આપણી ગુજરાતી ભાષામાં કેટલીક લોક કહેવતો પ્રચલિત થઈ ગઈ છે, અને આ કહેવતો કેવી રીતે અમલમાં આવી તેની પાછળ કેટલીક વાર્તાઓ છે. એવી જ એક પ્રચલિત લોક કહેવત છે “લખણ ન બદલે લાખા”, એટલે કે કેટલાક માણસ જન્મથી એવા અપલખણ વાળા હોય છે કે જીવનભર એમાં ફેરફાર થઈ શકતા નથી. આજે આ કહેવત પાછળ શું ઘટના બની હતી તે અમે તમને જણાવીશું.
એક રાજા હતો તેને ત્રણ રાણીઓ હતી. રાજાના નસીબ એવા કે તેની ત્રણેય રાણીઓ બોબડી. એકવાર રાજાને થયું રાણીઓને સરખું બોલતા નથી ફાવતું એ તેમના માટે શરમજનક વાત કહેવાય. આથી, તેમણે વિચાર્યું લાવને ચોથી વાર લગ્ન કરી સારી રાણી લાવું તો મારી આબરૂ રહે. રાજાએ ચોથી વાર લગ્ન કર્યા પણ રાજાના ભાગ્યમાં ભમરો એટલે એ ચોથી રાણી પણ ગૂંગણું જ બોલતી હતી. પણ રાજાએ આ વાત પોતાની ઈજ્જત ના જાય એ કારણે કોઈને જણાવી નહીં.
આ રાજાના મહેલમાં એક વાળંદ રોજ આવતો હતો. એક દિવસ તે વાળંદ રાજાની હજામત કરતો હતો. તે સમયે રાજમહેલમાં ચોમાસાના લીધે મંકોડા ઉભરાયા હતા. નવા રાણી મહેલની લટાર મારવા નીકળ્યા હતા ત્યારે એક મકોડાએ ચટકો ભર્યો અને રાણી એ બૂમ પાડી, “માં, મને મંતોલે ટલ્લી રે ટલ્લી”
(માં મને મંકોડે કરડી રે કરડી).
વાળંદ નવી રાણીને બોલતા સાંભળી ગયો અને તેને ખબર પડી ગઈ કે નવા રાણી પણ બોબડા છે. વાળંદના પેટમાં આ વાત રહી નહિ તેણે આ વાત પ્રધાનને કરી. પ્રધાન પણ જમાનાનો ખાધેલો એને થયું કે રાજા બધાથી આ વાત છુપાવે છે, એટલે હવે આ વાત બહાર લાવ્યે જ છૂટકો. આથી પ્રધાને એકવાર રાજાને કહ્યું, “રાજા સાહેબ તમે નવી રાણી સાહેબા લાવ્યા પણ અમને એકેવાર જમાડ્યા નહિ. નવા રાણી સાહેબાના હાથની રસોઈ તો જમાડો.”
રાજા ના કેવી રીતે પાડી શકે? આથી તેમણે પ્રધાનને અને બીજા અમલદારોને જમવા નોતર્યા. રાણીઓએ હરખથી બધી રસોઇ કરી. રાજાએ રાણીઓને કડક સૂચના આપી કે “તમે ભલે પીરસવા આવજો પણ તમારે ચારેયમાંથી એકેયે એક અક્ષર પણ બોલવાનો નહિ. જે બોલશે તેને દેશવટો આપીશ.”
બપોરે બરોબર બાર વાગ્યે પ્રધાન અને અમલદારો જમવા બેઠા. રાણીઓ એક પછી એક આવે અને જાતજાતની રસોઈ પીરસીને જાય પણ કોઈ મોઢા માંથી એક અક્ષર પણ બોલે નહિ. આથી ચતુર પ્રધાનને વાળંદની વાત સાચી લાગી. રાણીઓને બોલાવવા પ્રધાને એક યુક્તિ વિચારી. જમતા જમતા પ્રધાને વાત ઉપાડી “આ વડીનું શાક ભારે સ્વાદિયું થયું છે. મહેલમાં આવી સ્વાદિષ્ટ વડીઓ કોણ બનાવે છે?”
આ સાંભળીને જે રાણીએ શાક બનાવ્યું તેનાથી બોલ્યા વગર ના રહેવાયું અને બોલી, “એ વઈઓ મેં કંઈ (એ વડીઓ મેં કરી).
આ સાંભળી એક રાણીને ગમ્યું નહિ તેથી તે બોલી, “ટમને બોવાનું ના કહ્યું ટુ ને ચ્યુમ બોયા? (તમને બોલવાનું ના કહ્યું હતું ને કેમ બોલ્યા?)
આથી ત્રીજી રાણીને મનમાં થયું કે રાજાજીએ ના કહ્યું છતાં એક રાણી તો બોલી પણ બીજી શું કામ બોલી? મારે તેને વાત કહેવી જ જોઈએ એટલે તે બોલી, “એ બોયા તો બોયા પણ તમે કેમ બોયા?” (એ બોલ્યા તો બોલ્યા પણ તમે કેમ બોલ્યા).
ત્યાં ચોથી રાણીને થયું રાજાએ ના પાડી તો પણ બધા બોલ્યા પણ હું ડાહી છું, કારણકે હું બોલી નથી. આ વિચાર કરી તે બોલી ઉઠી, “આપે તો બા બોયાંય નથી કે ચાયાંયે નથી” (આપણે તો બા બોલ્યાય નથી કે ચાલ્યાય નથી). આમ રાજાની ચારેય રાણીઓ ગૂંગણું બોલે છે એમ બધાંને ખબર પડી ગઈ.
લાખ ઉપાય કરો તો પણ લક્ષણ બદલાતા નથી એટલે લોકબોલીમાં કહેવત પડી ગઈ, “લખણ ના બદલે લાખા”.
પ્રિવ્યુ ફોટો પ્રીતિકારાત્મક