ખીચડી અને નણંદ ભાભીની જોડીની આ સ્ટોરી તમને હસાવશે પણ અને એક સારી શીખ પણ આપતી જશે.

0
1218

ખારી ખીચડી :

નિવૃત ન્યાયાધીશ ધનવંતરાયનું નાનું કુટુંબ, સુખી અને આનંદી હતું. દિકરો પ્રતિષ્ઠિત વકીલ હતો. એને પગલે પૌત્ર પણ તાજેતરમાં વકીલ થયો હતો. પૌત્રી શીલ્પા પણ કાનૂન ભણી રહી હતી.

પૌત્ર વિનયના લગ્ન કર્યા. કેયુરી થોડા દિવસમાં ઘરમાં એકરસ થઈ ગઈ.

કામકાજ માટે બધાને જુદા જુદા સમયે બહાર રહેવાનું થાય, એટલે બપોરનું ભોજન સૌ પોતાના સમયે એકલા કરી લે અથવા ટીફીન લઈ જાય, પણ રાતનું ખાણું તો બધા સાથે જ લેતા.

રોજની જેમ કેયુરી અને સાસુએ મળી બધાને પીરસી દીધું. રોજીંદી વાનગી ઉપરાંત આજે વઘારેલી ખીચડી બનાવી હતી.

પણ એક એક કોળિયો લીધા પછી. સૌ મુછમાં મલકતાં મલકતાં એકબીજા સામે જોવા લાગ્યા. વિનયે કહ્યું. “ખીચડી બહુ ખારી છે. કેયુરીએ મીઠું ખુબ જાજું નાખ્યું લાગે છે.”

બધા થોડું થોડું હસ્યા. સિવાય કેયુરી.

શીલ્પા બોલી. “દાદા તમે ન્યાયાધીશ બનો. હું ભાભીનો કેસ લડીશ.”

એ આગળ બોલી. “નામદાર.. મારી અસીલ શ્રીમતિ કેયુરી પર વધારે મીઠું નાખીને ખીચડી ખારી કરવાનો આક્ષેપ આધારહીન છે.”

“આમાં તંત્રનો દોષ છે. ઘરના અધિકારી તરીકે મમ્મીએ વજનકાંટો પુરો પાડેલ નથી. એટલે મારી અસીલ કંઈ જોખીને નાખી શકતી નથી.”

“બીજું.. રસાયણ વિગ્નાન મુજબ જેને મીઠું કહેવામાં આવે છે. તેમાં ખારાશ હોતી જ નથી. માણસની જીભમાં રહેલા ગ્નાનતંતુઓને લઈને ખારું મોળું લાગે છે. એટલે ફરિયાદીનો આક્ષેપ વ્યાજબી નથી.”

“વધુમાં, મારી અસીલે જ મીઠું નાખ્યું છે, તેવા ચશ્મદીદ ગવાહ. ફરિયાદ પક્ષે રજુ કર્યા નથી.”

“એટલે ન્યાયપીઠને મારી નમ્ર દરખાસ્ત છે કે મારી અસીલ કેયુરીને આરોપ મુક્ત કરવામાં આવે. અને આ આ ખીચડી રાષ્ટ્રીય સંપત્તિ છે. એટલે ફેંકીને બગાડ ન કરતાં, બધાએ ભાગે પડતી ખાઈ જવાનો આદેશ કરવામાં આવે.”

દાદાએ ટેબલ પર ખીચડીવાળો ચમચો પછાડ્યો.. ” ઓર્ડર.. ઓર્ડર..”

સૌએ હસવાનું બંધ કર્યું.. ચુપ થયા..

“બચાવ પક્ષની દલીલો અને તમામ આધાર પુરાવા તપાસી, હું નિર્ણય જાહેર કરું છું. આરોપી કેયુરી નિર્દોષ છે. એને બાઈજ્જત દોષમુક્ત જાહેર કરું છું. સાથોસાથે ભાગે આવેલ ખીચડી ખાઈ જવાનો સૌને હુકમ કરું છું. અને બેબુનિયાદ આરોપ લગાવવા બદલ. ફરિયાદી વિનય, આરોપી કેયુરીને આવતા રવિવારે આખો દિવસ ફરવા લઈ જઈ, વળતર ચુકવે તેવું આ અદાલત ઠરાવે છે.”

સૌએ પરાણે ખીચડી ખાધી. કોઈએ એમાં દુધ નાખ્યું.. કોઈએ છાશ દહીં.

બધા જમીને ગયા. નણંદ ભાભી વાસણ ઠેકાણે મુકતી હતી.

શીલ્પાએ કહ્યું.. “ભાભી.. ખીચડી બહુ ખારી હતી. મોં ખારું ખારું થઈ ગયું. તમારા ગાલમાંથી થોડી મીઠાશ ચખાડોને.”

“હા, આમેય મારે વકીલાત ફી ચુકવવાની છે ને.. પણ છાનીમાની વસુલ કરજે. તારા ભાઈ જોઈ જશે તો એના અધિકારક્ષેત્રમાં પેશકદમી કરવાનો કેસ તારી સામે માંડશે.”

શીલ્પાએ કેયુરીના ગાલ પર એક મધુરું ચુંબન લીધું.

– જયંતીલાલ ચૌહાણ ૧૫ – ૯ – ૨૧