પાંડવોને કૃષ્ણનો બોધ : એ જરૂરી નથી કે જે દેખાય છે તે દરેક વખતે સાચું હોય; ધીરજ રાખો અને સમજી વિચારીને કોઈ નિષ્કર્ષ પર આવો

0
203

મહાભારતમાં, કૌરવો અને પાંડવોની સેના યુદ્ધ માટે સામસામે આવીને ઊભી હતી. તે માત્ર પ્રથમ દિવસ હતો. ટૂંક સમયમાં યુદ્ધ શરૂ થવાનું હતું. ત્યારે અચાનક પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરે પોતાના શસ્ત્રો રથ પર મૂક્યા અને રથમાંથી

નીચે ઉતરીને કૌરવો તરફ ચાલવા લાગ્યા.

યુધિષ્ઠિરને કૌરવો તરફ જતા જોઈ બીજા પાંડવ ભાઈઓએ પૂછ્યું, ભાઈ, તમે ક્યાં જાઓ છો? યુધિષ્ઠિર પોતાના ભાઈઓની વાત પર ધ્યાન આપ્યા વિના આગળ વધતા રહ્યા.

જ્યારે યુધિષ્ઠિરે કોઈ જવાબ ન આપ્યો, ત્યારે પાંડવ સેનામાં દરેક વ્યક્તિ વિચારવા લાગ્યા કે યુધિષ્ઠિર યુદ્ધ શરૂ થાય તે પહેલા જ કૌરવોને શરણે જવાના છે.

ભીમ-અર્જુન ચિંતા કરવા લાગ્યા, તેઓએ શ્રી કૃષ્ણને કહ્યું કે હવે તમારે અમારું ધ્યાન રાખવું પડશે, કયાંક ભાઈ સમર્પણ ના કરી દે.

બીજી તરફ કૌરવ સેનાના લોકો પણ યુધિષ્ઠિરને પોતાની તરફ આવતા જોઈને કહેવા લાગ્યા કે યુધિષ્ઠિર અમારાથી ડરી ગયા છે અને શરણે આવી રહ્યા છે.

બંને સેનાના લોકો પોતપોતાના સ્તરે યુધિષ્ઠિર માટે અલગ-અલગ વાતો કહેવા લાગ્યા, પરંતુ સત્ય કોઈ સમજી શક્યું નહીં.

શ્રી કૃષ્ણએ ભીમ અને અર્જુનને સ્મિત સાથે કહ્યું કે તમે ચિંતા ન કરો. ધીરજ રાખો. હું જાણું છું કે યુધિષ્ઠિર શું કરવાના છે.

થોડી જ વારમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહની સામે પહોંચ્યા અને હાથ જોડી દીધા. જેઓ દૂરથી જોઈ રહ્યા હતા તેઓએ વિચાર્યું કે યુધિષ્ઠિર શરણાગતિ પામ્યા છે. જ્યારે, વાસ્તવિકતા એ હતી કે યુધિષ્ઠિરે હાથ જોડીને ભીષ્મને કહ્યું કે પિતામહ

આદેશ આપો, જેથી અમે તમારી સામે શસ્ત્રો ઉપાડીને તમારી સાથે યુદ્ધ કરી શકીએ.
યુધિષ્ઠિરની આ વાતથી ભીષ્મ પ્રસન્ન થયા. તેણે કહ્યું કે જો તમે પરવાનગી ન માગી હોત તો મને ગુસ્સો આવ્યો હોત.

શ્રી કૃષ્ણનો બોધ

ભીષ્મ પછી યુધિષ્ઠિર દ્રોણાચાર્ય, કૃપાચાર્યની પાસે પણ યુદ્ધની અનુમતિ માંગવા ગયા. શ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું કે જ્યારે આપણે કોઈ પણ મોટું કામ કરીએ ત્યારે સૌથી પહેલા વડીલોના આશીર્વાદ અને અનુમતિ લેવી જોઈએ. તો જ કાર્યમાં સફળતા મળે છે. આજે આપણે યુદ્ધ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે યુધિષ્ઠિર પોતાના વડીલોના આશીર્વાદ અને અનુમતિ લઈ રહ્યા છે. જ્યારે આપણે વડીલોના આશીર્વાદથી કામ કરીએ છીએ, તો હિંમત રહે છે અને આપણે આપણું કામ પૂરી તાકાતથી કરી શકીએ છીએ.

શ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું કે જરૂરી નથી કે જે દેખાય છે તે દરેક વખતે સાચું જ હોય. આપણે ધીરજ રાખવી જોઈએ અને કાળજીપૂર્વક વિચાર્યા પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ.