‘ખોવાઈ ગયું છે પિયર મારું’ – વાંચો માં બાપના ઘરથી દૂર રહેતી દીકરીની વ્યથા વર્ણવતી કવિતા.

0
2759

મારું પિયર ક્યાં?

ખોવાઈ ગયું છે પિયર મારું, ખોવાયો આવકાર મીઠો માવતરનો!

સિધાવી ગયાં મા ને બાપ પછી પડઘો છવાઈ ગયો માવતરનો!

એક દિવસ તો આવ! એવું કોણ કહેશે? કોણ હવે રાહ જોશે?

દીકરીના આગમને હરખતું એમનું હૈયું! હવે એવું કોણ હરખાશે?

અટ વાઈ ગયાં છે ભાઈ ને ભાભી, એમનાં સુંદર માળામાં!

ઈચ્છે તોય ન મળે ફુરસદ એમને, ગુંથાયા રળિયામણાં સંસારમાં!

એવું નથી કે ના મળે આવકાર, જ્યારે જઈએ એમનાં ફળિયે!

સ્નેહ ને માનપાન થકી કરે સ્વાગત, હેત રાખે હેતાળ હૈયે!

તો ય ક્યારેક ઓછું આવે મનને, આંખોમાં છલકાઈ જાય આંસુ!

માવતર વગરનું પિયર જોઈને, અનુભવાય એકલું, અટૂલું!

પળે પળે રાહ જોતી માની આંખો સાંભરી આવે મનને!

ક્યારે આવીશ? માના એ જ સવાલનો પડઘો પડે પિયરનાં બારણે!

બહુ દિવસે દેખાઈ? કહેતી બાપની વાણી ઠારી દેતી ભીતરને!

બંધ આંખ કરી પામી લઉં એમનાં અસ્તિત્વનાં આભાષને!

જેમાં માતા-પિતા હોય એવું પિયર ક્યાંથી મને મળે!

ડૂમો ભરાઈ જાય! હૈયુ તરસે! માવતર કેરા પિયરને!

ક્યાંથી લાવું મા-બાપ પાછાં, જેમનાં અંતરમાં સદાય રહેતો ઉમળકો!

સમજુ છું, જાય એ ના આવે એ પાછા!

જાણી મનમાં ઉઠે સણકો!

યાદ એમની બહુ સતાવે છે મનને! સુનું જીવન ને સંસાર ખારો!

નથી કોઈ આરો, જીરવવો પડશે, ઊંડો ખાલીપો હવે એમનાં વગરનો!

ભાઈ, ભાભી ભત્રીજા ને બાળકો, પ્રેમથી કરે સ્વાગત!

તોય માવતર વગરનું પિયર જાણે રંગ વગરની રંગત!

જડાઈ જાય જીવનમાં કોઈ ખાલીપો ત્યારે બહુ યાદ આવે માવતર!

સહી લઉં સઘળો અસહ્ય ખાલીપો, પ્રભુ! એવી હવે કૃપા કર!

જય શ્રી કૃષ્ણ, જય અંબે.

– ફાલ્ગુની મહેશ દવે.