જાણો ગુજરાતની એક એવી જગ્યા વિષે જ્યાંની પ્રજાના ‘રામ’ અને ‘સીતા’, ‘રાધા’ અને ‘કૃષ્ણ’ સા-વ નોખાંઅનોખા છે.

0
549

વ્યારા નગર ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું તેમ જ વ્યારા તાલુકાનું મુખ્ય મથક છે. વ્યારા સુરત-ભુસાવલ (તાપ્તિ લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.

ભારતદેશમાં આદિવાસીઓની વસ્તી વિવિધ જાતિઓમાં વહેચાયેલી છે. આ જાતિઓમાંથી ૨૯ જેટલી આદિવાસી જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા તથા હિન્દની ભૂમિના જે વિશાળ ભાગ સમુદ્ર્જળની બહાર હતો તે “ગોંડવન” નામે ઓળખાતો હતો. અને આ જ પ્રદેશમાં હાલના ડાંગ, નર્મદા થી દક્ષિણનો ભાગ, તાપીનો પ્રદેશ તથા નર્મદા -તાપી વચ્ચે આવેલો રાજપીપળા વિસ્તારનો સમાવેશ થતો હતો”.

ભર ચોમાસે બારડોલી થઈને તાપીમથક વ્યારા જવાનું થયું. રસ્તાઓ એકદમ સારા અને વનરાજી હજુ બચી રહ્યાનો અહેસાસ થાય. નાનાં અને મોટાં ગામડાં તેમ જ વનવાસી સમુહો ભીલ, નાયકડા, દૂબળા, ઢોલી, રાવળ, કુંકણા, ચૌધરી, વસાવા, ગામીત… આવી તો હજુ બીજી ઘણી જનજાતિઓ…!

તેમના બેફિકર નાચગાન, ઉત્સવો અને ઊઘાડાં આકાશે મહોરતાં ગીતો-કથાઓ-રોજિંદા જીવનમાં યે અનોખી શૈલી… આ દુનિયા હજુયે અદ્ભૂત છે, જેટલા પાસે જાઓ એટલા તેના અનેક રંગો મળે. ખાવાપીવાની ચીજવસ્તુથી બોલચાલના લહેકા સુધી! તેમનાં એક નૃત્યમાં એક ઉપર બીજાના ખભે ચડીને, છેક પાંચમી સીડીએ થનગનતી, હસતી આદિવાસી કન્યાને ખભે લઈને નાચતા-ગાતા સમૂહને નિહાળીએ ત્યારે પાક્કો ભરોસો થઈ આવે કે આમને તે વળી ગોઠણના સાંધાના દુખાવા ક્યાંથી હોઈ શકે?

રમણલાલ દેસાઈની ‘ભારેલો અગ્નિ’ નવલકથાના બીજ અહીં ઊગ્યાં હતાં…! વનવાસી પ્રજાના ‘રામ’ અને ‘સીતા’, ‘રાધા’ અને ‘કૃષ્ણ’ સા-વ નોખાંઅનોખા છે. સીતાની શોધમાં ભટકતા રામ-લક્ષ્મણને મહુડાનાં ઝાડ પરથી એક ખિસકોલી મહુડાનાં ફળ નીચે ફેંકીને કહે, ‘હું જાણું છું કે તમે બેઉ ભાઈ ભૂખ્યાં થયાં છો એટલે આ ફળ ખાજો. પણ જોજો, એનાથી બળતરા થઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો…!’ તેમની પોતાની એક ‘ભારથ-કથા’ પણ છે.

દેવીદેવતાઓ કાળકા, ઝાંપડી, બારબીજ, ઇદરાજ, સિમરિયો વાઘદેવ, લીમડી ગાહેળી માડી, દેવ શામળી, જોગણી મા, કાળી કાકર… બધાં પ્રકૃતિ અને પેલી પારના ગેબી ચમત્કારો સાથે દેવ! તેનો મેળો જામે. ગુજરાતનું આ અનોખું રૂપ છે, આપણે તેનું જતન કરીને વનવાસીની આંખમાં વધુ ચમક પેદા કરવી છે…! ll

ગુ.સ. માં વાચેલી નોંધના આધારે ધૂલીયા જતાં મુલાકાત.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)