ખેડૂતે પૂછ્યો એવો પ્રશ્ન કે વિદ્વાને જવાબ જાણવા માટે વે શ્યાના ઘરમાં જવું પડ્યું, જાણો પછી શું થયું

0
883

સંસારના તમામ દુષણો અને અવગુણો પાછળનું સૌથી મોટું કારણ લોભ (લાલચ) છે. નાના લોભને લીધે માણસ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. અને જ્યારે તેને આ વાતની ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

એક વખત જે લોભની માયાજાળમાં ફસાઈ જાય પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તેથી જ લોભને દરેક અવગુણનો સ્વામી કહેવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે સમજાવે છે કે લોભના કારણે કોઈ પણ ખોટું કામ ન કરવું જોઈએ. તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વિદ્વાને વે શ્યા પાસે જવું પડ્યું :

એક વિદ્વાન ઘણા વર્ષો સુધી કાશીમાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગામમાં પાછા ફર્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે વિદ્વાન કાશીથી ભણીને આવ્યા છે અને ધર્મને લગતો કોઈપણ કોયડો ઉકેલી શકે છે. એક દિવસ ખેડૂત તેમની પાસે આવ્યો અને તેણે પૂછ્યું, “તમે મને કહી શકો કે પાપનો સ્વામી કોણ છે?”

પ્રશ્ન સાંભળીને વિદ્વાન ચોંકી ગયા. તેમણે ધર્મ અને આધ્યાત્મના સ્વામી હોય છે એવું સાંભળ્યું હતું, પરંતુ પાપનો પણ સ્વામી હોય છે એ વાત તેમની સમજ અને જ્ઞાનની બહાર હતી. તે વિદ્વાનને લાગ્યું કે તેમનો અભ્યાસ હજુ અધૂરો છે. પછી તે પાછા કાશી અન્ય. ઘણા ગુરુઓને મળ્યા પણ તેમને ખેડૂતના પ્રશ્નનો જવાબ મળ્યો નહીં.

એક દિવસ તે એક ઘરના ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. ત્યારે ત્યાં એક વે શ્યા આવી. તેણે વિદ્વાનને તેમની નિરાશાનું કારણ પૂછ્યું, તો તેમણે તેને પોતાની સમસ્યા કહી.

વે શ્યાએ કહ્યું, “આનો જવાબ ખૂબ જ સરળ છે, પરંતુ તેના માટે તમારે થોડા દિવસ મારા ઘરે રહેવું પડશે.”

વિદ્વાને ઘણું વિચાર્યું અને અંતે કેટલીક શરતો સાથે તે વે શ્યાના ઘરમાં રહેવા માટે તૈયાર થયા. વિદ્વાન કોઈના હાથે બનાવેલું ભોજન ખાતા ન હતા. બીજા પણ ઘણા નિયમો હતા જેનું પાલન તે વે શ્યાના ઘરમાં રહેતા સમયે કરતા હતા.

તે વે શ્યાના ઘરે રહીને પોતાના હાથે ભોજન બનાવી તેમણે કેટલાક દિવસો ખૂબ જ આરામથી પસાર કર્યા, પણ તેમને તે પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો ન હતો. વિદ્વાન જવાબની રાહ જોઈ રહ્યા હતા.

એક દિવસ તે વે શ્યાએ કહ્યું, “તમને ભોજન બનાવવામાં તકલીફ પડતી હશે. અહીં જોવા વાળું બીજું કોઈ નથી, એટલે જો તમે કહો તો હું દરરોજ સ્નાન કરીને તમારા માટે ભોજન બનાવી દઈશ.”

વે શ્યાએ વિદ્વાનને આ વાત માટે રાજી કરવા માટે લોભ આપ્યો. તેણીએ કહ્યું કે, જો તમે મને સેવા કરવાનો અવસર આપો તો હું તમને દક્ષિણા તરીકે રોજના પાંચ સોનામહોર પણ આપીશ.”

સોનામહોરનું નામ સાંભળીને વિદ્વાને થોડું વિચાર્યું અને કહ્યું, “જેમ તારી ઈચ્છા. બસ ધ્યાન રાખજે કે મારા ઓરડામાં આવતી વખતે તને કોઈ જુએ નહીં. પહેલા જ દિવસે વે શ્યાએ અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને વિદ્વાન સામે પીરસી. વિદ્વાને જેવું જ જમવા માટે હાથ થાળી તરફ વધાર્યો કે વે શ્યાએ થાળી ખેંચી લીધી. આ જોઈને વિદ્વાન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, આ શું મજાક છે?

વે શ્યાએ કહ્યું, “આ કોઈ મજાક નથી, આ તમારા પ્રશ્નનો જવાબ છે. અહીં આવતા પહેલા તમે કોઈના હાથનું પાણી પણ પીધું નહોતું, પણ સોનામહોરના લોભમાં તમે મારા હાથે બનાવેલું ભોજન સ્વીકારી લીધું. એટલે આ લોભ જ પાપનો સ્વામી છે.”

વિદ્વાનને પોતાની ભૂલનો અનુભવ થયો અને તેમના પ્રશ્નનો જવાબ પણ મળી ગયો.

આ સ્ટોરીનો બોધ એ છે કે લોભ એક એવો અવગુણ છે, જે તમારી વિચાર શક્તિનો નાશ કરે છે. તેના લીધે સાચા રસ્તે ચાલતા ચાલતા તમે ક્યારે ખોટા રસ્તે જતા રહો છો એ સમજાતું નથી. તેથી જ આપણા વડીલોએ કહ્યું છે કે લોભ એ મહા દુષ્ટ છે. તેનાથી દૂર જ રહેવું જોઈએ.

(તમામ ફોટા પ્રતીકાત્મક છે.)