સૌથી સારો મિત્ર, સમય અને કામ કયું છે? આખો દિવસ ખેતરમાં કામ કર્યા પછી રાજાને મળ્યો તેના સવાલનો જવાબ. એક રાજાએ પોતાના મંત્રીઓને ત્રણ પ્રશ્ન પૂછ્યા. પહેલો, સૌથી સારો મિત્ર કોણ છે? બીજો, સૌથી સારો સમય કયો છે? ત્રીજો, સૌથી સારું કામ કયું છે? અમુક મંત્રીઓએ કહ્યું કે જે સમય અને કામ જ્યોતિષ જણાવે છે, તે જ સૌથી સારું હોય છે. અમુક લોકો બોલ્યા કે રાજાના સૌથી સારા મિત્ર તેમના મંત્રી હોય છે. પણ આ જવાબોથી રાજા સંતુષ્ટ ન થયા.
રાજા આ પ્રશ્નનો જવાબ જાણવા માટે રાજ્યના સૌથી વિદ્વાન સંત પાસે પહોંચ્યા. રાજાએ સંતનું ફક્ત નામ સાંભળ્યું હતું, ક્યારેય પણ તે સંતને મળ્યા ન હતા. જયારે રાજા સંતના આશ્રમમાં પહોંચ્યા તો ત્યાં કોઈ હતું નહિ. આશ્રમ પાસે જ એક ખેતરમાં એક વૃદ્ધ વ્યક્તિ બીજ વાવવાનું કામ કરી રહ્યા હતા.
રાજા તે વૃદ્ધ પાસે પહોંચ્યા અને તેમને સંત વિષે પૂછ્યું. વૃદ્ધે કહ્યું કે, તમે જેને મળવા માંગો છો, તે વ્યક્તિ હું જ છું. જણાવો શું કામ છે? રાજાએ સંતને પોતાના ત્રણેય પ્રશ્ન પૂછ્યા. સંતે રાજાને કહું કે, બીજ વાવવામાં મારી મદદ કરો. રાજા કાંઈ પણ બોલ્યા વગર સંતની મદદ કરવા લાગ્યા. ઘણો સમય પસાર થઈ ગયો હતો, સાંજ થવાની હતી, પણ રાજાને પોતાના પ્રશ્નોના જવાબ મળ્યા નહિ. ત્યારે ત્યાં એક ઘાયલ વ્યક્તિની બૂમો સંભળાઈ. સંતે રાજાને કહ્યું કે, આપણે તે વ્યક્તિ પાસે જવું જોઈએ. તેની મદદ કરવી આપણું કર્તવ્ય છે.
રાજા સંતની પાછળ પાછળ ગયા. જેવા તેઓ ઘાયલ વ્યક્તિ પાસે પહોંચ્યા કે, તેણે રાજાના પગ પકડી લીધા અને માફી માંગવા લાગ્યો. તેણે જણાવ્યું કે, હું તમને મારવા આવ્યો હતો, પણ તમારા સૈનિકોએ મને ઘેરી લીધો હતો. તેમના પ્રહારોથી હું ઘાયલ થઈ ગયો છું. કોઈ રીતે ત્યાંથી બચીને જંગલમાં છુપાઈ ગયો હતો.
રાજાએ સંતને પોતાના પ્રશ્નો વિષે પૂછ્યું. પછી સંત બોલ્યા કે તમારા બધા સવાલોના જવાબ તો મળી ગયા છે. સૌથી સારો સમય વર્તમાન છે. સૌથી સારો મિત્ર તેજ છે જે આપણી સામે હોય છે. સૌથી સારું કામ ઉપસ્થિત કર્મ છે. જો આ વાતો નહિ હોત તો આ વ્યક્તિ તમારો મિત્ર કેવી રીતે બનતે જે તમને મારવા આવ્યો હતો.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.