રાજસ્થાનમાં આવેલા કુંભ શ્યામ અને મીરાંબાઈ કૃષ્ણ મંદિરનો મહિમા છે અનેરો, વાંચો તેમની ખાસ વાતો.

0
319

કુંભ શ્યામ અને મીરાંબાઈ કૃષ્ણ મંદિર, ચિત્તોડગઢ, રાજસ્થાન.

– જયંતિભાઈ આહીર.

ચિત્તોડગઢ કિલ્લામાં કુંભા પેલેસથી 350 મીટરના અંતરે કુંભ શ્યામ અને મીરાબાઈ મંદિરો આવેલા છે. ભગવાન શ્રીવિષ્ણુના દશ અવતારમાંથી એક શ્રીવરાહ સમર્પિત કુંભ શ્યામ મંદિરનું નિર્માણ રાણા કુંભાએ સન 1448 માં કરાવ્યું હતું. ઈન્ડો-આર્યન શૈલીમાં વિશાળ કદનું કુંભ શ્યામ મંદિર ઉંચા પ્લેટફોર્મ ઉપર સુંદર સીડી અને ઉત્તમ પ્રકારના બારીક શીલ્પ કામથી સુશોભિત ભવ્ય લાગે છે. મંદિરના પિરામિડ આકારના ઉંચા અને સર્વોત્તમ શિલ્પ કામથી ભરપૂર શિખર પર ફરકતી ધજાઓ ચિત્તોડના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરી રહ્યા છે.

કુંભ શ્યામ મંદિરનો ખુલ્લો પ્રદક્ષિણા પથ, અર્ધ-મંડપ, મુખ્ય મંડપ, અંતરાળ અને ગર્ભગૃહ જોવા અને માણવા જેવા છે. કુંભ શ્યામ અને મીરાં મંદિરની અંદર હિંદુ દેવી-દેવતાઓના મનોહર શિલ્પો આવેલા છે. જ્યારે કુંભ શ્યામ મંદિર સામે સુંદર મજાના શિલ્પ કામથી શોભતા મંડપમાં ભગવાન શ્રીવિષ્ણુના વાહનશ્રી ગરુડની દર્શનિય મૂર્તિ આવેલી છે. જોકે કુંભ શ્યામ મંદિરમાં આવેલ ભગવાન શ્રીવરાહની મૂર્તિ અકબર બાદશાહની સેનાએ સન 1572 માં તોડી નાંખતા તેની જગ્યાએ હાલમાં ભગવાન શ્રીવિષ્ણુની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

કુંભ શ્યામ મંદિર સંકુલમાં આવેલું ભક્ત કવયિત્રી મીરાંબાઈ સમર્પિત કૃષ્ણ મંદિરનું નિર્માણ પણ રાણા કુંભાના શાસન કાળ દરમિયાન થયું હોવાનું મનાય છે. કૃષ્ણ મંદિરનું નિર્માણ માનવ શરીર અને હિંદુ ધર્મના ચાર વર્ણ સાથે જોડવામાં આવેલ છે. મંદિરનો ઘુમ્મટ એક મસ્તક સાથે 5 (પાંચ) માનવ દેહના શિલ્પ કામથી સુશોભિત છે. મંદિરનો ઘુમ્મટ હિન્દુ ધર્મના ચાર વર્ણો સાથે આત્મ તત્વનું પ્રતીક છે. ચારેય વર્ણના શરીર પ્રત્યે ભેદ સામે સૌમાં બિરાજમાન આત્મ એક જ હોવાનો સંદેશ આ મંદિર આપી રહેલ છે. મંદિરનો ગર્ભગૃહ તેમજ છતના શિલ્પ કામની બારીક કોતરણી જોવાલાયક છે.

આજેય આભેડછેટમાં માનતા માનવતાના દુશ્મનોને ખાસ જણાવવાનું કે, સિસોદીયા રાજવંશ મેવાડની મહારાણી મીરાંબાઈએ શરીરમાં રહેલો આત્મા પરમ પવિત્ર છે, તેણે આભડછેટની પરવાહ કર્યા વગર કાશી (વારાણસી) ના મહાન સંત સ્વામી રવિદાસને ગુરુ પદે સ્થાપ્યા. અને કૃષ્ણ મંદિરમાં ભગવાનની સેવા-પૂજા કરતા પહેલા મીરાંબાઈ પ્રથમ ગુરુ સ્વામી રવિદાસના ચરણ પગલાની પૂજા કરતા. જેના પ્રમાણ તરીકે આજેય કૃષ્ણ મંદિર પરિસરમાં પથ્થરની છત્રી નીચે મીરાંબાઈના ગુરુ સ્વામી રવિદાસના ચરણ પગલાં પૂજાય છે.

અહીં સમજણથી આંધળા સડેલા મગજના આભડછેટમાં માનનારાઓને એટલું કહેવું છે કે ગુરુ સ્વામી રવિદાસ આજે દલીત, હરિજન કે શિડ્યુલ કાસ્ટ તરીકેની ઓળખ ધરાવતા સમાજના પ્રતિનિધિ હતા. મેવાડના રાજવંશ સ્વામી રામદાસને ઉત્તમ સ્થાને પ્રસ્થાપિત કરી આભેડછેટના અનિષ્ટ વિરૂદ્ધ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

એ સાથે ચિત્તોડગઢનું કૃષ્ણ મંદિર મીરાંબાઈની કૃષ્ણ ભક્તિની આકરી કસોટીનું સ્થળ રહ્યું હતું, અહીં મીરાંબાઈને ઝે-રનો કટોરો આપવામાં આવેલો જે અમૃતમાં ફેરવાઈ ગયો. તો બીજી વખત મીરાંબાઈને ફુલોના કરંડીયામાં કાળોતરો નાગ મોકલતા તે પુષ્પ માળામાં પરિવર્તિત થઈ ગયો. છેલ્લે કૃષ્ણ મંદિરમાં રહેલી મૂર્તિ મીરાંબાઈ દ્વારકા લઈ ગયા, અને દ્વારકાધીશની મૂર્તિમાં પોતે સમાય ગયા હોવાનું કહેવાય છે.

ચિત્તોડગઢ ફોર્ટની વધુ કેટલીક વાતો હવે પછી……

સાભાર – જયંતિભાઈ આહીર.