જાણો એવું તે શું થયું કે લક્ષ્મી, સરસ્વતી અને ગંગાએ એકબીજાને આપવો પડ્યો શ્રાપ. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુની ત્રણ પત્નીઓ લક્ષ્મી, ગંગા અને સરસ્વતી હતા. એક વાર વિષ્ણુજીએ ગંગા પ્રત્યે વિશેષ સ્નેહ અને લાગણી દેખાડી, જેના ફળસ્વરુપ સરસ્વતીના મનમાં ઈર્ષ્યાનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. સરસ્વતી, ત્રણેય પત્નીઓ પ્રત્યે સમાન સ્નેહ રાખવાના સિધ્ધાંતની અવગણના કરીને ગંગા પ્રત્યે આસક્તિ દેખાડવા માટે, પોતાના પતિ વિષ્ણુજીને ખરી-ખોટી વાતો સંભળાવવા લાગ્યા. સરસ્વતીએ ગંગાને પણ ખોટા વચન કહ્યા.
વિષ્ણુજી પત્નીઓના ક્લેશને જોઈને મહેલમાંથી બહાર નીકળી ગયા. કાંઈ પણ કહ્યા વગર આ રીતે પતિના બહાર જતા રહેવાથી સરસ્વતીનો ગુસ્સો વધારે ભડકી ગયો. તેમણે ગંગાના વાળ પકડ્યા અને પ્રહાર કરવા પ્રયત્ન કર્યો. લક્ષ્મીએ વચ્ચે આવીને બંનેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. પણ સરસ્વતીએ લક્ષ્મીને ગંગાની સહાયક માનીને તેમનું અપમાન કર્યું, અને તેમની વચ્ચે આવવાને કારણે વૃક્ષ બની જવાનો શ્રાપ આપ્યો.
આ તરફ ગંગા પોતાના કારણે વગર વાંકે લક્ષ્મીને દંડ મળતો જોઈને ક્રોધિત થઈ ગયા અને તેમણે સરસ્વતીને પૃથ્વી પર નદી બની જવાનો શ્રાપ આપ્યો. સરસ્વતી પણ પાછળ ન રહ્યા. તેમણે પણ ગંગાને મૃતકની અસ્થિઓ વહન કરતી નદી બનીને પૃથ્વી પર વહેવાનો શ્રાપ આપી દીધો.
જયારે વિષ્ણુજી પોતાના પાર્ષદો સહીત પાછા આવ્યા, તો તેમને પત્નીઓના પરસ્પર ક્લેશ અને શ્રાપ વગેરે વિષે સંપૂર્ણ જાણકારી મળી. વિષ્ણુજીએ લક્ષ્મીની શાંત વૃત્તિ, સહનશીલતા અને ઉદારતા જોઈને ફક્ત તેમને જ પત્નીના રૂપમાં પોતાની પાસે રાખવા યોગ્ય સમજ્યા. વિષ્ણુજીએ ગંગા અને સરસ્વતીને ત્યાગી દેવાનો નિશ્ચય કર્યો.
વિયોગની અનિવાર્ય સ્થિતિથી વ્યથિત થઈને બંને જ ધ્રુજતા સ્વરે શ્રાપોથી જલ્દી છુટકારો મેળવવાનો ઉપાય પૂછવા લાગ્યા. વિષ્ણુજીએ તેમને જણાવ્યું કે, ગંગા તો નદીના રૂપમાં સ્વર્ગ, પૃથ્વી લોક અને પાતાળ લોકમાં ત્રિપથગા થઈને વહેશે. તેમનું સ્થાન શિવ જટાઓમાં પણ હશે. અંશ રૂપમાં જ તે સ્વર્ગમાં મારા સાનિધ્યમાં રહેશે. સરસ્વતી પ્રધાન રૂપથી પૃથ્વી પર રહેશે અને અંશ રૂપમાં મારી પાસે. લક્ષ્મી ‘તુલસી’ બનીને મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરીને સમગ્ર અને સ્થાયી રૂપમાં મારું પત્નીત્વ ગ્રહણ કરશે. શ્રાપ અનુસાર બંને દેવીઓ નદીના રૂપમાં પૃથ્વી પર આવ્યા.
પૃથ્વી પર સ્ત્રોતોમાં જે સર (જળ) દેખાય છે, તે સરના સ્વામી સરસ્વાન કહેવાય છે, અને સરસ્વાનની પત્ની હોવાથી સરસ્વતીજીને ‘સરસ્વતી’ કહેવામાં આવ્યા. સરસ્વતી નદી તીર્થરૂપા છે. તે પાપનાશ માટે સળગતી અગ્નિ સમાન છે.
તેજ ગંગા અને સરસ્વતી શ્રાપને કારણે ભૂલોકમાં નદી બનીને વહે છે. રાધા-કૃષ્ણના શરીરોથી ઉત્પન્ન તેમના સ્વરૂપોના દર્શન કરાવતી ગંગા અત્યંત પવિત્ર, સર્વ સિદ્ધિદાત્રી તથા તીર્થરુપા નદી છે.
ભવિષ્ય પૂરાણમાં કહેવામાં આવ્યું છે કે, સરસ્વતીના શ્રાપથી ભારતવર્ષમાં આવેલી ગંગા શ્રાપનો સમયગાળો પૂરો થવા પર એટલે કે કળિયુગના સમાપ્ત થવા પર ફરીથી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી વૈકુંઠ જતા રહેશે.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.