જાણો અલ્લડ – અલગારી અંબિકા નદી વિષે જેનો ગાયકવાડ રાજાઓ સાથે હતો સંબંધ.

0
528

અંબિકા નદી ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે. આ નદીનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્યમાં આવેલો છે. આ નદી મહારાષ્ટ્ર રાજયમાં આવેલા નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે અને બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે.

બીલીમોરાનું નામ બે અલગ ગામો બીલી અને ઓરિઆમોરાનાં નામોથી બન્યું છે. અહિં આઝાદી સુધી ગાયકવાડ રાજ હતુ. સોનીવાડ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ હજુ પણ એ વાત ની સાક્ષી પૂરે છે. ગાયકવાડી શાસનકાળ દરમ્યાન બીલીમોરા એક મહત્વનુ બંદર હતું. વર્ષો પહેલાંથી અહીં નળીયાંનું ઉત્પાદન થતું તેમ જ આ નળીયાંની બંદર પરથી વહાણો દ્વારા નિકાસ કરવામાં આવતી હતી.

નૌકાઓના બાંધકામ માટે પણ બીલીમોરા એક સમયે દુર દેશાવરમાં પણ જાણીતું હતું. ગાયકવાડી રાજના શાસન દરમ્યાન અંહીથી ઉનાઇ તેમ જ વઘઇ જતી નેરોગેજ રેલ્વેનું નિર્માણ થયું. આ રેલ્વે બંદર સુધી જતી હોવાથી ડાંગના જંગલોમાંથી લાવવામાં આવેલું ઇમારતી લાકડું વહાણો દ્વારા નિકાસ થતું. એ સમયમાં બીલીમોરા ઇમારતી લાકડાંના વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

બીલીમોરાથી વઘઇ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન (સરાહ ગાડી) સદી પુરી કરી ચુકી છે. 62 કિલોમીટરના અંતરમાં નંખાયેલા પાટાઓ આજે પણ માત્ર આ ઇતિહાસની સાક્ષી જ પુરે છે, પરિવહન સેવાઓ બંધ છે. ડાંગના જંગલોમાંથી કીંમતી સાગ લાકડુ મેળવવા મહારાજા સયાજીરાવ ગાયકવાડના ખર્ચે અંગ્રેજોએ નાંખેલ નેરોગેજ ટ્રેન એક યુગમાં ડાંગના આદિવાસીઓ માટે આવા-ગમનનું મુખ્ય સાધન ગણાતું. બીલીમોરાથી શરૂ થતી નેરોગેજ ટ્રેન ૧૦ સ્ટેશનો પસાર કરી વઘઇ પહોંચે…

વર્ષો અગાઉ તો સ્ટીમ એંજીનથી ચાલતી નેરોગેજ ટ્રેન દિવસમાં ત્રણવાર ચાલતી હતી. પરંતુ વર્ષ ૧૯૯૪ માં રેલ્વેએ સ્ટીમ એંજીનની જગ્યાએ નેરોગેજ ટ્રેનની આગળ ડીઝલ એંજીન જોડ્યુ અને સ્ટીમ એંજીનને મુંબઇના ચર્ચગેટ સ્ટેશન પર હેરીટેજ તરીકે સાચવ્યું. એન્જિન તથા ચાર ડબ્બાની આ સરાગાડીમાં મુસાફરી કરવાનો આનંદ જ કંઇ ઓર હતો.

– જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)