કોઠારિયાનો કોઠારી : વાંચો વજા ભગતની જીવદયાની અદ્દભુત સ્ટોરી.

0
752

કોઠારિયાનો કોઠારી

લેખક : દશરથ પંચાલ

ભારતભૂમિ પર અનેક રત્નો પાકતાં રહ્યાં છે. એમ કહેવાય કે, ભારતભૂમિ આવાં રત્નોને કારણે વિશ્વભરમાં સુવાસ પ્રસરાવી રહી છે. સૌરાષ્ટ્ર ધરામાં એક દોહો પ્રચલિત છે :

“જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર,

નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર!”

સુરેન્દ્રનગરના લખતર નજીક કોઠારિયા નામનું નાનું ગામ. એમાં પાંચ-સાત રબારી સમાજનાં ખોરડાં. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. એક રબારીનું ઘસાએલું ખોરડું. ઘરનો મોભી મોટા ગામતરે જાય, એનાં સ્વજનોને ચારે દિશાના વાયરા વાય! ખોરડામાં બે જીવ અને આંગણામાં ખીલે બાંધેલા છ જીવ. છ જીવ બે જીવના પેટનો ખાડો પૂરે. બે જીવ – ઘરડી મા ને બારેક વરસનો દીકરો વજો.

સવાર પડે ને વજો છ ગાયોને લઈ વગડે જાય. વગડે રખડીને ગાયો પેટ ભરે. સાંજ પડ્યે વજો ગાયોને ચરાવી ઘરે આવે. દૂધ આપતી ગાયને દોહી દૂધ વેચે ને ઘરડી મા તથા વજાનું ગાડું ગબડે. સવારે ગાયોને ચરાવવા જતી વખતે વજો મા પાસે ત્રણ રોટલા ને ડુંગળી બપોરના ભાતમાં બાંધવાનું કહે. મા ત્રણ રોટલા બાંધતાં પૂછે : “વજા, તારા નાના પેટમાં ત્રણ રોટલા કેમ સમાય?”

વજો કહે : “મા, વગડે કૂતરાં રખડતાં હોય, એમને કોણ ખવડાવે?”

મા સમજી ગઈ કે, વજો નાનપણથી જીવદયાના પાઠ ભણવા લાગ્યો છે! પછી તો રોજનો ત્રણ રોટલાનો ક્રમ વધતો ચાલ્યો. મા રોજ વહેલી પરોઢે ઊઠી દસ શેર બાજરો દળે ને રોટલા ટીપે. વજો એ રોટલા પઠારકે બાંધી ગામનાં ને સીમનાં કૂતરાંને ખવડાવે. દસ શેરના રોટલા ઓછા પડવા લાગ્યા! આ બાજરોય મા વેપારીને કરગરીને ઉધાર લાવતી. વેપારી પણ જાણતો હતો કે, ડોશીને કોઈ ખેતર તો છે નહીં, એ ક્યાંથી બાજરાના પૈસા ચૂકવશે? પણ ભગવાન ભરોસે ગાડું ચાલતું હતું.

નાનકડા વજાના ખોળિયામાં બિરાજમાન જીવદયાને ગામ લોકોએ પીછાણી ને ગામમાંથી પણ અબોલ પશુ માટે બાજરો આવવા લાગ્યો. બાજરો તો મળ્યો પણ વહેલી પરોઢે ઊઠીને ઘંટીનાં પડ્યાં ફેરવવાનું કામ તો વજાની ઘરડી માના માથે જ હતું! હા. રબારી સમાજમાં એ વખતે ઘોડિયામાં હિંચતાં બાળકોનાં લગ્ન થઈ જતાં હતાં. સાત ખોટના બાર મહિનાની વયના એક ના એક દીકરા વજાનો ઢોલ પણ સ્વર્ગસ્થ પિતાએ પોતાની હયાતીમાં વગડાવી દીધેલો!

વજો હવે પોતાની અબોલ પશુઓની સેવાને કારણે વજા ભગત તરીકેનું બિરુદ મેળવી ચૂક્યો હતો. હવે તો વજાની વૃદ્ધ મા પણ વજાની વહુનું આણું તેડવા અધીરી બની હતી. એનેય હૈયે હરખ હતો કે, મારા દીકરાની વહુ આવે તો વહેલી પરોઢના અધમણ દળણું દળવાનો ભાર માથેથી ઉતરે!

વજા ભગતની સેવાનો વ્યાપ વધવા લાગ્યો હતો, કારણ કે, લોકો તરફથી વજાભગતની કૂતરાંને રોટલા ખવડાવવાની સેવાને સહકાર મળવા લાગ્યો હતો. લોકોએ તરફથી મળતા સહયોગને કારણે વજાભગતની સેવાલગનીને પણ વેગ મળવા લાગ્યો હતો, બિચારી ઘરડી મા દીકરાની અદમ્ય સેવાભાવના સંતોષવા ઘસડાયે જતી હતી! એ માના હૃદયની એષણા હતી કે, મારા દીકરાની વહુ આણું વળીને આવે ને મને થાકલો મળે!

વજાભગતની પરણેતર પણ યુવાન થઈ હતી. સાસરીનું ગામ નજીક એટલે વજાભગતની કૂતરાંને રોટલા ખવડાવવાની સેવાની વાત ત્યાં સુધી પહોંચી ગયેલી. જીવદયામાં પરોવાયેલ ભક્તિવાન જમાઈનાં વખાણ કરતાં વજાભગતનાં સાસરીયાં થાકતાં ન હતાં, પણ સંસારસુખ માણવાનાં અનેક સપનાં સેવતી કોડભરી નવોઢાને તો વજાભગતની અબોલ પશુઓ માટેની સેવાવૃત્તિની શરમ આવતી હતી. એને તો ફૂલફરાકનો ઘાઘરો પહેરી પરણ્યાની સાથે મેળામાં મહાલવું હતું, ઘરેણાંથી ભરેલી ડોકે મોરલો બનીને ટહુકવું હતું, જન્માષ્ટમીના અવસરે રાસડાની રમઝટ માણવી હતી! પણ એને બદલે સાસરીમાં પગ મૂકતાં જ દરરોજ અધમણ બાજરો દળી ને રોટલા ટીપવા પડશે!

એણે મનોમન નક્કી કરી લીધું હતું કે, પોતાના શોખ ફકીર જેવો વજો નહીં પૂરા કરે, કારણ કે એણે અનુભવ્યું હતું કે, સહિયરો સાથે સમાચાર મોકલવા છતાં વજો એક પણ વખત વઢવાણના મેળામાં મળવા આવ્યો ન હતો.

વજો યુવાન હતો, મૂછોના દોરા ફૂટયા હોવા છતાં એના મનમાં સંસારના કોઈ ઓરતા ન હતા. એને કદી યુવાનીમાં આવે તેવાં તુરાં સમણાંએ અભડાવ્યો ન હતો. આણું તેડવાનો પ્રસંગ નજીક આવતો હતો. વજાના મિત્રો એને શિખામણ આપતા, સલાહ આપતા, પણ વજો તો શરમાઈને નીચી મુંડીએ ચાલતી પકડતો. વજાને તો એક વાતનો આનંદ હતો કે, પત્ની આણું વળીને આવશે એટલે મારી માના હાથથી ઘંટીનો પડીયો છૂટશે!

આખરે આણું વળાવવા જવાનો દિવસ આવી પહોંચ્યો. રબારી સમાજના બે-ચાર વડીલો વજાની સાસરીમાં આણું તેડવા ગયા. એ જમાનામાં દીકરી પોતાની વાત છૂટથી માબાપ કે વડીલો સાથે ખુલ્લા દિલથી કરી શકતી ન હતી. એમાં પણ રબારી સમાજના બંધારણમાં એક વખત લગ્ન થયા પછી છૂટાછેડાની વાત પણ ન થઈ શકે, એટલે બાળલગ્ન કરેલ કન્યા પોતાનાં સમણાંનો ભંગાર જીવનભર હૈયાના એક ખુણે ધરબી દઈ આયખું પૂરૂં કરી લેતી. સામાજિક બંધનોનો પ્રતિકાર કરવાની ત્રેવડ યુવતી પાસે કે એનાં માબાપ પાસે ન હતી. અનેક કોડભરી કન્યાઓનાં બલિદાન લગ્નવેદીની આડમાં લેવાયાં હશે.

વજાભગતના ઘરે આજે લીલાં તોરણ બંધાયાં છે. મંગળ ગીતો ગવાય છે. આણું વળીને આવેલી નવોઢા ઘરના ખુણામાં ઘૂમટામાં સંતાઈને બેઠી છે. અટકચાળી નાની નણંદો બાજુમાં ગોઠવાઈને નવી ભાભી સાથે હસીમજાક કરી રહી છે. ગોરજ ટાણું થયું. નાની નણંદને ઈશારો કરી પાણીનો લોટો ભરી નવોઢા જાજરૂ જવાને બહાને ગામના પાદર તરફ ચાલી. સાથે બે-ત્રણ નાની નણંદો પણ હતી, એમને પાદરમાં જ ઊભી રાખી એકલી બાવળની ઝાંખમાં ગરકાવ થઈ ગઈ!

પાદરમાં બેઠેલી નાની નણંદો જાજરૂ જવા ગયેલી નવી ભાભીની રાહ જોઈને થાકી એટલે ઘરે પાછી આવી. સમાજની વડીલ સ્ત્રીઓ ફાનસ લઈ શોધવા નીકળી. બે-ચાર વડીલો વજાભગતની સાસરીમાં પહોંચ્યા. ત્યાં નવોઢાને જોઈ હાશ અનુભવી. એ વખતે બધી બીના વેવાઈને સંભળાવી વડીલો કોઠારિયા પરત ફર્યા.

આ બધી પરિસ્થિતિમાં વજાભગતના ચહેરા પર ક્યાંય ચિંતાની લકીર સરખી દેખાતી ન હતી. વજાભગતને તો ‘દોડવું હતું ને ઢાળ મળ્યો ‘ જેવો ઘાટ થયો! નરસિંહ મહેતાની જેમ ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ!’ માફક વડીલો સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી : ‘વડીલો, જે થયું તે સારું થયું છે. આમેય મારા કાર્યમાં સંસાર આડખીલી હતો. હવે એને એના માર્ગે જવા દો. મારા તરફથી તે મુક્ત છે. આપણે ચડાવેલા સોના-ચાંદીનાં ઘરેણાં પણ મારે પરત લેવાં નથી, તે જે ઘરે જાય ત્યાં સુખી થાય. આપ એ લોકોને મારી આ વિનંતી પહોંચાડી મુક્ત કરો.’

વડીલો તો આ સાંભળીને અવાક થઈ ગયા! કેવડો મોટો ત્યાગ! રબારી સમાજમાં તો લાખે વાતો થાય! વજાભગતને વાતને સમર્થન આપી વડીલોએ કશા વળતર વિના ફારગતિ કરાર કર્યો. વજાભગતે દિન-પ્રતિદિન સેવાનો વ્યાપ વધાર્યો. એવામાં વૃદ્ધ માતાએ દુનિયા છોડી. અધમણ લોટ રોટલા ઘરે થતા હતા તે હવે રામરોટી આશ્રમ હેઠળ પાંચ ક્વિન્ટલ સુધી પહોંચ્યા.

હવે વજાભગતની સેવા સુરેન્દ્રનગર સુધી ફેલાઈ. રામરોટી આશ્રમમાં ઈલેક્ટ્રીક ઘંટી આવી. પાંચ ક્વિન્ટલ બાજરાના રોટલા ઘડવા માટે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ગામની ત્રીસેક જેટલી વિધવા-ત્યક્તા અને જરૂરિયાત વાળી બહેનો રોટલા બનાવવાનું શરૂ કરે, સવારે ૯ વાગતાં સુધીમાં પાંચ હજાર રોટલા તૈયાર થઈ જાય. પચીસ સાયકલ સવાર થેલામાં રોટલા ભરી કૂતરાંને તેમજ અશક્ત અને જરૂરતમંદ લોકોને ‘હોમ ડિલીવરી’ કરવા નીકળી પડે.

ગૌશાળામાં ગિર ગાયની સંખ્યા ૫૦૦ થી વધુ છે. ગાયનું દૂધ સુરેન્દ્રનગર ટી. બી. હોસ્પિટલમાં, અનાથાશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં ‘હોમ ડિલીવરી’ કરવામાં આવે છે. ઉનાળામાં વગડે વિવિધ સ્થળોએ પશુપક્ષીઓ માટે પાણીનાં કુંડાં મૂકી સવાર-સાંજ પાણીથી ભરવામાં આવે છે. કોઠારિયા ગામને પાદરેથી પસાર થતા પશુપાલકો અને તેમનાં પશુઓને વિસામો અપાય છે. પશુપાલકોને ભોજન અને પશુઓને ઘાસની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ વાતની જાણ મને 1994 માં થયેલી. આખી સ્ટોરી છાપામાં લખી. સમાચારની પાંખે વજાભગતની સેવાગાથા મુંબઈ સુધી પ્રસરી. રામાયણના કથાકાર મોરારિબાપુએ કોઠારિયાની ધરતી પર રામ કથા કરી. મહાભારત કાળ પછી – પાંચ હજાર વર્ષ પછી વજાભગતે કોઠારિયાની ધરતી પર અશ્વમેઘ યજ્ઞ આદર્યો.

વજાભગતને કોઠારિયામાં ઓળખવા મુશ્કેલ પડે. અડધી બાંયનું પહેરણ, ધોતિયું ને માથે નાનો ખેસ વીંટે. સૌને સૂચના આપતા જાય. ગૌશાળામાં કામ કરતા લોકોને ખાવા-પીવાની તેમજ બીડી-બાકસની વ્યવસ્થા થઈ છે કે નહીં તેની ચકાસણી કરી લે. ગૌશાળા અદ્યતન બનાવી છે. એને ‘કાઉ રિસોર્ટ’ નામ આપ્યું છે.

કોઠારિયા ગામ અમદાવાદ થી સુરેન્દ્રનગર જતાં લખતરથી પાંચેક કિ. મી. અંતરે આવેલ છે. ગામમાં રોડ પર જમણી તરફ રામરોટી આશ્રમ છે, આગળ જતાં ડાબી તરફ ‘કાઉ રિસોર્ટ’ માં ૫૦૦ જેટલી ગાયો અને ઘાસનાં ગોડાઉન છે.

એક અભણ માણસ સાવ નાના ગામમાં બેસીને આટલું વિશાળ કાર્ય કરી શકે તે જોવા જેવું છે. આજે વજાભગત સદેહે નથી, પણ એમનો આત્મા ત્યાં ઉપસ્થિત હોય એવો ભાસ તમને અચૂક થશે.

લેખક : દશરથ પંચાલ

(સાભાર નિલેશ ભેંસાણિયા, અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)