“એ…ચંપા” મારી બા એ ઓસરીમાં ઊભા ઊભા જ અમારા પાડોશી ચંપાભાભીને સાદ પાડ્યો, “ચાલ બે બેડા પાણી ભરી આવીએ.”
“એ….હા..કાકી નીકળો.” ચંપાભાભીએ તેનાં ફળિયામાંથી જવાબ આપ્યો.
બા એ બેડું લીધું ડોલ અને સિંચણીયુ લીધાં એક લીંબુનું ફાડુ લીધું ત્રાંબા ની હેલ્ય ઉટકવા, ને મને કહેતી ગઈ,. “બેટા બેન સવળે તો હિંચકો નાંખજે હું હમણાં જ એક હેલ્ય ભરીને આવું છું.” ને ઉતાવળે પગલે ફળિયું વટાવતી’ક ને નીકળી ગઇ.
ત્યારે હું છ સાત વરસનો, નાની બેન દોઢેક વરસની.
ક્યારેક હું પાણી ભરવા જતી બા નો પાલવ પકડીને તેની પાછળ પાછળ પણ જતો.
આજે પણ એ મારા ગામનો કૂવો મારી નજર સમક્ષ એવો ને એવો દેખાય છે. ઉંચા બે ફુટ સુધી પાકા બાંધેલા કાંઠામાં ચારેય ખૂણે અને બે ખૂણાની વચ્ચે એક એક એમ કૂલ આઠ, કૂવાની અંદરની બાજુ નમેલા ટોડલા (પાવઠા) ચણેલા. આ આઠેય ટોડલાની ટોચે આવેલ કાણાંમાંથી ગરગડીઓ પરોવેલી લોખંડની પાઇપ ભરાવેલી જેના દરેક વિભાગમાં બે ત્રણ ગરગડીઓ ભેરવેલી હોય. જ્યાં ઉભી રહીને પનિહારીઓ પાણી સિંચે તે પાકું રાજુલાના પથ્થરોથી મઢેલું થાળું.
પાદરના આ કૂવાથી સામે જ મોટું મેદાન તેમાં વચ્ચોવચ એક વિશાળ વડલો, આ જગ્યા ગોંદરા તરીકે પણ ઓળખાય. ગામની ગાયુંનું ‘ધણ’ અને ભેંસોનું ‘ખાડુ’ સવારમાં ભેગું થાય. ગોવાળ નવ વાગ્યે ‘વાંભ’ કરે અને ધણ, ખાડું ઉપડે સીમમાં આવેલા ગૌચરમાં ચરવા.
આજથી પચ્ચાસ વરસ પહેલાંનો જીવંત કૂવો નજર સામે તરવરે છે. આઠ દસ પનિહારીઓ તો હોય જ કૂવા પર. કોઈ ડોલ કૂવામાં નાખીને પાણી સિંચતી હોય ત્યારે ગરગડીનો મીઠો અવાજ ‘કિચડૂક..કિચડૂક હજી પણ કાનમાં ગૂંજે છે. તો કોઈ થાળામાં બેસીને પોતાનું બેડું ઉજાળતી હોય, “મોંઘી, મારી ડોલ ભરી દે ને” અને મોંઘીએ કૂવામાંથી કાઢેલી ડોલ એ તેની સખીની ડોલમાં ઠાલવે. ઘસી ઘસીને ઊજળાં કરેલાં બેડા ઝગારા મારે ને થાળાની શોભા વધારે.
કૂવા થાળે થતી વાતો પણ સાંભળવા જેવી હોય,
” ધકુ ડોશીની ગાય વિયાણી, રૂપાળો વાછડો આવ્યો.”
તો કોઈ કહે, “અલી ખબર છે? પસા પટલની મંજુડીની સગાઇ તૂટી ગઇ.” તો વળી કોઈ જુવાન પનિહારી ઉમરવાન સ્ત્રીને ડોલુ સિંચી ને બેડું પણ ભરી દે અને માથે ચડાવે, સલાહ પણ આપે, “પભલાને પૈણાવો હવે પાતી કાકી, તમારા માથે ભાર ઉતરે.”
જવાબ મળતો, ” મારા વાલાની મરજી હોય તેમ થાય મારી બેન, ઈ ધારશે તો પભલો પલવારમાં પૈણી જશે”
સ્ત્રીઓ માટે કૂવો એટલે મોકળાશની પળ. નહીં લાજ કાઢવાની કે નહીં ધીમે અવાજે બોલવાનું. મનમાં ઘોળાતી પીડા, મુંઝવણ ઠાલવવાનું ઉત્તમ સ્થળ. આવતાં તહેવારોમાં સખીઓ સાથે મેળે મ્હાલવાનું આયોજન પણ અહીં જ થાય.
એકબીજાને સથવારે જરૂર ન હોય તો પણ બે બેડા વધારે ભરે.
પાંચ પનિહારીઓનું વૃંદ ગામની ઊભી બજારે ભર્યાં બેડા લઇને પાણીનાં રેલાની જેમ સડસડાટ પસાર થતી હોય, બેડા સૂર્યપ્રકાશમા ઝગમગાટ મારતાં હોય અને હાંડા ઉપર મૂકેલી ગાગરનું પાણી છલકાતું જાતું હોય એવા દ્રશ્યો હવે દુર્લભ બન્યાં છેે.
હમણાં આ હોળીની રજામાં ગામડે જવાનું થયું અને સંજોગોવસાત્ આ ગામાત કૂવા પાસેથી નીકળવાનું થયું અચાનક મને કોઈના રૂદનનો અવાજ સંભળાયો, તેનાં ધીમાં ડૂસકાં સંભળાયા. મેં આસપાસ નજર કરી તો કોઈ ન મળે. અચાનક મારી નજર એ કૂવા ઉપર પડી ને મારા પગ ત્યાંજ થંભી ગયા.
અહોહો!! ક્યાં છે પનિહારીઓના ખિલખિલાટ થી હર્યોભર્યો કૂવો!! એ સદા જીવંત મલકાતો છલકાતો કૂવો અત્યારે દર્દ ભર્યા હિબકા ભરી રડી રહ્યો હતો, અને કોઈ અર્ધી જીંદગીએ વિધુર થયેલાં પુરૂષની જેમ સૂનકાર ઊભો હતો. તેનાં મંડાણના ટોડલા ખરી પડ્યાં હતાં. થાળાના અર્ધા પથ્થરો નીકળી ગયા હતાં. ઠેર ઠેર નાના મોટાં વૃક્ષો ઉગી નીકળ્યાં હતાં. મને એ કૂવો પોતાના એ સોનેરી દિવસો સંભારીને આંસુ સારતો નજરે ચડ્યો. તેનું છૂપું મૂંગુ રૂદન મારાથી જોવાયુ નહીં હું ઝપાટાભેર ત્યાંથી નીકળી ગયો.
હવે તો ગામમાં ઘરેઘરે નળની સુવિધા હતી. સવાર-સાંજ ફળિયામાં તો શું છેક પાણીયારે માટલાના મોંઢામાં સીધું પાણી આવવા લાગ્યું હતું.
પરંતું હજું લોકગીતોમાં કૂવો જીવંત છે.
” આઠે કૂવા ને નવ પાવઠા જી..રે..
પાવઠે પાવઠે પનિહારીની હાર માણારાજ..
કૂવા કાંઠે તે કાન ઘોડા ખેલવે રે..
કાન મને ઘડૂલો ચડાવ.. માણારાજ.
– ભાનુભાઈ અધ્વર્યુ, ૩૭ ‘વિહંગ’ વિધૂતનગર, સાવરકુંડલા. (અમર કથાઓ ગ્રુપ)