“લાલ ઝંડી” – ઉમેદને ઘેર જાજા વરસે દીકરી થઈ પણ…. બાપ અને દીકરીની આ સ્ટોરી તમને રડાવી દેશે.

0
411

ઉમેદનું કદાવર શરીર.. પોતાની કુળદેવીનો ભુવો, એટલે ચોટલી રાખે.. અને લગભગ ટકો જ કહેવાય એટલા ટુંકા વાળ રાખે. રેલ્વે જંકશનમાં એને બધા ભુવાના નામથી જ ઓળખે.

એ રેલ્વેમાં ખલાસી હતો.. પાટા તપાસના ઈજનેરની હાથગાડીને ધક્કો મારવાની એની નોકરી.. આ કામમાં બેની જોડી હોય.. ઉમેદ લોંઠકો એવો કે બીજા ખલાસી એની જોડીમાં આવવાનું વધારે પસંદ કરે.

ઉમેદ વાતોડિયો પણ એવો.. જંકશનના પ્લેટફોર્મ પછી પાટાની લાઈનો.. અને એ પછી થોડે દુર ઘણી ઓરડીઓ.. એમાં એક ઓરડી ઉમેદની.. એની ઓરડી સામે પીપળનું ઝાડ હતું, તેની નીચે ખાટલો નાખીને એની બેઠક.. એ બેઠો હોય ત્યારે બીજા બે ત્રણ જણા પણ પોતાનાો ખાટલો લાવીને ગોઠવાઈ ગયા હોય.

ઉમેદની ઘરવાળી ઉજી.. ઉજીનો ખોળો જાજા વરસે ભરાયો હતો.. દિકરી થઈ.. ઉમેદ એને માતાજીની દીધેલ માનતો.. અને નામ પાડ્યું હતું ” અંબા..”

પાટાના ઈજનેરને મશીન વાળી ગાડીઓ આવી.. એટલે એ કામમાંથી બઢતી આપી ઉમેદને શન્ટર બનાવ્યો.. શન્ટર એટલે જંકશનમાં ગાડી કે માલગાડીના ડબા જોડવા છોડવાનું કામ.

એન્જીન પાછું ચાલીને ડબો લઈ આવતું હોય.. ઉમેદ ઉભેલા ડબા પાસે ઉભો રહે.. હાથમાં લાલ લીલી ઝંડી હોય.. મોઢામાં વધારે અવાજ કરે તેવી સીસોટી હોય.. ઝંડી હલાવીને ડ્રાયવરને આવવાની કે રોકાવાની સુચના આપે.. સાંધો થઈ જાય એટલે લીલી ઝંડી બતાવે અને સીસોટી વગાડી કામ થઈ ગયાની નિશાની આપે..

અંબા આઠેક વરસની થઈ હતી.. ઉમેદ નોકરી પર હતો. એની ઓરડીની સામે જ શન્ટીંગ ચાલતું હતું. આજે થોડા જ ડબા હતા. કામ પતાવી એ જંકશનમાંથી સીધો શહેરમાં ખરીદી કરવા જવાનો હતો.

ઉજીનો ભાઈ કંઈ કામે શહેરમાં આવ્યો હતો. એટલે બેન બનેવીને મળવા આવ્યો. તે જાજીવાર રોકાવાનો હતો નહીં.

ઓરડીની સામે જ, પણ દુર ઉમેદ દેખાતો હતો. ઉજીએ અંબાને સમાચાર દેવા મોકલી કે.. ” તમે પહેલાં ઘરે આવજો, પછી શહેરમાં જજો..”

પાટા કુદતી કુદતી અંબા ગઈ. આ એની રોજની આદત હતી. ઉમેદ લીલી ઝંડી હલાવી રહ્યો હતો. ઉંધે મોંએ એન્જીન ડબો લઈને આવી રહ્યું હતું.. એક તરફ ઉમેદ હતો.. વચ્ચે પાટા.. અને બીજી તરફ અંબા.. અંબાને એમ કે ડબો આવે તે પહેલાં પોતે બાપુજી પાસે પહોંચી જશે.. પણ..

પણ.. એ ના પહોંચી શકી.. બે ડબાના તોતીંગ બમ્પર વચ્ચે ભીંસાઈ ગઈ..

પોતાની નજર સામે થયેલી ઘટના ઉમેદથી સહન થઈ નહીં.. એણે માનસિક સમતુલા ગુમાવી દીધી.. એને પેન્શન પર ઉતારી દેવામાં આવ્યો.. પાગલ ઉમેદને ઉજી વતનના ગામમાં લઈ ગઈ..

આજે પણ ઉમેદ લાલઝંડી બગલમાં દબાવીને રાખે છે.. ગામમાં ફરે છે.. ને કોઈ નાનું છોકરું રસ્તો ઓળંગતું હોય, ત્યાં વચ્ચે ઉભો રહી લાલઝંડી હલાવે છે..

પણ હવે તેની લાલઝંડીને કોઈ ગણકારતું નથી.

– જયંતીલાલ ચૌહાણ ૩-૬-૨૧