કોણ અણઘડ? કોણ સાચો ધર્મ સમજનાર શિક્ષિત? આ પ્રસંગ આજના સમાજની આંખો ઉઘાડી શકે છે.

0
463

પૂજ્ય રવિશંકર મહારાજ.

રાધનપુર ગામ દુષ્કાળ વખતે એકવાર ખોદકામ કરતા બધા મજૂરો ને ગોળ વંહેચાયો. એક દીકરી ને ઘણું સમજાવવા છતાં ન લીધો. કહ્યું મારી બા એ કીધું છે કશુંય મફતનું ન લેવાય. નવાઈ લાગી આવો વેદ ધર્મ કોણે શીખવ્યો હશે? એમની માતાને મળવાની ઈચ્છા જાગી.

એક દિવસ એ દીકરીને ઘરે ગયા. માથે ઓછું ઓઢી એ બાઈ બેઠા હતા. મને જોઈ ઉભા થઇ આવકાર આપ્યો. એ વિધવા હતા. થોડા સમય પહેલા એના યુવાન પતિએ દુનિયામાંથી વિદાય લીધી હતી. મેં પૂછ્યું ખેતી કરો છો. તો કહે હવે નથી કરતી. બે બળદ હતા તે વેચી નાખ્યા, ત્રીસ વિઘા જમીન હતી તે ગોચરમાં મુકવા મહાજન ને દઈ દીધી. આ છોકરી છે તે મજૂરી એ જાય છે અને હું ઘરનું કામ, છાણા, લાકડા કરું છું. આમ અમારું ગુજરાન ચાલે છે.

બે બળદોના છસો રૂપિયા ઉપજ્યા તે શેઠને આપ્યા અને કહ્યું મારા ઘણીનું કલ્યાણ થાય તે રસ્તે વાપરજો. તેમણે એક વર્ષ રાખ્યા અને બાજુના ગામમાં પાણી નું બહુ દુઃખ હતું ત્યાં ગામલોકોએ મજૂરી કરી જેથી ૫૫૦ રૂપિયામાં કૂવો હવાડો બનાવી દીધો છે. બાકીના 50 રૂપિયા અને વ્યાજના થયા તેમાંથી ગામમાં પરબ ચલાવે છે.

મેં કહ્યું એ રકમ તમે તમારા ભરણપોષણ માટે રાખી હોત તો? તેણે મને કહ્યુ મારો ઘણી ખૂબ જુવાન હતો, ઘણી મહેનત કરીને બે બળદ આણ્યા હતા. તેની મહેનતનું અમારાથી કેમ ખવાય?

પૂછ્યું આ જમીન છોકરી માટે રાખી હોત તો? ત્યારે એ બેનનો જવાબ હતો છોકરી એનું નસીબ લઈ ને નહિ આવી હોય? હું આભો જ બની ગયો કોણે આને શાસ્ત્રો ભણાવ્યા હશે? મોટા મોટા તત્વજ્ઞાની સાચા કે આ બાઈ સાચી?

ક્યાં આજનો બીજાની મજૂરીનું હડપ કરી જતો શિક્ષિત કહેવાતો સમાજ અને ક્યાં અણઘડ કહેવાતા આ ગામડિયા? બેમાંથી અણઘડ કોણ અને કોણ સાચો ધર્મ સમજનાર શિક્ષિત?

“મારો ઘણી બહુ જુવાન હતો. એની મજૂરીનું અમારાથી ખવાય?” એ શબ્દો મારા મનમાં હજુ ગુંજયા કરે છે.

(દિવ્ય જીવન માંથી ટાઇપ કરેલ લેખ છે.)

(સાભાર રમેશ સોલંકી, અમર કથાઓ ગ્રુપ)