લગ્ન જીવનમાં સમર્પણ એટલે શું? તે સમજવું હોય તો આ લઘુકથા વાંચો, દરેક પતિ પત્ની ખાસ વાંચે.

0
1148

(અડધો ભાગ લઘુકથા – ભાગ ૫)

સમર્પણ :

આજે રજા હતી. એટલે ઘરે પૂજા રાખી હતી..

વિવેક રુપા પૂજામાં બેઠાં. ગોરબાપાએ કાંડા બાંધ્યા. પૂજા ચાલુ કરાવી. એની સુચના મુજબ બેય કરતા ગયા. જલં સમર્પયામિ.. ફલં સમર્પયામિ.. તોયં સમર્પયામિ.. પુષ્પં સમર્પયામિ.. અક્ષતં સમર્પયામિ..

પવિત્ર લયબધ્ધ શ્લોકોથી ઘર ગુંજી ઉઠ્યું. બધા ભાવ વિભોર થઈ ગયા.

પૂજા પુરી થઈ. બન્ને વડિલોને પગે લાગ્યા. મોટી દક્ષિણા લઈ ગોરબાપા ગયા.

વિવેક રુપા ઓરડામાં ગયા, રુપાએ કહ્યું..

“ચાલો, હું એક પૂજા વિધિ કરાવું. આનું નામ છે દંપતીપૂજા. ગોરબાપા સમર્પયામિ બોલે, ત્યારે તમે જેમ કરતા તેમ હું સમર્પયામિ બોલું, ત્યારે પણ તમારે એમ કરવાનું. સમજાણું?“

વિવેકને રુપાના નખરામાં મજા પડતી હતી. તે વિવેકની બરાબર સામે ઉભી રહી. બોલી..

“ગાલં સમર્પયામિ..” વિવેકે ગાલ પર ચુંબન લીધું..

“કપાલં સમર્પયામિ..”

“ઓષ્ઠં સમર્પયામિ..”

“અધુના સર્વં સમર્પયામિ..”

છેલ્લા વાક્યમાં કંઈ સમજાયું નહીં, એટલે વિવેકે કંઈ ના કર્યું.. પુછ્યું.. “આમાં શું કરવાનું?“

“બુધ્ધુ છો… મને ઉપાડીને પલંગમાં નાખી દેવાની.”

“મારી ટીચર ગાંડી.. એટલે સાવ ગાંડી..” વિવેક હસ્યો.. ને પલંગ તરફ લઈ ગયો.

વિવેકની છાતી પર માથું રાખી રુપા સુઈ ગઈ. વિવેકના આંગળા તેના વાળમાં ફરતા હતા.

રુપા બોલી. “વિવેક, પ્રેમ એટલે શું?“

“આપણે એક બીજાને ગમીએ એ પ્રેમ.”

“જવાબ સાચો.. પણ અધુરો..” રુપા બોલી.. “પ્રેમ એટલે સમર્પણ. પોતાની જાતને સામેનામાં ભેળવી દેવી. પોતે શૂન્ય થઈ જાવું. દુધમાં સાકર ભળે તેમ. દેખાવું નહીં, પણ મિઠાશ ફેલાવી દેવી. સામેનાનો કંઈ દોષ ના જોવો. મધુરાધિપતે અખીલં મધુરમ્.. ની જેમ.”

રુપા આગળ ન બોલી, એટલે વિવેકે જોયું. આંખો મિંચાઈ ગઈ છે. ને તે ખરેખર ઉંઘી ગઈ છે.

વિવેકને પુરેપુરું સમજાઈ ગયું કે,

સમર્પણ એટલે શું..

– જયંતીલાલ ચૌહાણ ૪-૧૧-૨૦.