જાણો એક એવી પવિત્ર નદી વિષે જે એક અપ્સરા જેવી છે, અને તેની પરિક્રમા પણ થાય છે.

0
810

મુંબઈ થી આવતા જતાં સેંકડો વખત આ પૂણ્ય સલિલાના ગોલ્ડન બ્રિજ પરથી દર્શન નો અવસર મળેલો જ છે. બ્રિજ ઉપરથી પસાર થતી ગાડીની ગતિના રવમા આરતીના મંગલ ગાન સહજ અનુભવાય. આપણી એક પરંપરા કાયમ રહી છે, નદીમાં સિક્કો પધરાવવાનો… આ લાંબી મુસાફરી માં અનેક નદીઓ ના પૂલ પરથી પસાર થતી હોય એટલે દરેક નદી માટે તો અશક્ય પણ અહીંથી પસાર થતાં આ પરંપરા અચુક જળવાઈ છે. તો અનેક વખત ઓમકારેશ્વર, અમરકંટક, ચાંદોદ, મંગલેશ્વર, ગંગનાથ, માલસર, ગંગનાથ, ગરુડેશ્વર… તટે આચમનીનો અવસર પણ મળેલો જ.

આ એક અપ્સરા જેવી નદીની વાત આજે કરવી છે. મહાદેવના ડુંગર પાસે માઈકાલ પર્વતની તળેટીમાં અમરકંટક કરીને એક તળાવ છે. એમાંથી આ નર્મદા નદી નીકળે છે. જે નદી સરસ ઘાસ ઉગાડીને ગાયોની સંખ્યા વધારે છે એને ગો-દા કહે છે. યશ આપનારી યશો-દા. અને જે નદી પોતાના પ્રવાહની અને કિનારાની કુદરતી શોભા દ્વારા ‘નર્મ’ એટલે આનંદ આપે છે તે છે નર્મ-દા. એ નદીને કિનારે કિનારે રખડતાં જેને ઘણો જ આનંદ મળ્યો એવા કોઈ ઋષિએ આ નદીને આ નામ આપ્યું.

નર્મદા નદીની પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. નર્મદાના સૌંદર્યને અનેક લેખકોએ શબ્દોમાં ઉતાર્યુ છે. અમુકે તો નર્મદા પરિક્રમાના અનુભવો પણ લખ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની ભવ્યતા વિશે સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકરે પણ લખ્યુ છે. ‘જીવનલીલા’ પુસ્તકમાં નર્મદા વિશે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે અમરકંટક પાસેનો નર્મદાનો ઊગમ સમુદ્રની સપાટીથી પાંચ હજાર ફૂટની ઊંચાઈએ છે. હવે આઠસો માઈલની અંદર પાંચ હજાર ફૂટ ઊતરવું સહેલું તો નથી જ. એટલે આપણી નર્મદા ઠેકઠેકાણે નાનામોટા ભૂસકા મારે છે. એ ઉપરથી આપણા કવિપૂર્વજોએ નર્મદાને બીજું નામ આપ્યું ‘રેવા’. (‘રેવ’ એટલે કૂદવું.)

ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે એક લીટી દોરવાનું કામ નર્મદા કરે છે. પણ એની સાથે હરીફાઈ કરનારી એક બીજી નદી પણ છે. નર્મદાએ મધ્ય હિંદુસ્તાનથી પશ્ચિમ કિનારા સુધી લીટી દોરી. એ જાણે બરાબ ન થયું એમ માનીને ગોદાવરીએ પશ્ચિમના પહાડ સહ્યાદ્રિથી પ્રારંભ કરી પૂર્વસાગર સુધી એક ત્રાંસી લીટી ખેંચી છે. એટલે ઉત્તરના બ્રાહ્મણો સંકલ્પ બોલતી વખતે કહેવાના – ‘રેવાયાઃ ઉત્તરે તીરે’. જ્યારે પૈઠણના રાજ્યના અભિમાની અમે દક્ષિણી લોકો ‘ગોદાવર્યાઃ દક્ષિણે તીરે’ એમ બોલવાના.

ઉચ્ચ કોટીના સંતમહંતો, વેદાંતી સંન્યાસીઓ, અને ભગવાનની લીલા જોઈ ગદગદ થનારા ભક્તો, પોતપોતાનો ઈતિહાસ આ નદીને કિનારે વાવતા આવ્યા છે. પોતાના ખાનદાનની ટેક જાળવનારા અને પ્રજારક્ષક પાછળ પ્રાણ પાથરનારા ક્ષત્રિય વીરોએ પોતાનાં પરાક્રમો આ નદીને કિનારે અજમાવ્યાં છે. અનેક રાજાઓએ પોતાની રાજધાનીના રક્ષણને અર્થે નર્મદા કિનારે નાનામોટા કિલ્લાઓ બાંધ્યા છે અને ભગવાનના ઉપાસકોએ ધાર્મિક કળાની સમૃદ્ધિનું જાણે સંગ્રહાલય તૈયાર કરવા માટે મુકામે મુકામે મંદિરો તૈયાર કર્યાં છે.

અને દરેક મંદિર પોતાની કળા દ્વારા તમારું મન હરી લઈ અંતે શિખરની આંગળી ઊંચી કરી અનંત આકાશમાં પ્રકટ થતા મેઘશ્યામનું ધ્યાન કરવા પ્રેરે છે. દૂર દૂરથી દેખાતી શિખરરૂપી ચળકતી આંગળીઓ સ્તોત્રો ગાવાને પ્રેરે છે. અને નર્મદાને કિનારે શિવજીનું કે વિષ્ણુનું, રામચંદ્રનું કે કૃષ્ણચંદ્રનું, જગત્પતિનું કે જગદંબાનું સ્તોત્ર શરૂ કરતાં પહેલાં નર્મદાષ્ટકથી પ્રારંભ કરવાનો હોય છે – सबिंदुसिंधु सुस्खलम तरंगभंगरंजितम ।

આવી રીતે પંચચામરના લઘુ ગુરુ અક્ષરો જ્યારે નર્મદાના પ્રવાહનું અનુકરણ કરે છે ત્યારે ભક્તો મસ્તીમાં આવીને કહે છે, ‘માતા ! તારા પવિત્ર જળનું દૂરથી દર્શન થયું કે તરત આ દુનિયાની સમસ્ત બાધા દૂર થઈ જ ગઈ – गतं तदैव मे भयं त्वदम्बु वीक्षितं यदा । અને અંતે ભક્તિમાં લીન થઈ એ નમસ્કાર કરે છે – त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे । ll

વાચેલી નોંધના આધારે મુલાકાત.

તસવીરો ગુગલના સૌજન્યથી.

(સાભાર જિતુ ઠકરાર, ગામ ગાથા ગ્રુપ)