સનાતન ધર્મ ની આચાર્ય પરંપરામાં ભગવદ્પાદ આદ્ય શંકરાચાર્યનું નામ અજાણ્યું નથી. તેમને હિંદુ સંસ્કૃતિ તથા વૈદિક પરંપરાના આદ્ય પુનરોધ્ધારક કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેમનો જન્મ મલબાર પ્રાંત (કેરળ રાજ્ય) માં કાલટી નામના ગામ માં પિતા શિવગુરુ તથા માતા કામાક્ષીદેવી (આર્યમ્બા) ના ગૃહમાં નામ્બુરી બ્રાહ્મણ પરિવારમાં વૈશાખ સુદ પાંચમ (શ્રીપંચમી)ના દિવસે થયો હતો.
તેમના જન્મકાળ વિષે અલગ અલગ માહિતી મળે છે. ઘણા વિદ્વાનોના મત મુજબ તેમનો જન્મ ઇસુની આઠમી સદીમાં થયો હતો. આમ જોતા તેમનો જન્મ આજથી આશરે ૧૩૦૦ વર્ષ પહેલા થયો હતો. જો કે અન્ય વિદ્વાનોના મતે તેમનો જન્મ આશરે ૨૫૦૦ વર્ષ પહેલા થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય પદનું નામ છે. આદ્ય શંકરાચાર્ય બાદ તેમની સ્થાપેલી ૪ પીઠ પર ગાદીપતિ થનાર તમામ આચાર્ય શંકરાચાર્ય તરીકે જ ઓળખાય છે.
જો કે જે તે મહાનુભાવોના વ્યક્તિગત નામ અલગ અલગ હોય છે. શ્રીપી.એન. ઓકે તેમના પુસ્તકમાં કરેલા દાવા મુજબ આદ્ય શંકરનો જન્મ આશરે ૨૫૦૦ વર્ષ પહેલા થયો હતો. તેમના જન્મ સમયના ગ્રહ આદિના વર્ણન તથા સંબંધિત ઘટનાઓને આધારે તેમનો જન્મ સમય આશરે ૨૫૦૦ વર્ષ પહેલા આંકવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો પદ્માકર વાર્તકે પણ લગભગ સમાન પદ્ધતિના આધારે મહાભારતની કાળ ગણના કરી છે, જે મુજબ મહાભારતનું યુ ધઆશરે ૭૫૦૦ વર્ષ પહેલા થયું હતું. આમ, ઐતિહાસિક તથ્યોમાં ઘણા ફેરફાર જોવા મળે છે. પરંતુ તેના આધારે આદિ શંકરના યોગદાનને ઓછું ના આંકી શકાય.
ત્રણ વર્ષની ઉંમરે આદિ શંકરનો વિદ્યાભ્યાસ શરુ થયો હતો. તેઓ એક્શ્રુતિધર હતા મતલબ કે કોઈ પણ મંત્રાદિને એક જ વાર સાંભળીને યાદ રાખી શકતા હતા. પાંચ વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર (જનોઈ) બાદ તેઓ ગુરુકુળમાં વેદાભ્યાસ માટે ગયા હતા. અભ્યાસ દરમિયાન જ શંકરે પ્રથમ ગ્રંથ બાલબોધની રચના કરી હતી.
આઠ વર્ષની નાની ઉંમરે તમામ વિદ્યાભ્યાસ પૂર્ણ કરી હવે શંકર શંકરાચાર્ય બનવા તરફ આગળ વધી રહ્યા હતા. વિદ્યાભ્યાસ દરમિયાન ગરીબ બ્રાહ્મણ પત્નીની વ્યથા જોઈને કનકધારા સ્તોત્રની રચના કરીને તે ગરીબ ઘરમાં સુવર્ણનો વરસાદ કરાવ્યો હતો તેવું કહેવાય છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પોતાના પુસ્તક “જગદગુરુ શંકરાચાર્ય” માં આ બાબતનું વ્યવહારિક અર્થઘટન આપ્યું છે તથા સમાજના તવંગર વર્ગને ગરીબોની મદદ કરવા શંકરે સમજાવ્યા તેમ જણાવ્યું છે.
ગુરુકુળમાં વિદ્યાભ્યાસ દરમિયાન જ પિતા શિવગુરુને શંકરે ગુમાવી દીધા હતા. હવે ઘરમાં શંકર તથા તેમના માતા આર્યમ્બા જ હતા. માતા આર્યમ્બાની ઈચ્છા શંકરના લગ્ન કરાવાની હતી તો શંકરની પોતાની ઈચ્છા સંન્યાસ લઇને સનાતન ધર્મની સેવા કરવાની હતી. અંતે માતાની સહમતિથી શંકરે સંન્યાસ સ્વીકાર્યો. તે સમયે સંન્યાસ લેવો તે સનાતન સભ્યતામાં અપવિત્ર કાર્ય ગણાતું હતું. તેનું કારણ તત્કાલીન સંન્યાસીઓ દ્વારા થતો અનાચાર હતો.
સંન્યાસ લીધા બાદ યોગ્ય ગુરુની શોધમાં ફરતા આદિ શંકરને નર્મદા કિનારે ગોવિંદપાદાચાર્યનો ભેટો થયો હતો. આદિ શંકરની ગુરુ પરંપરામાં સૌપ્રથમ મહર્ષિ બાદરાયણ, ત્યારબાદ શુકદેવ, ત્યારબાદ ગૌડપાદાચાર્ય, ગોવિંદપાદાચાર્ય અને ત્યારબાદ સ્વયં શંકરાચાર્ય હતા. આમ કહી શકાય કે બાદરાયણ, શુકદેવ, ગૌડપાદાચાર્ય, ગોવિંદપાદાચાર્ય આદિ પણ કદાચ પદ રહ્યા હશે, જેના દ્વારા સનાતન ધર્મની પરંપરા આગળ વધતી રહી હશે. આદિ શંકરે વેદાંતદર્શન પર કેવલઅદ્વૈતવાદની મદદથી ભાષ્યની રચના કરી.
સનાતન પરંપરામાં આચાર્ય પદ પ્રાપ્તિનું એક મુખ્ય અંગ પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, શ્રીમદ ભગવતગીતા તથા બ્રહ્મસુત્ર) પર ભાષ્યની રચના છે. સનાતન ધર્મમાં જેટલા મુખ્ય આચાર્યો થઈ ગયા તે તમામ [શ્રીશંકરાચાર્ય, શ્રીરામાનુજાચાર્ય, શ્રીમધ્વાચાર્ય, શ્રીવલ્લભાચાર્ય વિગેરે] આચાર્યોએ પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના પોતાના મત તથા તત્વ દર્શન મુજબ કરી છે.
કેવલઅદ્વૈતવાદની મદદ થી જ તેમણે શાસ્ત્રાર્થમાં અન્ય માતાનુયાયીઓને પરાજય આપીને સનાતન ધર્મનો વિસ્તાર કર્યો હતો. આ જ કેવલઅદ્વૈતવાદનો ઉપદેશ તેમણે તેમની માતાને માતા આર્યમ્બાના અંત સમયે કર્યો હતો. માતા આર્યમ્બાને અંત સમયે તેમને વૃંદાવનમાં યમુના તટે બિરાજિત શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા હતા, જે સંબંધી શ્લોક ગીતાપ્રેસના પુસ્તકોમાં મળી આવે છે.
ભગવત ગોવિંદપાદાચાર્ય બાદ આદ્ય શંકરાચાર્ય હવે અદ્વૈતપીઠ પર આસીન થયા. અનેક દેવતાઓની પૂજા અર્ચના કરતા હિંદુ સમાજને તેમણે દેવ પંચાયતનની સ્થાપના દ્વારા મુખ્ય પાંચ દેવો ગણપતિ, શિવ, દુર્ગા, વિષ્ણુ તથા સૂર્યની ઉપાસના તરફ વાળ્યા હતા. આ ઉપરાંત બદ્રીનાથની સ્થાપના, શક્તિપીઠોની સ્થાપના, નગરે નગરે શિવાલયોની સ્થાપના વિ. નું શ્રેય પણ આદ્ય શંકરાચાર્યને છે. તેઓ સ્વયં શ્રીવિદ્યાના ઉપાસક હતા. લલિતામ્બા ષોડશી ત્રિપુર સુંદરીની સ્થાપના લગભગ તેમના તમામ મઠમાં હોય છે.
આદિ શંકરાચાર્યએ બુદ્ધમાર્ગમાં પ્રસરેલી બદીઓથી સનાતન ધર્મની રક્ષા કરી હતી. આ પહેલા કુમારિલ ભટ્ટપાદાચાર્યએ છદ્મવેશથી બૌદ્ધ દર્શનનો અભ્યાસ કર્યો હતો તથા આ અભ્યાસને આધારે જ બૌદ્ધ માર્ગને વ્યવસ્થિત કરવાનો યત્ન હાથ લીધો હતો. અંતિમ સમયે જયારે કુમારિલ ભટ્ટપાદાચાર્ય અગ્નિસમાધિ લઇ રહ્યા હતા ત્યારે આદિ શંકર અને તેમની વચ્ચે સંવાદ થયો હતો. આ સંવાદના ફળ સ્વરૂપે જ શંકરાચાર્યનો સંવાદ તથા ત્યાર બાદ શાસ્ત્રાર્થ મંડન મિશ્ર (અને ત્યાર બાદ તેમની પત્ની સાથે) સાથે થયો. જેના પરિણામ સ્વરૂપે શંકરાચાર્યને મંડન મિશ્ર જેવો તેજસ્વી શિષ્ય પ્રાપ્ત થયો હતો.
ફક્ત ૩૨ વર્ષનું અલ્પ જીવન જીવનારા શંકરાચાર્યે ચાર દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી હતી. જેમાં શૃંગેરીમાં શારદા પીઠ, ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ, પુરીમાં ગોવર્ધન મઠ તથા દ્વારિકામાં દ્વારિકા પીઠની સ્થાપના કરી હતી. આ ૪ પીઠમાં તેમણે પોતાના ૪ મુખ્ય શિષ્યોને આચાર્ય પદે સ્થાપિત કર્યા હતા. દ્વારિકા જગત મંદિરના વખતોવખત જીર્ણોધ્ધારમાં દ્વારિકા પીઠની ભૂમિકા મુખ્ય રહી છે. દશનામી અખાડાની સ્થાપના પણ આદિ શંકરાચાર્યે કરી હતી.
ઘણા વિદ્વાનો કહે છે કે શંકરમતમાં બૌદ્ધમતને સ્થાન નથી. આ વાતને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. પરંતુ આ સાથે એ પણ વિચારવું જોઈએ કે બૌદ્ધમત અને સનાતન ધર્મ એકબીજાના ઘણી જગ્યાએ એકબીજાના પુરક છે. સનાતન ધર્મ સંપૂર્ણપણે બૌદ્ધમતને નકારતો નથી અને બૌદ્ધમત સંપૂર્ણપણે સનાતન ધર્મને નકારતો નથી. સાંચીના બૌદ્ધસ્તુપોમાં ગંગા યમુનાના નિશાન સનાતન પરંપરાના દ્યોતક ગણાય છે. તો સનાતન ધર્મમાં ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. આ સાથે એમ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સનાતન ધર્મમાં શાસ્ત્રાર્થ દ્વારા જ મતનું મંડન/ખંડન થવાની પરંપરા હતી.
રાષ્ટ્રજીવનના પદરેક ક્ષેત્રમાં પોતાની જવાબદારીનું વહન કરીને શંકરાચાર્ય ફક્ત ૩૨ વર્ષની ઉંમરે પોતાના દેહનો ત્યાગ કર્યો. તેમના વિરાટ કાર્ય બદલ સમગ્ર હિંદુ પ્રજા તેમની હંમેશા ઋણી રહેશે. તેમની સમાધિ કેદારનાથ મંદિરની પાસે આવેલી છે.
જય સનાતન
જય અલખધણી
– સંપાદક પ્રજાપતિ તુષાર, ઝાકળ (અમર કથાઓ ગ્રુપ)