શિવપુરાણમાં જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો છે, જાણો તેની કઈ સંહિતામાં શું લખ્યું છે?
ભગવાન શિવનો મહિમા ઘણા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શિવપુરાણ તેમના જીવન પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડે છે. શિવપુરાણમાં તેમનું જીવન, લગ્ન, સંતાન, રહેણી-કરણી વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણમાં 6 ખંડ અને 24000 શ્લોક છે. તેના ખંડોના નામ નીચે આપેલ છે.
1. વિદ્યેશ્વર સંહિતા, 2. રુદ્ર સંહિતા, 3. કોટિરુદ્ર સંહિતા, 4. ઉમા સંહિતા, 5. કૈલાસ સંહિતા, 6. વાયુ સંહિતા
1. વિદ્યેશ્વર સંહિતા : શિવપુરાણની આ સંહિતામાં ભગવાન શિવ સાથે જોડાયેલ ઓમકાર, શિવલિંગની પૂજા અને દાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ભગવાન શિવના આંસુથી બનેલા રુદ્રાક્ષ અને તેની ભસ્મ વિશે પણ આ સંહિતામાં માહિતી આપવામાં આવી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એવા રૂદ્રાક્ષને ન પહેરવું જોઈએ જેમાં કીડા લાગ્યા હોય અથવા જે ખંડિત હોય. આવી જ બીજી ઘણી માહિતી પણ આ સંહિતામાં છે.
2. રુદ્ર સંહિતા : આ શિવપુરાણની એક મહત્વપૂર્ણ સંહિતા છે. આ સંહિતાના સૃષ્ટિ ખંડમાં ભગવાન શિવને આદિ શક્તિનું કારણ જણાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ અને બ્રહ્મા પણ શિવમાંથી ઉત્પન્ન થયા છે. આ સાથે ભોલેનાથના જીવન અને તેમના ચરિત્ર વિશે પણ આ સંહિતામાં માહિતી આપવામાં આવી છે. આ સંહિતામાં પાર્વતી વિવાહ, કાર્તિકેય અને ગણેશનો જન્મ, પૃથ્વીની પ્રદક્ષિણા સાથે જોડાયેલી કથા વગેરેનો પણ ઉલ્લેખ છે. ભગવાન શિવની પૂજા વિધિનું વર્ણન પણ આ સંહિતામાં જોવા મળે છે.
3. કોટિરુદ્ર સંહિતા : આ સંહિતામાં શિવના અવતારોનો ઉલ્લેખ છે. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન શિવે સમયાંતરે અવતાર લીધા છે. તેમના મુખ્ય અવતાર હનુમાનજી, ઋષભદેવ અને શ્વેત મુખ છે. આ સંહિતામાં ભગવાન શિવની આઠ મૂર્તિઓનો પણ ઉલ્લેખ છે. આ મૂર્તિઓમાં ભૂમિ, પવન, અવકાશ, જળ, અગ્નિ, સૂર્ય અને ચંદ્રને પ્રમુખ માનવામાં આવે છે. આ સંહિતા એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે તેમાં ભગવાન શિવની અર્ધનારીશ્વર રૂપ ધારણ કરવાની રસપ્રદ કથા છે.
4. ઉમા સંહિતા : આ સંહિતામાં માઁ પાર્વતીના ચરિત્રનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી ભગવાન શિવનું આંશિક સ્વરૂપ છે. આ સાથે આ સંહિતામાં દાન, તપસ્યાનું મહત્વ પણ વર્ણવવામાં આવ્યું છે. આ પુરાણમાં પાપોના પ્રકારો અને તેના લીધે મળતા નરકો વિશે પણ માહિતી આપવામાં આવી છે. પાપ કર્યા પછી તમે કેવી રીતે પ્રાયશ્ચિત કરી શકો તેનો ઉલ્લેખ પણ આ સંહિતામાં જોવા મળે છે.
5. કૈલાસ સંહિતા : ભગવાન શિવની પૂજા કરવાની સંપૂર્ણ રીત કૈલાસ સંહિતામાં જોવા મળે છે. આ સાથે તેમાં યોગ વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે બ્રહ્મ શબ્દ તરીકે ઓળખાતા ઓમકારના મહત્વની પણ આ સંહિતામાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ સંહિતામાં ગાયત્રી જપનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે.
6. વાયુ સંહિતા : વાયુ સંહિતા બે ભાગોમાં વહેંચાયેલી છે – પૂર્વ અને ઉત્તર. આ સંહિતામાં શિવ ધ્યાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, તેમજ યોગ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની પ્રાથમિકતાનો પણ આ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંહિતામાં ભગવાન મહાદેવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપોનો પણ ઉલ્લેખ છે.
શિવપુરાણમાં જણાવેલ મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો :
મહાદેવને સંસારના સંહારક પણ માનવામાં આવ્યા છે. ભગવાન શિવ સાથે જોડાયેલા શિવ મહાપુરાણમાં મૃત્યુ પહેલા મળતા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિના માથા પર કાગડો બેસે છે, તો તેનો અર્થ એ છે કે તે જલ્દી જ મૃત્યુ પામશે.
જે વ્યક્તિનો ડાબો હાથ એક અઠવાડિયા સુધી સતત ફ્ફ્ડતો રહે છે, તો તેનું મૃત્યુ પણ નજીક માનવામાં આવે છે. જો કે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની ભક્તિ કરવાથી, મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં આયુષ્ય ઓછું હોય તેને પંડિતો દ્વારા ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાની સલાહ આપવામાં આવે છે.
શિવપુરાણમાં જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો :
શિવપુરાણમાં આવા ઘણા ઉપદેશો આપવામાં આવ્યા છે, જો કોઈ તેનું પાલન કરે તો ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ અને ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યક્તિએ ઈચ્છાઓ અને જરૂરિયાતો વચ્ચેનો તફાવત સમજવો જોઈએ અને તે ઈચ્છાઓને છોડી દેવી જોઈએ જેનાથી ચારિત્ર્યને નુકસાન થાય છે.
શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ મોહ-માયામાં પડીને ક્યારેય પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શકતો નથી, તેથી વ્યક્તિએ મોહ-માયાના પ્રભાવમાં ન રહેવું જોઈએ. જ્યારે વ્યક્તિ મોહ અને માયાના બંધનોમાંથી મુક્ત થાય છે, ત્યારે તેને પરમ જ્ઞાન મળે છે.
પોતાના ચારિત્ર્ય પર નિયંત્રણ રાખવાની શીખ શિવપુરાણમાં આપવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે માણસે પોતાના મન, વાણી અને કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ.
શિવપુરાણમાંથી સત્ય બોલવાનું અને સત્યનું સમર્થન કરવાનું શીખવા મળે છે. શિવપુરાણ અનુસાર, જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે સૌથી મોટો ધર્મ કયો છે, તો ભગવાન શિવ કહે છે કે સૌથી મોટો ધર્મ સત્યનું સમર્થન કરવું છે. એટલે કે વ્યક્તિએ ક્યારેય અસત્યના રસ્તે ન ચાલવું જોઈએ. જે વ્યક્તિ જીવનભર સત્યના માર્ગ પર ચાલે છે, ભગવાન શિવ તેને અવશ્ય પ્રગતિ આપે છે.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.