શ્રી લક્ષ્મી સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે : દેવી લક્ષ્મીની કૃપા મેળવવા દરરોજ કરો આ સ્તોત્રનો પાઠ.

0
355

આ લક્ષ્મી સ્તોત્ર છે ખૂબ જ પ્રભાવશાળી, જે આનો નિયમિત પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી.

ભગવાન વિષ્ણુની મદદથી દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું, ત્યારબાદ લક્ષ્મીજીની કૃપાથી દેવતાઓ ફરીથી શ્રીમાન બન્યા. તે સમયે જ્યારે ઈન્દ્રનો રાજ્યાભિષેક થયો ત્યારે દેવરાજ ઈન્દ્રએ આ સ્તોત્રથી ભગવતી મહાલક્ષ્મીની સ્તુતિ કરી. આ વિષ્ણુ પુરાણનું પ્રથમ લક્ષ્મી સ્તોત્ર છે અને ખૂબ જ પ્રભાવશાળી છે. જે આનો નિયમિત પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી.

॥ શ્રી લક્ષ્મી સ્તોત્ર / સ્તોત્રમ્ ॥

સિંહાસનગતઃ શક્રસ્સમ્પ્રાપ્ય ત્રિદિવં પુનઃ ।

દેવરાજ્યે સ્થિતો દેવીં તુષ્ટાવાબ્જકરાં તતઃ ॥1॥

અર્થ – ઈન્દ્ર સ્વર્ગમાં ગયા અને દેવતાઓના રાજ્ય પર ફરીથી અધિકાર મેળવ્યો અને રાજ સિંહાસન પર બેસીને આ રીતે પદ્મહસ્તા શ્રી લક્ષ્મીજીની સ્તુતિ કરી. ॥1॥

[ ઇન્દ્ર ઉવાચ ]

નમસ્યે સર્વલોકાનાં જનનીમબ્જસમ્ભવામ્ ।

શ્રિયમુન્નિદ્રપદ્માક્ષીં વિષ્ણુવક્ષઃસ્થલસ્થિતામ્ ॥2॥

અર્થ – [ઇન્દ્ર બોલ્યા]

સંપૂર્ણ લોકોની જનની, જેમની આંખો વિકસિત કમળ જેવી છે, જે ભગવાન વિષ્ણુના વક્ષ:સ્થળમાં બિરાજમાન છે, એવા શ્રીલક્ષ્મી દેવીને હું મારા વંદન કરું છું.

પદ્માલયાં પદ્મકરાં પદ્મપત્રનિભેક્ષણામ્ ।

વન્દે પદ્મમુખીં દેવીં પદ્મનાભપ્રિયામહમ્ ॥3॥

અર્થ – કમળ જેમનું નિવાસ સ્થાન છે, કમળ જ જેમના કરકમળમાં સુશોભિત છે અને જેમની આંખો કમળની પાંખડીઓ જેવી છે, હું કમળમુખી કમલનાભ પ્રિયા શ્રીકમલા દેવીની પૂજા કરું છું. ॥3॥

ત્વં સિદ્ધિસ્ત્વં સ્વધા સ્વાહા સુધા ત્વં લોકપાવની ।

સન્ધ્યા રાત્રિઃ પ્રભા ભૂતિર્મેધા શ્રદ્ધા સરસ્વતી ॥4॥

અર્થ – હે દેવી! તમે સિદ્ધિ છો, સ્વધા છો, સ્વાહા છો, સુધા છો અને ત્રિલોકીને પવિત્ર કરનાર છો અને તમે જ સંધ્યા, રાત્રી, પ્રભા, વિભૂતિ, મેધા, શ્રદ્ધા અને સરસ્વતી છો.

યજ્ઞવિદ્યા મહાવિદ્યા ગુહ્યવિદ્યા ચ શોભને ।

આત્મવિદ્યા ચ દેવિ ત્વં વિમુક્તિફલદાયિની ॥5॥

અર્થ – હે શોભને! તમે યજ્ઞવિદ્યા (કર્મકાંડ), મહાવિદ્યા (પૂજા) અને ગુહ્યવિદ્યા (ઇન્દ્રજાળ) છો અને હે દેવી! મુક્તિનું ફળ આપનાર આત્મવિદ્યા તમે જ છો.

આન્વીક્ષિકી ત્રયી વાર્તા દણ્ડનીતિસ્ત્વમેવ ચ ।

સૌમ્યાસૌમ્યૈર્જગદ્રૂપૈસ્ત્વયૈત્તદ્દેવિ પૂરિતમ્ ॥6॥

અર્થ – હે દેવી! તમે આન્વિક્ષિકી (તર્કવિદ્યા), વેદત્રયી, વાર્તા (શિલ્પ, વાણિજ્ય વગેરે) અને દંડનીતિ (રાજકારણ) છો. તમે તમારા શાંત અને ઉગ્ર સ્વરૂપોથી આ સમગ્ર જગતને વ્યાપી લીધું છે.

કા ત્વન્યા ત્વામૃતે દેવિ સર્વયજ્ઞમયં વપુઃ ।

અધ્યાસ્તે દેવદેવસ્ય યોગિચિન્ત્યં ગદાભૃતઃ ॥7॥

અર્થ – હે દેવી! તમારા વિના અને એવી કઈ સ્ત્રી છે જે દેવદેવ ભગવાન ગદાધરના યોગીજન ચિન્તત સર્વયજ્ઞમય શરીરનો આશ્રય મેળવી શકે.

ત્વયા દેવિ પરિત્યક્તં સકલં ભુવનત્રયમ્ ।

વિનષ્ટપ્રાયમભવત્ત્વયેદાનીં સમેધિતમ્ ॥8॥

અર્થ – હે દેવી! તમારા છોડી દેવા પર આખી ત્રિલોકી નાશ પામી હતી, હવે તમે જ તેને પુનઃ જીવનદાન આપ્યું છે.

દારાઃ પુત્રાસ્તથાગારસુહૃદ્ધાન્યધનાદિકમ્ ।

ભવત્યેતન્મહાભાગે નિત્યં ત્વદ્વીક્ષણાન્નૃણામ્ ॥9॥

અર્થ – હે મહાભાગે! સ્ત્રી, પુત્ર, ઘર, ધન, ધાન્ય અને મિત્રો – આ બધું જ મનુષ્યને તમારી દૃષ્ટિથી મળે છે.

શરીરારોગ્યમૈશ્વર્યમરિપક્ષક્ષયઃ સુખમ્ ।

દેવિ ત્વદ્ દૃષ્ટિદૃષ્ટાનાં પુરુષાણાં ન દુર્લભમ્ ॥10॥

અર્થ – હે દેવી! શારીરિક સ્વાસ્થ્ય, ઐશ્વર્ય, શત્રુઓનો વિનાશ અને સુખ વગેરે કંઈ પણ તમારી કૃપાને પાત્ર પુરુષો માટે દુર્લભ નથી.

ત્વં માતા સર્વલોકાનાં દેવદેવો હરિઃ પિતા ।

ત્વયૈતદ્વિષ્ણુના ચામ્બ જગદ્વ્યાપ્તં ચરાચરમ્ ॥11॥

અર્થ – તમે બધા જગતની માતા છો અને દેવદેવ ભગવાન હરિ પિતા છે. હે માતા! આ સકળ ચરાચર જગત તમારા અને ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા વ્યાપ્ત છે.

મા નઃ કોશં તથા ગોષ્ઠં મા ગૃહં મા પરિચ્છદમ્ ।

મા શરીરં કલત્રં ચ ત્યજેથાઃ સર્વપાવનિ ॥12॥

અર્થ – હે સર્વપાવનિ માતેશ્વરી! તમે અમારા ભંડાર, અમારી પશુશાળા, ઘર, ભોગ-સામગ્રી, શરીર અને પત્ની વગેરેનો ક્યારેય ત્યાગ ન કરો, એટલે કે તેમાં ભરપૂર રહો.

મા પુત્રાન્મા સુહૃદ્વર્ગં મા પશૂન્મા વિભૂષણમ્ ।

ત્યજેથા મમ દેવસ્ય વિષ્ણોર્વક્ષઃસ્થલાલયે ॥13॥

અર્થ – હે વિષ્ણુ વક્ષ:સ્થળ નિવાસિનિ! તમે અમારા પુત્ર, મિત્ર, પ્રાણી અને ભૂષણ વગેરેને ક્યારેય છોડશો નહીં.

સત્ત્વેન સત્યશૌચાભ્યાં તથા શીલાદિભિર્ગુણૈઃ ।

ત્યજ્યન્તે તે નરાઃ સદ્યઃ સન્ત્યક્તા યે ત્વયામલે ॥14॥

અર્થ – હે અમલે! જે મનુષ્યોને તમે છોડી દો છો, તેમને સત્વ (માનસિક બળ), સત્ય, શૌચ અને શીલ વગેરે ગુણો પણ જલદી જ છોડી દે છે.

ત્વયા વિલોકિતાઃ સદ્યઃ શીલાદ્યૈરખિલૈર્ગુણૈઃ ।

કુલૈશ્વર્યૈશ્ચ યુજ્યન્તે પુરુષા નિર્ગુણા અપિ ॥15॥

અર્થ – તમારા આશીર્વાદ મળવાથી ગુણહીન પુરુષ પણ જલ્દી જ નમ્રતા વગેરે સંપૂર્ણ ગુણ અને ઐશ્વર્ય વગેરેથી સંપન્ન થઈ જાય છે.

સ શ્લાઘ્યઃ સ ગુણી ધન્યઃ સ કુલીનઃ સ બુદ્ધિમાન્ ।

સ શૂરઃ સ ચ વિક્રાન્તો યસ્ત્વયા દેવિ વીક્ષિતઃ ॥16॥

અર્થ – હે દેવી! જેના પર તમારી કૃપાદૃષ્ટિ છે તે પ્રશંસનીય છે, તે ગુણવાન છે, તે ભાગ્યશાળી છે, તે ઉમદા અને બુદ્ધિશાળી છે અને તે બહાદુર અને પરાક્રમી છે.

સદ્યો વૈગુણ્યમાયાન્તિ શીલાદ્યાઃ સકલા ગુણાઃ ।

પરાઙ્મુખી જગદ્ધાત્રી યસ્ય ત્વં વિષ્ણુવલ્લભે ॥17॥

અર્થ – હે વિષ્ણુપ્રિયે ! ઓ જગજનની! જેનાથી તમે વિમુખ થાઓ છો, તેના નમ્રતા વગેરે સર્વ ગુણ તરત જ અવગુણરૂપ બની જાય છે.

ન તે વર્ણયિતું શક્તા ગુણાઞ્જિહ્વાપિ વેધસઃ ।

પ્રસીદ દેવિ પદ્માક્ષિ માસ્માંસ્ત્યાક્ષીઃ કદાચન ॥18॥

અર્થ – હે દેવી! તમારા ગુણોનું વર્ણન કરવામાં તો ભગવાન બ્રહ્માની રસના પણ સક્ષમ નથી, તો પછી હું શું કરી શકું. એટલા માટે હે કમળનયને! હવે મારા પર પ્રસન્ન થાઓ અને મને ક્યારેય છોડશો નહિ.

[ શ્રીપરાશર ઉવાચ ]

એવં શ્રીઃ સંસ્તુતા સમ્યક્ પ્રાહ દેવી શતક્રતુમ્ ।

શૃણ્વતાં સર્વદેવાનાં સર્વભૂતસ્થિતા દ્વિજ ॥19॥

અર્થ – [શ્રી પરાશરજી બોલ્યા]

હે દ્વિજ! આ રીતે સ્તુતિ કરવા પર સર્વભૂત સ્થિતા શ્રીલક્ષ્મીજીએ સર્વ દેવતાઓની વાત સાંભળીને ઈન્દ્રને આ રીતે વાત કરી –

[ શ્રીરુવાચ ]

પરિતુષ્ટાસ્મિ દેવેશ સ્તોત્રેણાનેન તે હરે ।

વરં વૃણીષ્વ યસ્ત્વિષ્ટો વરદાહં તવાગતા ॥20॥

અર્થ – [શ્રી લક્ષ્મીજી બોલ્યા]

હે દેવેશ્વર ઈન્દ્ર! તમારા આ સ્તોત્રથી હું ખૂબ પ્રસન્ન થઈ છું, તમને જે જોઈએ તે વર માગો. હું તને વરદાન આપવા જ આવી છું.

[ ઇન્દ્ર ઉવાચ ]

વરદા યદિ મે દેવિ વરાર્હો યદિ વાપ્યહમ્ ।

ત્રૈલોક્યં ન ત્વયા ત્યાજ્યમેષ મેઽસ્તુ વરઃ પરઃ ॥21॥

અર્થ – [ઇન્દ્ર બોલ્યા]

હે દેવી! જો તમારે વરદાન આપવું હોય અને હું પણ વરદાન મેળવવાને પાત્ર હોઉં તો મને પહેલું વરદાન એ આપો કે તમે આ ત્રિલોકીનો કદી ત્યાગ કરશો નહીં.

સ્તોત્રેણ યસ્તથૈતેન ત્વાં સ્તોષ્યત્યબ્ધિસમ્ભવે ।

સ ત્વયા ન પરિત્યાજ્યો દ્વિતીયોઽસ્તુ વરો મમ ॥22॥

અર્થ – અને હે સમુદ્ર સંભવે! મને બીજું વરદાન એ આપો કે આ સ્તોત્રથી જે કોઈ તમારી સ્તુતિ કરે તેનો તમે ક્યારેય ત્યાગ નહીં કરો.

[ શ્રીરુવાચ ]

ત્રૈલોક્યં ત્રિદશશ્રેષ્ઠ ન સન્ત્યક્ષ્યામિ વાસવ ।

દત્તો વરો મયા યસ્તે સ્તોત્રારાધનતુષ્ટયા ॥23॥

અર્થ – [શ્રી લક્ષ્મીજી બોલ્યા]

હે દેવશ્રેષ્ઠ ઇન્દ્ર! હવે હું આ ત્રિલોકીને ક્યારેય નહીં છોડું. તમારા સ્તોત્રથી પ્રસન્ન થઈને હું તમને આ વરદાન આપું છું.

યશ્ચ સાયં તથા પ્રાતઃ સ્તોત્રેણાનેન માનવઃ ।

માં સ્તોષ્યતિ ન તસ્યાહં ભવિષ્યામિ પરાઙ્મુખી ॥24॥

અર્થ – જે કોઈ મનુષ્ય સવાર-સાંજ આ લક્ષ્મી સ્તોત્ર વડે મારી સ્તુતિ કરશે, તેનાથી પણ હું ક્યારેય વિમુખ નહિ થઈશ.

આ રીતે શ્રી વિષ્ણુ મહાપુરાણમાં શ્રી લક્ષ્મી સ્તોત્ર સંપૂર્ણ થયું.