સુખ માટે નો પ્રયત્ન તો, બધા કરે છે પણ,
વાસ્તવ માં કોને શું મળે. કિસ્મત ની વાત છે.
ઘનઘોર ભલે મેઘો, છવાય ગગન મા,
કેટલો ને ક્યાં પડે, કિસ્મત ની વાત છે.
સિતારા તો, એની ચાલે, વિહરે દિગંત માં,
કોને ફળે, કોને નડે, કિસ્મત ની વાત છે.
ફૂલ ખીલ્યું સુંદર, ચુંટાયું શાખ પરથી,
શિવને કે શબ ને ચઢે, કિસ્મત ની વાત છે.
જગત તણું ચગડોળ તો, ફરતું રહે સતત,
કોણ આકાશ આંબે કઇ પળે, કિસ્મતની વાત છે.
માટી ચઢે છે ચાકડે, કુંભાર ને હાથે,
ઘાટ એ કયો ઘડે, કિસ્મત ની વાત છે.
સંપૂર્ણ સુખી તો નથી, દુનિયા માં કોઈ પણ,
સુખ-દુઃખ શું ઝાઝું મળે, કિસ્મત ની વાત છે.
ઈશ્વર ને પામવાના, રસ્તા તો છે ઘણાં,
પણ એ મળે કે ના મળે, કિસ્મત ની વાત છે.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)