‘છેલ્લો પ્રયત્ન’ : એક મૂર્તિકારના જીવનમાં બનેલી આ ઘટનામાં છુપાયેલું છે સફળતાનું રહસ્ય.

0
475

એક સમયની વાત છે. એક રાજ્યમાં એક પ્રતાપી રાજા રાજ કરતા હતા. એક દિવસ તેમના દરબારમાં એક વિદેશી મહેમાન આવ્યા અને તેમણે રાજાને એક સુંદર પથ્થર ભેંટના રૂપમાં આપ્યો. રાજા તે પથ્થર જોઈ ઘણા પ્રસન્ન થયા. તેમણે તે પથ્થર માંથી ભગવાન વિષ્ણુની મૂર્તિનું નિર્માણ કરાવી તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને મૂર્તિનું નિર્માણ કાર્ય રાજ્યના મહામંત્રીને સોપી દીધું.

મહામંત્રી ગામના સર્વશ્રેષ્ઠ મૂર્તિકાર પાસે ગયા અને તેને તે પથ્થર આપતા કહ્યું, મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે. સાત દિવસની અંદર આ પથ્થર માંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરી રાજમહેલ પહોંચાડી દેજો. તેના માટે તમને 50 સ્વર્ણ મુદ્રાઓ આપવામાં આવશે.

50 સ્વર્ણ મુદ્રાઓની વાત સાંભળીને મૂર્તિકાર ખુશ થઇ ગયો અને મહામંત્રીના ગયા પછી મૂર્તિનું નિર્માણ કાર્ય શરુ કરવાના ઉદેશ્યથી પોતાના સાધનો કાઢી લીધા. પોતાના સાધનો માંથી તેણે એક હથોડી લીધી અને પથ્થર તોડવા માટે તેની ઉપર હથોડી મારવા લાગ્યો. પણ પથ્થર એમને એમ જ રહ્યો. મૂર્તિકારે હથોડીને ઘણી વખત પથ્થર ઉપર મારી, પણ પથ્થર ન તુટ્યો.

પચાસ વખત પ્રયત્ન કરવા છતાં પણ મૂર્તિકારે છેલ્લી વખત પ્રયત્ન કરવાના ઉદેશ્યથી હથોડી ઉપાડી, પણ તે સમયે એવું વિચારીને હથોડીને પથ્થર ઉપર મારતા પહેલા જ પોતાના હાથ ખેંચી લીધા કે જયારે પચાસ વખત મારવાથી પણ પથ્થર નથી તુટ્યો, તો હવે શું તૂટવાનો?

તે પથ્થર લઈને પાછો મહામંત્રી પાસે ગયો અને તેમને એવું કહીને પાછો આવ્યો કે આ પથ્થર તોડવો અશક્ય છે. એટલા માટે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ નહિ બની શકે.

મહામંત્રીએ રાજાના આદેશને કોઇપણ સ્થિતિમાં પૂરો કરવાનો હતો. એટલા માટે તેણે ભગવાન વિષ્ણુની મૂર્તિનું નિર્માણ કાર્ય ગામના એક સામાન્ય મૂર્તિકારને સોંપી દીધું. તે મુર્તીકારે મહામંત્રીની સામે જ તે પથ્થર ઉપર હથોડાથી પ્રહાર કર્યો અને તે પથ્થર એક વખતમાં જ તૂટી ગયો.

પથ્થર તૂટ્યા પછી તે મૂર્તિકાર મૂર્તિ બનાવવામાં લાગી ગયો. ત્યાં મહામંત્રી વિચારવા લાગ્યા કે, જો પહેલા મૂર્તિકારે એક છેલ્લો પ્રયત્ન કર્યો હોત તો સફળ થઇ ગયો હોત અને 50 સ્વર્ણ મુદ્રાઓનો હક્કદાર બની ગયો હોત.

બોધ : મિત્રો આપણે પણ આપણા જીવનમાં આવી પરિસ્થિતિ માંથી પસાર થતા રહીએ છીએ. ઘણી વખત કોઈ કાર્ય પૂરું કરતા પહેલા કે કોઈ સમસ્યા સામે આવે ત્યારે તેનું નિરાકરણ કરતા પહેલા આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે, અને આપણે પ્રયત્ન કર્યા વગર જ હાર માની લઈએ છીએ. ઘણી વખત આપણે એક બે પ્રયત્નમાં નિષ્ફળતા મળવાથી આગળ પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. જયારે બની શકે છે કે થોડા પ્રયત્ન વધુ કરવાથી કાર્ય પૂર્ણ થઇ જાય કે સમસ્યાનું સમાધાન થઇ જાય.

જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે, તો વારંવાર નિષ્ફળ થવા છતાં પણ ત્યાં સુધી પ્રયત્ન કરવાનું ન છોડવું જોઈએ, જ્યાં સુધી સફળતા ન મળી જાય. શું ખબર જે પ્રયત્ન કરતા પહેલા આપણે હાથ ખેંચી લઈએ, અને તેમાં જ આપણેને સફળતા પ્રાપ્ત થઇ જાય.

(ફોટા પ્રતિકાત્મક છે, સોર્સ ગૂગલ)