જાણો બુઢ્ઢા કેદાર વિષે જેનો સ્કંદપુરાણમાં છે ઉલ્લેખ, અહીં શિવજીએ પાંડવોને આપ્યા હતા દર્શન.

0
414

બુઢ્ઢા કેદાર :

– ભાનુભાઈ અધ્વર્યુ, સાવરકુંડલા.

હિમાલય એટલે દેવભૂમિ અને એમાય દેવોના દેવ મહાદેવની ભૂમિ કહીએ તો અતિશયોક્તિ નહીં જ ગણાય. અહીં સૌંદર્યનો અખૂટ અને અમાપ ખજાનો ઠેર ઠેર તમારી નજર સામે વિખરાયેલો જોવા મળે છે.

આપણાં રાજવિ કવિ કલાપીએ સાચું જ ગાયું છે

‘સૌંદર્યો વેડફી દેતા; ના ના સુંદરતા મળે.

સૌંદર્ય પામતા પહેલા, સુંદર બનવું પડે.’

અહીં કવિની કલ્પનાનું સૌંદર્ય અફાટ પ્રત્યક્ષ દેખાય છે.

કવિએ આ સૌંદર્યનું રસપાન કરતાં પહેલાં સુંદર બનવાનું કહ્યું તે મુજબ બાહ્ય સૌંદર્ય નહીં પણ આંતરિક સૌંદર્ય ખીલવવુ ખૂબ જરૂરી છે.

દૂર સુદૂર સુધી દ્રશ્યમાન થતાં હિમધવલ ઉત્તુંગ હિમશિખરો, પર્વત ટોચેથી પ્રણિપાત કરતાં હસતાં કૂદતાં ઝરણાં, સંઘેડ ઉતાર ગગનગામી દેવદારના જંગલો, વિવિધ કદ, રંગ અને વિવિધ સ્વરમાધૂર્યનુ સૌંદર્ય પ્રસરાવતા વિહંગો.

આ સૌંદર્યનુ આકંઠ પાન કરવા માટે ખીલવવુ પડે દ્રષ્ટિનુ સૌંદર્ય, શ્રવણેન્દ્રિયનુ સૌંદર્ય.

યુગોથી અડિખમ ઉભેલાં નગશૃંગો શિવ રૂપ અને બાલકન્યાઓ સમ શોભતા ઝરણાંમા બાલ કન્યકા પાર્વતી નિહાળવા માટે કેળવવું પડે શ્રધ્ધા અને આધ્યાત્મિક સૌંદર્ય.

અરે! આ ખડતલ અને દેહ સૌંદર્યથી શોભતા પહાડીઓમાં પણ તમે શિવપાર્વતીના દર્શન કરી શકો પણ તે માટે જરૂરી છે આત્મિયતાનું, મળતાવડાપણાનુ સૌંદર્ય.

હિમાલયમાં આપણે મુખ્યત્વે ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ને જ જાણીએ છીએ કિંતુ અહીં નીચે મુજબ પરમપવિત્ર પાંચ કેદાર વસેલાં છે. જે પંચકેદારથી ઓળખાય છે.

૧) કેદારનાથ. જે સ્વયં પ્રસિદ્ધ અને બાર જ્યોતિર્લિંગ માંહે નું એક છે.

૨) તુંગનાથ. કેદારના માર્ગમાં ચોપ્તા પાસે બાર હજાર ફૂટની ઉંચાઈએ બિરાજમાન વિશ્ર્વનું સૌથી વધું ઉચાઈ પર આવેલ શિવલિંગ છે. એટલે જ તેનું નામ તુંગનાથ છે.

૩) મધ્યમહેશ્ર્વર. રાશી ગામેથી ૨૨ કિ.મી પગપાળા ઉત્તુંગ પર્વત માળામાં વસેલું છે.

૪) રૂદ્રનાથ. મંડલ પાસે આવેલાં સગર ગામેથી ૨૭ કિ.મી કઠિન પગપાળા પ્રવાસ કરીને પહોચાય છે. આ કેદાર સૌથી વધારે દુર્ગમ છે.

૫) કલ્પેશ્ર્વર. ઉર્ગમ ખીણમાં ઉર્ગમ ગામ પાસે કલ્પગંગા નથી કાંઠે વસેલું આ પાંચમું અને છેલ્લુ કેદાર છે. હેલંગ ગામેથી જીપ રસ્તે જવાતું આ સૌથી સુગમ કેદાર છે. આ એકમાત્ર કેદાર કે જે બારે માસ ખૂલ્લું રહે છે.

આમ કેદારનાથ સિવાય હિમાલયમાં અન્ય ચાર પરમ પવિત્ર કેદાર વસેલાં છે.

બુઢ્ઢાકેદાર હિમાલય સ્થિત ચારધામ પછીનું પાંચમા ધામ તરિકે વિખ્યાત છે. ચારધામ યાત્રા બુઢ્ઢા કેદારની યાત્રા કર્યા પછી જ પૂર્ણ થયેલી ગણાય છે.

સ્કંદપુરાણમાં કેદારખડમા બુઢ્ઢાકેદારનો ઉલ્લેખ જોવા મળે છે. જે કથા મુજબ મહાભારતનાં યુધ્ધ પછી પાંડવો પોતાનાં પિતરાઈઓ અને ગુરૂજનો પોતાના હાથેહ ણાયાતેનું દુઃખ તેનેસ તાવતું હતું.

અને આ પાપથી વ્યથિત હતાં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને શિવ ઉપાસના અને હિમાલયમાં આવેલાં તિર્થ ક્ષેત્રોની યાત્રા કરવાની સલાહ આપે છે. જેથી દ્રોપદી સહિત પાંચેય પાંડવો યાત્રાએ નીકળે છે અનેક તિર્થાટન છતાં શિવજીના દર્શન થતાં નથી ત્યારે કોઈ ઋષી (નામ ભૂલી ગયો છું) સલાહ આપે છે કે અહીંથી પૂર્વમાં પાંચ નદીઓનુ સંગમ સર્જાય છે. ( ધર્મગંગા, બાલગંગા, મેનકા ગંગા, શિવગંગા અને માતંગ ગંગા જેમાથી પ્રથમ બે નદીઓ હાલમાં પણ છે, બાકીની ત્રણ કોઈ ભૌગોલિક કારણોસર લુપ્ત થઈ હોઈ શકે.) આ ક્ષેત્રમાં એક વૃધ્ધ બ્રાહ્મણ યુગોથી તપ કરે છે. તે આપને માર્ગદર્શન આપશે.

હકીકતમાં આ વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે સ્વયં શિવ ધ્યાનસ્થ હતાં.

પાંડવો આ સ્થાનમા આવે છે. ભીમ શિવજીને ઓળખી જાય છે. શિવજીના દર્શન કરી પાંડવો વ્યથા મૂક્ત થાય છે. પછી ભગવાન ત્યાં પડેલી એક પથ્થરની શીલામા અંતર્ધ્યાન થાય છે. આ એ જ અઘાટ શીલા શિવલિંગ બને છે. જેમાં શિવપાર્વતી, ગણેશજી, હનુમાનજી, પાંડવો અને દ્રોપદી દ્રશ્યમાન થાય છે. ત્યારથી આ તિર્થક્ષેત્ર વૃધ્ધકેદાર અથવા બુઢ્ઢાકેદાર તરીકે ઓળખાય છે.

પાંડવો શિવદર્શન પામી અહીં થી બદ્રી અને કેદાર ક્ષેત્રમાં થઈ સ્વર્ગારોહિણી શૃંગ (પીક) પર પોતાના દેહ વિલય કરે છે.

મંદિરનું દ્વાર કાષ્ટ અને પત્થરમાં શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

શિવાલયમાં પૂજારી બ્રાહ્મણને બદલે પરંપરાથી હિમાલયન રાજપૂત હોય છે.

– ભાનુભાઈ અધ્વર્યુ. (અમર કથાઓ ગ્રુપ)