કોયલ એકલી હતી. એને કોઈ એવા જીવનસાથીની રાહ હતી કે જેના સથવારે આયખું ધન્ય થઇ જાય.
કોયલ તો મધુરતાનો પર્યાય. મીઠા ટહુકાની રાણી. ગમે તેનું ઘર તો ન જ માંડે.
અચાનક દૂર દૂર એક આંબાની ડાળેથી મોરલો બોલ્યો.
મોરનો મીઠો ટહુકો સાંભળીને કોયલ ભાવવિભોર બની ગઈ.
“બસ,પરણું તો આને જ ! આ મીઠા ટહુકાનો માલિક એ જ મારો રાજા !”
કોયલ ઊડી. એ આંબાની ડાળીએ આવી. મોર તો ટહુકો કરીને ઊડી ગયેલો.
ત્યાં એક ઘુવડ આવીને બેસી ગયેલું.
કોયલે મોરને ક્યારેય જોયેલો નહિ.
એ ઘુવડને મોર સમજી બેઠી… “બસ, આ જ મારા મનનો માણીગર !”
અને કોયલ એ ઘુવડને પરણી.
સુહાગરાતે કોયલે બહુ લાડથી ઘુવડને કહ્યું,
“હું તારા મીઠા કંઠ પર ઓળઘોળ છું, તારો ટહુકો સંભળાવ.”
ઘુવડ તો મસ્તીથી માંડ્યું ગાવા…
કોયલ એનો કર્કશ, બિહામણો અને અમંગળ અવાજ સાંભળીને ખૂબ પસ્તાણી.
“હું કોયલ, મીઠાશની મહારાણી, અને મારે આ ઘુવડ સાથે ઘરવાસ !!!
દુહો –
“બોલનારો બોલી ગયો, ઊડી ગયો આકાશ;
કોયલને પનારો પડ્યો, એને ઘુવડ સાથે ઘરવાસ”
(અરવિંદ બારોટ : મારા પિતાશ્રી પાસેથી સાંભળેલા આ દુહાની રૂપકકથા )
(સાભાર સંજય મોરવાડિયા, અમર કથાઓ ગ્રુપ)