વાંચો સ્ત્રી સંતરત્ન કરમાંબાઈની કથા જેમણે બનાવેલી ખીચડી જમવા પ્રભુ ધરતી પર આવ્યા. “જય મુરલીધર”

0
1303

કરમાંબાઈ :

સતરમી સદીના પૂર્વાર્ધમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાના તાલુકાના કાલવા ગામમાં ખેડૂત ચૌધરી પરિવારમાં એક ભારતીય સ્ત્રી સંતરત્ન એવાં કરમાંબાઈનો જન્મ થયો. પિતાનું નામ જીવણરામ ડુડી અને માતાનું નામ રતનીદેવી.

કરમાંબાઈનાં માતા-પિતા બન્ને ખુબ ધાર્મિક અને કૃષ્ણ ભક્ત. ઘરમાં નાનકડું મંદિરીયું અને એમાં નાનકડી કૃષ્ણ પ્રતિમા. સવાર સાંજ પૂજન અર્ચન થાય. નાનકડી કરમાં આ બધું જુએ. દરરોજ સાંજે માતા-પિતા ભગવાન કૃષ્ણને ખીચડો (ખીચડી)ધરાવીને આડો પરદો કરે ને થોડીવાર પછી પરદો હટાવી લે. ભગવાનને જમાડીને જ પછી જમવાનો આ ભલાં ભોળાં દંપતિનો નિત્યક્રમ. નાનકડી કરમાં કાલીઘેલી ભાષામાં માબાપને પુછે, આ લુગડું કેમ આડું રાખો છો?

જો બેટા! ‘આ જમતી વખતે લાલાને શરમ ના લાગે આપણા કોઈની નજર ના લાગે એટલે…’ મા સરળ ભાષામાં જવાબ આપે.

કરમાં આઠેક વર્ષની થઈ ત્યારે માતા-પિતાએ જાત્રા કરવાનું નક્કી કર્યું. કરમાંને એના કાકા કાકીને સંભાળ રાખવાનું સોંપાયું. યાત્રાએ જતાં પહેલાં મા એ કરમાંને કહ્યું, ‘જો બેટા કરમાં, આ ભગવાનને ખીચડો જમાડીને જ જમજે હો’

એ તો કેમ ભુલું મા! કરમાંએ ઉત્સાહિત ચહેરે જવાબ આપ્યો. મા બાપ જાત્રાએ નિકળી ગયાં.

બપોરે કાકીએ કરમાંને હેતથી જમાડી. સાંજ પડી.

કરમાં સાંજની રાહ જોઈને જ તો બેઠી હતી ! એને તો આજ પહેલીવાર પોતાની જાતે રાંધેલો ખીચડો કાનાને જમાડવો હતો! ભલે બીજું રાંધણું ના આવડે પરંતું જાતે ખીચડો બનાવી શકે એટલી ઉમરની તો હતી જ.

દોણીમાં ખીચડો રાંધીને દરરોજનું જે પ્રસાદ માટેનું પાત્ર હતું એમાં ખીચડો કાઢી ઘી થી લથબથ કરી ચોળીને થોડો ઠરવા દઈ ધરી દીધો મારા નાથની આગળ!

દિવો પ્રગટાવ્યો ને રાહ જોઈને બેઠી કરમાં. ક્યારે ખાશે લાલો! વળી કંઈક યાદ આવ્યું એટલે ઉભી થઈ ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ પોતાની ઘાઘરીનો પરદો બનાવીને આડું જોઈને થોડો સમય ઉભી રહી. કુતૂહલવશ થોડીવાર રહીને પાત્ર સામું જોયું. ખીચડો તો જેમનો તેમ પડ્યો હતો.

નાનકડી કરમાં એના ખ્યાલ મૂજબ વિચારવા લાગી, ”શું લાલાને ભૂખ નહિ હોય? શું લાલો રીસાયો હશે કે પછી મારો રાંધેલો ખીચડો એને ભાવતો નહિ હોય? કાલીઘેલી ભાષામાં કાલાવાલા કરવા લાગી કરમાં. અરે જમો લાલા! જો ખીચડો ઠરી જશે.

કાકીનો સાદ પડ્યો ચાલ બેટા કરમાં, ખાવાનું થઈ ગયું છે. કાકી આ લાલો ખીચડો ખાતો નથી, કઈ રીતે આવું? કરમાંએ નિર્દોષતાથી કહ્યું.

કાકીએ ઓરડામાં આવીને બધું જોયું. કરમાંના માથા પર હાથ મુકીને કહ્યું જો બેટા, ભગવાન ખીચડો હાથેથી ના જમે. આ ખીચડાનો પ્રસાદ મૂર્તિ આગળ ધરાવીએ એટલે ભગવાને ખાઈ લીધો ગણાય.

પણ માને એ બીજાં! ના… મારા બાપુ અને મા ખોટું કહે જ નઈ! એમણે કહ્યું હતું કે જમાડીને પછી જમજે. લાલો જમતો હશે તો જ એવું કહે ને! કરમાં એક ની બે ના થઈ.

કાકીએ ખુબ સમજાવી. છેવટે કરમાંના કાકા ખેતરેથી ઘેર આવ્યા એમને બોલાવીને કરમાંને સમજાવવાના પ્રયત્નો થયા પરંતુ બધું વ્યર્થ. કાકા કાકી પણ અવઢવમાં મુકાયાં કે હવે શું કરવું?

છેવટે ઘરની આગળ કાકા ખાટલો ઢાળીને સુઈ રહ્યા. કરમાં આખી રાત મંદિરીયા સામે બેસી રહી. સવારે ફરી પ્રયત્ન થયા પરંતુ કોઈ પરિણામ નહીં. આખરે પરિવારના પાંચેક ભાઈઓને કરમાંના માબાપની શોધ માટે મોકલ્યા. પશુઓ પર અને પગપાળા મુસાફરીના સમયમાં કોઈ ભાળ ના મળતાં ભાઈઓ પણ પરત આવ્યા.

કરમાંની તો એક જ પ્રવૃત્તિ. થોડા સમયે પાત્ર સામે જુએ ને કાલાવાલા કરે, ઘાઘરી આડી કરીને ઉભી રહે. જો લાલા, હવે તો મનેય બહું ભુખ લાગી છે. તને ભુખ નથી લાગતી કે શું? આડોશી પાડોશી, ભાઈ ભાંડું પણ કરમાંને સમજાવે પણ કરમાંની હઠ આગળ બધું નકામું.

સ્ત્રી હઠ, રાજ હઠ, યોગી હઠ અને આ બાળ હઠ…. આ હઠમાં ત્રણ ત્રણ દિવસનાં વહાણાં વાઈ ગયાં. વૈંકુંઠમાં અલૌકિક ઉજાસ પથરાયો. લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પુછ્યું, ‘શું થયું આ પ્રભુ!’

ભગવાન વિષ્ણુએ પોતાના જમણા હાથની હથેળી બતાવીને લક્ષ્મીજીને કહ્યું, ‘જુઓ દેવી, આ નાનકડી બાળકીનું તપોબળ! ત્રણ ત્રણ દિવસથી મને જમાડવાની હઠ પકડીને બેઠી છે.’ ‘કોણ છે પ્રભુ બાળકી?’ -લક્ષ્મીજીએ સહાશ્ચર્ય પુછ્યું.

‘ભારત ભૂમિ પર રાજસ્થાન પ્રદેશના નાનકડા ગામની ખેડૂત પરિવારની દિકરી છે. આજે એની હઠ પુરી કરવી પડશે નહિતર ભુખથી પોતાનો જીવ ગુમાવશે.’

ભગવાન વિષ્ણુએ ભારત ભૂમિ પર પ્રયાણ કર્યુ. કરમાંના ઘરમાં રહેલ એ નાનકડી પ્રતિમામાં વાસ કરીને લાંબો હાથ કરી પ્રભુ ત્રણ દિવસનો વાસી ખીચડો આરોગી ગયા.

કરમાંની અચાનક નજર પ્રસાદના પાત્ર પર પડી. આનંદથી ઉછળી પડી. ત્રણ દિવસની ભુખ તો મારા વ્હાલાએ મટાડી દીધી હતી. ચિચિયારીઓ પાડીને જોર જોરથી બોલવા લાગી, ‘લાલો ખીચડો ખાઈ ગયા, કાનો ખીચડો ખાઈ ગયા…..’

કાકી અને આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં, ખાલી પાત્ર જોયું. સૌના મોંઢે એક જ વાત પણ કેવી! ભૂખ સહન ના થતાં કરમાં ત્રણ દિવસનો વાસી ખીચડો ખાઈ ગઈ છે, ક્યાંય માંદી ના પડે તો સારું! નહિતર એના મા બાપને શું જવાબ આપશું? કોઈ વળી ગણગણે છે, ગાંડી થઈ ગઈ લાગે છે.

હેમખેમ રાત વીતી ગઈ સવાર થયું. સૌને હાશકારો થયો, ચાલો માંદી તો નથી પડી!

બીજી સાંજ પડી. ખીચડો મુકાયો. ઘાઘરીનો પરદો થયો. આજેય ખીચડો ખવાયો. એ જ ચિચિયારીઓ અને હર્ષનાદ કરમાંનો. લાલો ખીચડો ખાઈ ગયા! કાનો ખીચડો ખાઈ ગયા. સૌને શંકા તો હતી જ ને હવે તેના પર છાપ મરાઈ…. કરમાં ગાંડી થઈ ગઈ.

આખા ગામમાં કરમાંના મા બાપ પર ટીકાઓનો વરસાદ શરુ થઈ ગયો. આવી જાત્રા શું કામની? આવી ભક્તિ શું કામની? નક્કી આ બધું જગતને ખાલી ખાલી બતાડવા જ કરતા લાગે છે, નહિતર દિકરી ગાંડી ના થાય!

વીસેક દિવસે કરમાંનાં મા બાપ પરત ફર્યાં. ગામને સિમાડે આવતાં જ સમાચાર મળી ગયા કે તમારી દીકરી કરમાં ગાંડી થઈ ગઈ છે, તમારા ગયાના ચોથા જ દિવસે.

તમારી પાછળ માણસો પણ આવ્યા હતા પરંતુ તમારી કોઈ ભાળ મળી નહોતી.

જાણે દુઃખનો ડુંગર તુટી પડ્યો કરમાંનાં મા બાપ પર. સિમાડે હોવા છતાં ઘર વિદેશ થઈ પડ્યું. દિકરી ગાંડી થઈ ગઈ! એ પણ ભગવાનની જાત્રાના સમે?

દોટ મુકી દંપતિએ. જેમ તેમ કરી ઘેર આવ્યાં. માતા રતની દેવીએ ખોળામાં લીધી કરમાંને.

શું થયું છે બેટા તને? એમ કહીને રોઈ પડ્યાં.

કરમાંના મૂખ પરના ભાવ તો અલૌકિક હતા. હસતાં હસતાં બોલી, તું રોવે છે કેમ? હું તો આનંદમાં છું. તમે તો ગયાં જાત્રાએ લાલાને જમાડવાનું કહીને. પહેલાં તો ત્રણ દિવસ મને હેરાન કરી. ખીચડો જમે જ નહીં પરંતુ પછી તો મુક્યો નથી કે તરત પુરો.

આ વાત કોને ગળે ઉતરે! મા બાપે પણ નક્કી કરી લીધું કે દિકરી ગાંડી થઈ ગઈ એ નક્કી!!!

ચોધાર આંસુએ રોઈ પડ્યાં બન્ને.

આડોશી પાડોશી સાંજ સુધી ખબર પુછતાં રહ્યાં. મા બાપનું દર્દ પરાકાષ્ઠાએ પહોચ્યું.

સાંજ પડતાં જ કરમાં હર્ષભેર બોલી, ‘મા! ખીચડો બનાવ જલ્દી. આજે જમાડી લઉં લાલાને, કાલથી તમે જમાડજો.’ મા બાપને તો આમેય કરમાંનું ગાંડપણ નક્કી કરવા માટે આ જરુરી હતું જ!

ખીચડો રંધાઈ ગયો. ઘી નાખીને ચોળાઈ ગયોને લાલાના પાત્રમાં પિરસાઈ પણ ગયો. કરમાંનાં માતા-પિતા ઓરડાની બહાર જાળીમાંથી જોઈ રહ્યાં છે.

દિવો પ્રગટાવીને કરમાં લાલાના મંદિરીયે ઘાઘરીનો પરદો આડો કરીને આડું જોઈ ઉભી રહી. થોડીવાર થઈ. કરમાં આઘી ખસી.

કરમાંનાં મા બાપે નજરો નજર જોયું. જગતે સાંભળ્યું અને ભક્તજનોએ અનુભવ્યું. ધન્ય છે રાજસ્થાન ધરાને.

કરમાંબાઈ તો પ્રભુમય બની ગયાં પરંતુ એમનો “ખીચલડો” ભજન આજેય ગવાય છે અને પ્રભુમય બનાય છે!

પિતાજીની વાર્તાઓમાંથી.

– સૌજન્ય નટવરભાઈ રાવળદેવ થરા.