જાણો હનુમાનજીના એક વિશેષ મંદિર વિશે જ્યાં શનિદેવ કરે છે હનુમાનજીના પ્રથમ દર્શન.

0
371

બજરંગબલીનું ચમત્કારી મંદિર જ્યાં ભક્તોની દરેક મનોકામના થાય છે પુરી, અહીં અનોખી રીતે થાય છે અરજી.

હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે, કારણ કે તેમને વરદાન મળ્યું છે કે જ્યાં સુધી પૃથ્વી છે હનુમાનજી તેના અંત સુધી અહીં નિવાસ કરશે. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનું નામ લેતા જ તમામ સંકટ ટળી જાય છે.

તેમજ દેશમાં આવા ઘણા ચમત્કારી હનુમાન મંદિરો છે જ્યાંથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરોમાંથી એક બેતુલના ટીકારીમાં આવેલું છે, જે દક્ષિણ મુખી હનુમાન મંદિર નામથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત અહીં પોતાની મનોકામના લઈને આવે છે અને બજરંગબલીની સામે અરજી કરે છે તે ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે અહીં અરજી કરવાની એક અનોખી રીત છે. આવો જાણીએ આ મંદિરની દરેક ખાસ વાતો.

પાંદડા પર કરવામાં આવે છે અરજી :

અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઈને દરેક પ્રકારની મુશ્કેલીમાં ફસાયેલા લોકો આવે છે અને ભોજપત્ર, પીપળાના પાન અથવા આંકડાના પાન પર પોતાની અરજી લખીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરે છે. આ રીતે અરજી કરવાથી હનુમાનજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. (ભોજપત્ર એટલે કે ભૂર્જ નામના વૃક્ષની પાતળી અંતરછાલ. જેને ભૂર્જપત્ર પણ કહેવામાં આવે છે.)

હનુમાનજીની મૂર્તિની વિશેષતા :

મંદિરની મૂર્તિની વાત કરીએ તો અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિના જમણા હાથમાં સંજીવની પર્વત ઉપાડેલો જોવા મળે છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ‘સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરૈ હનુમત બલબીરા’ હનુમાન ચાલીસાની આ પંક્તિઓમાં કેટલી શક્તિ છે, તેનો અનુભવ બેતુલના ટીકારી વિસ્તારમાં આવેલા દક્ષિણમુખી સિદ્ધ હનુમાન દરબારમાં થાય છે.

હનુમાનજીના પ્રથમ દર્શન શનિદેવ કરે છે :

આ મંદિર સાથે એક દુર્લભ સંયોગ જોડાયેલો છે, જે ઘણો જ દુર્લભ છે. મંદિરના મુખ્ય દ્વારની સામે શમીનું ઝાડ છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે જ્યારે પણ સવારે મંદિરના દરવાજા ખુલે છે ત્યારે શનિદેવ સૌથી પહેલા હનુમાનજીના દર્શન કરે છે. એવું માનવામાં આવે છે કે અહીં હનુમાનજીના દર્શન માત્ર જ તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો.

મંદિર 200 વર્ષ જૂનું છે :

કહેવાય છે કે બેતુલના ટિકરીનું આ પ્રસિદ્ધ દક્ષિણમુખી હનુમાન મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. જેની સ્થાપના સ્થાનિક જમીનદાર દ્વારા કરવામાં આવી હતી. હનુમાન ભક્તો આ હનુમાન મંદિરમાં બે સદીઓથી સતત શ્રદ્ધા ધરાવે છે. જો કે અહીં દરરોજ ઘણા બધા ભક્તો દર્શન માટે આવે છે, પરંતુ શનિવાર અને મંગળવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.