રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર)
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
કારણ તો બીજુ કંઈ નથી કાન અહીં માસ્ક સાથે વાંસળી નઈ વાગશે,
યમુનાના પાણીમાં આંટો જો દીધો તો ઝેર તારા અંગડાં અભડાવશે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
માખણને ગોરસની ઈચ્છા ના રાખતો થેલીથી તૃષા બુઝાવજે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
નંદ કેરો નેહડોને ગોપીયુના ગીતડાંને ભરખી ગ્યા આજના આ ગાણા,
વાંસળીના નાદ સાથે વહેલી પરોઢનાં હવે નથી રહ્યા ઈ ટાંણાં,
ઉઠીશ પરોઢે તો કર્કશ અવાજોને પ્રદુષણ કાળજામાં વાગશે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
ગોવર્ધન ઉપાડવાની વાત જ નથી અહીં જીવતરનો ભાર ખૂબ લાગશે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
નવસો નવ્વાણું પૂર્યા તાં ચીર કાન નોંધારી અબળાને કાજે,
લૂ ટે લોકશાહીને દુર્યોધન, દુસાશન એમાં ગજ તારો હવે નઈ વાગે,
તારા સુંદર્શનમાં વાયરસ વાપરીને આરોપ તારા ઉપર નાખશે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
અડપલાં ગોપીયુના એક કોર જાવા દે એક સ્મિતનીયે આશા ના રાખતો,
તુ છો વિરાટરૂપ એવા કોઈ વેમ માં જોજે ગીતાજી ના ભાખતો,
નેતાને ખુરશીની જામી છે હોડ એવી તારી વાતનેય ટલ્લે ચડાવશે,
લઈશ ના અવતાર હવે અવની પર કાન કદી જીવન અઘરું તને લાગશે,
“શંકર” ક્યે શ્યામ આ તો અમથું કહું છું તને જોજે ના ખોટુ લગાડજે,
સોગંદ છે રાધાના એક વાર વ્હાલા મારા અવની પર પાછો તુ આવજે.
– સાભાર શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)