ખેત મજૂરી કરતા ડામીશ માણસની આ લઘુકથામાં એક અગત્યનો સંદેશ છુપાયેલો છે.

0
875

લઘુકથા – ઢાંકણ :

– માણેકલાલ પટેલ.

આમ તો લખો ગામનો ડામીશ માણસ હતો.

છતાંય, આ લખાને જગાભાઈએ ખેતીના કામ માટે સાથી તરીકે રાખ્યો. પણ, એની વહુએ સરત કરી કે એ પણ છાણ – વાસીદું કરવા સાથે આવશે.

જગાભાઈએ હા પાડી.

લખો અને એની વહુ કામે આવતાં, બપોરે બેય જણ ત્યાંજ ખાતાં અને સાંજે સાથે જ ઘરે જતાં હતાં.

વહુને લીધે લખોય કામે વળગેલો રહેતો હતો.

એક દિવસ જગાભાઈની વહુ પિયર ગયેલી તે છાણનો ટોપલો ઉપડાવવા જગાભાઈને જવું પડેલું. એમને આ ગમેલું.

બીજા દિવસે પણ આવું જ બન્યું.

લખાની વહુને થતું કે એ કામ છોડીને જતી રહે. પણ, તો પછી લખાનાં લખણ ચાલુ થઈ જાય અને એના પર કોઈ લગામ જ ન રહે એટલે એણે કામ ચાલુ રાખેલું.

જગાભાઈએ એમની વહુને સમાચાર મોકલેલા કે એ ઘણા દિવસે પિયર ગઈ છે તો ભલે બે-ત્રણ દિવસ વધારે રોકાઈને આવે.

પણ, જગાભાઈની વહુ તો ત્રીજા દિવસે આવી ગઈ અને ગામમાંથી સાચી-ખોટી વાતો સાંભળી એટલે એણે એના પતિને કહ્યું :- “લખાને કામે રાખવો હોય તો રાખો. એની વહુને ના પાડી દઈએ.”

જગાભાઈને આ વાત ન ગમી.

બીજા દિવસે લખાયેય આવવાનું બંધ કર્યું. જગાભાઈ એને બોલાવવા ગયા ત્યારે એણે કહ્યું :- “એ એકલો તો નહિ આવે.”

“પણ…………”

ત્યાં એની વહુ બોલી :- “ઘરનું ઢાંકણ નાર, જગાભાઈ !!”

– માણેકલાલ પટેલ.