૈયાર કરીને મારા મંદિરે ધરવા જજે.”
ભાઈ બેન નિશાળેથી આવ્યા. મમ્મીએ કહ્યું.. “જુઓ, તમારી થાળી ઢાંકી છે. હાથે જમી લેજો. મારે અન્નપૂર્ણામાને થાળ ધરવા જવું છે.”
મમ્મી થાળ ધરવા ગઈ. ભાઈ બેન હાથ પગ ધોઈને જમવા બેઠાં.
ભાઈ એ શાક ચાખ્યું.. “બેન.. આ તો ખારું છે.”
બેને કહ્યું.. “હા ભાઈ, જો ને.. દાળ પાતળી છે. ભાત પણ કાચા છે.”
અન્નપૂર્ણા માતાજી છાનામાના સાંભળતા હતા. એણે થાળીમાંથી બધું ખાવાનું ગુમ કરી દીધું.
બેન બોલી.. “ભાઈ હવે શુ ખાઈશું?”
“બેન, ચાલ મગફળી અને ગોળ ખાઈ લઈએ.”
બેને કહ્યું “પણ મગફળી તો સડેલી છે. ગોળ તો ઢીલો છે.”
બેય મગફળીની કોઠી પાસે ગયા. જોયું તો મગફળી ગુમ. ગોળના ડબરામાંથી ગોળ ગુમ.
બેય મુંઝાણા. ભૂખ બહુ લાગવા માંડી. બેય વાડામાં ગયા. ત્યાં જામફળનું એક ઝાડ હતું.
બેન કહે.. “જામફળ ખાઈ લઈએ.”
ભાઈ કહે.. “બેન .. આ તો કાચા છે.”
અને જોયું તો બધા જામફળ પણ ગુમ.
હવે શું ખાવું? બેય રડવા જેવા થઈ ગયા.
ત્યાં મમ્મી મંદિરેથી થાળ ધરીને પાછી આવી. બેયે રોતાં રોતાં મમ્મીને વાત કરી. મમ્મીએ બેયને પાસે બેસાડીને સમજાવ્યા.
“જુઓ, જમવાનું છે ને.. એ અન્નપૂર્ણામાનો પ્રસાદ કહેવાય. તેમાં વાંક કાઢીએ એટલે એને ગુસ્સો ચડે. તમે રોજ એવું કરો છો એટલે તમને ભૂખ્યા રાખ્યા.”
ભાઈ બેન બેય બોલ્યા.. “મમ્મી.. હવે કોઈદી એવું નહીં કરીએ. બહુ ભૂખ લાગી છે.”
મમ્મી મંદિરેથી થાળ ધરીને લાવી હતી તેમાંથી બેયને પોતાના હાથે કોળિયા દઈને જમાડ્યા.
પછી મમ્મીએ કહ્યું, “જાવ.. હાથ મોં ધોઈને બેય સુઈ જાવ.”
બેય બોલ્યા, “મમ્મી.. તમે રોજ કેટલું કામ કરો છો. થાક લાગતો હશે. તમે સુઈ જાવ. અમે વાસણ સાફ કરીને મુકી દઈશું.”
બેને વાસણ ઉટક્યા. ભાઈએ વિંછળ્યા. બેયે ભેગા મળીને ઠેકાણે મુકી દીધા.
પછી હસતા હસતા સુઈ ગયા.
“કાચું પાકું હોય ભલે ને.. ભૂખ મટાડે અન્ન.. મમ્મી દાદી પ્રેમથી પીરસે.. રાજી રાખવું મન.”
– જયંતીલાલ ચૌહાણ ૨૭ -૯ -૨૧