સત્ય ઘટના ‘લેણદેણના સબંધ’, જમીનદારને બોલેલા કડવા વેણ એક દાદા માટે નવજીવનનું કામ કરી ગયા.

0
405

વાત છે નાના એવા હડિયાણા ગામની. શિયાળાની એક વહેલી સવારનો સમય વાતાવરણ પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો હતો. વહેલી સવારે કરવામાં આવતી ભગવાનની પૂજા-આરતી ને ધુપબત્તીને કારણે વાતાવરણમાં મંદ મંદ અગરબત્તીના ધૂપની સુવાસ પ્રસરતી હતી.જેના લીધે આખું વાતાવરણ જીવંત થતું આવતું હતું. સુરજદાદા રાત્રિની અંધારી ચાદરને ધીરે ધીરે પોતાના અજવાળા પાથરતાં પાથરતા દૂર કરતાં આવતા હતા.

આગળના જમાનામાં છાશ વલોણાથી વલોવીને બનાવવામાં આવતી જેનું સ્થાન હવે ઇલેક્ટ્રિક મોટરે લઈ લીધું હતું. જેના અવાજને કારણે વાતાવરણમાં થોડો શહેરી અવાજ ભળી જતો હતો. છતાં પણ સવારના શાંત વાતાવરણને કારણે ગામની આથમણી દિશામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાંથી આરતીનો ઘંટારવ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. જે મંદિર વર્ષો પહેલા મુસ્લિમ રાજાઓ દ્વારા કરવામાં આવેલ આક્રમણો સહન કરીને પણ અડીખમ ઊભું રહીને ભક્તોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી રહ્યું હતું.

આવી ગામડાની સોનેરી સવારમાં મહિલાઓ વહેલા ઊઠીને પૂજાપાઠ પૂરા કરી અને રોજના નિત્યકામમાં લાગી ગઈ હતી. એવામાં એક ફળીયાના દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો જે ખખડતાંની સાથે જ ફળીયું વાળતા વાળતા એ ઘરના મહિલાએ દરવાજો ખોલ્યો અને સામેથી એક દાદા જય શ્રીકૃષ્ણ કહેતા ફળિયામાં અંદર આવ્યા ને તુલસીના ક્યારા પાસે એક બિલીપત્ર મૂકી અને બીજું કંઈ પણ બોલ્યા વગર પાછા પોતાના રસ્તે ચાલતા થયા.

પણ આમાં કંઈ નવીન ન હતું. આ એ દાદાનો રોજનો નિત્યક્રમ હતો. હા દરરોજ એ ફળીયાનો દરવાજો સવારમાં ઉઠીને તરત ખોલી નાખવામાં આવતો પણ આજે મહિલાઓ ઘરકામમાં વધુ વ્યસ્તતાને કારણે દરવાજો ખોલવાનું ભૂલી ગયા હતા. એ ઘરના કોઈ સભ્યો એ કહ્યું દાદા આ રોજ તમે બીલીપત્ર આપવા આવો છો, એ હવે રહેવા દો, તમે હવે ઘરડા થયા છો ખોટા હેરાન ન થાવ. દાદાએ કહ્યું ના બેટા જ્યાં સુધી આપણા મોટાબા છે ત્યાં સુધી તો હું બિલિપત્ર આપવા આવીશ જ. આટલું કહી દાદા ચાલતા થયા. પરંતુ તેની આંખો આગળ ભૂતકાળમાં વિતેલ ક્ષણો ની ચાદર ઊતરી આવી.

આ દાદાનું મૂળ ગામ તો હડિયાણા ન હતું. પણ વર્ષો પહેલા તેમના દૂરના સબંધી સાથે અહીં આવેલા. પોતે જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેના માતા-પિતા આ સંબંધોથી જર્જરિત દુનિયાને છોડીને ચાલ્યા ગયેલા. ત્યાર પછી આ દુનિયામાં તેનું પોતાનું કહેવા માટે ઉપર આભ અને નીચે ધરતી શિવાય એમનું કોઈ ન હતું. દુષ્કાળને કારણે ખેતીલાયક જમીન હોવા છતાં પણ કંઈ પાક ન થતા, તેના સંબંધી જોડે તેઓ હડિયાણા આવેલા.

હડીયાણામાં વરસાદ પણ ઠીક હતા અને ખેતીકામમાં માણસોની જરૂર પણ રહેતી. એટલે આ દાદા હડીયાણામાં સ્થાઈ થઈ ગયા. સમય જતા સબંધી સાથે આવેલો આ પાંચ વર્ષનો નાનો ટેણીયો પોતાની રીતે ખેતરમાં કામ કરવા લાયક થઈ ગયો. ધીરે ધીરે એ છોકરો કોઈના ખેતરમાં કામ હોય ત્યાં સાથીપણું કરવા લાગ્યો.

ધીરે ધીરે આકરી મહેનત અને રાત-દિ જોયા વગર, ઇમાનદારીથી કામ કરતાં કરતાં એનો સમય બદલવા લાગ્યો. એ ખાલી હાથે-પગે આવેલ છોકરો પોતાનું ઘર ચલાવી શકે તેઓ સક્ષમ બની ગયો હતો. સમયની સાથે એ પરિપક્વ અને મજબૂત નવયુવાન બની ગયો. અને ગામના જ વતની અને હાલ બહાર રહેતા કુટુંબમાં એના લગ્ન થયા. આમ એના જીવનનું ગાડું ધીરે ધીરે ચાલી રહ્યું હતું. પરંતુ એના મનની અંદર એક ઇચ્છા અધૂરી હતી કે એને પોતાનું ઘર ન હતું. એ જેની વાડીમાં સાથીપણું કરે એ જ એનું ઘર હતું.

સમયની સાથે ઘરના સભ્યોમાં પણ વધારો થતો ગયો. જેમ જેમ એ દાદાના બાળકો મોટા થતા ગયા તેમ એ પણ પરિસ્થિતિને સમજી ને ઘરમાં પાંચ પૈસા કેમ લાવવા તેના વિશે વિચારતા થઈ ગયા. હવે આ દાદા બે દીકરા, બે દીકરીઓ અને બે માણસ પોતે એમ છ સભ્યોના પરિવારના મોભી બની ગયા હતા. ઘરનું ગાડું ચલાવવા ઘરના દરેક સભ્યો પોતપોતાની રીતે કામ કરી એકબીજાને મદદરૂપ થતા હતા.

આમ ધીરે ધીરે ગામની અંદર પોતાનું જીવનનિર્વાહ ચલાવ્યે કરતા. પરંતુ દાદાના મનની અંદર એક ગડમથલ સતત ચાલ્યા કરતી કે “હું આ ગામની અંદર ઘણા વર્ષોથી રહું છું, પણ મારું પોતાનું કહી શકાય તેવું ઘર મારી પાસે નથી. ” હવે તેના જીવનનું માત્ર એક જ સ્વપ્ન હતું કે “હું આ દુનિયા છોડીને જાવ એ પહેલા મારા દીકરાઓ માટે પોતાનું કહી સકાય તેવું ઘર આપતો જાવ.” આ સપનું પૂરું કરવા માટે દાદા રાત-દિવસ જોયા વગર તનતોડ મહેનત કરવા લાગ્યાં. તે કુવા ગાળવા, બળતણ કાપવા, બીજાના ખેતરમાં મજૂરી કામ કરવું વગેરે પોતાનાથી થતા દરેક કામ કરતાં હતા.

એવામાં ગામની ઉગમણી દિશામાં આવેલ ખેતરોને જમીનદારોએ રહેવા લાયક બનાવી, પ્લોટ પાડીને વહેંચવાનું શરુ કર્યું. આ વાત દાદાના કાને પડતાં તેઓના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. આ પ્લોટના ભાવ કેટલાક હશે? પ્લોટ લેવા માટે રોકડ રકમ કેટલી ચૂકવવાની હશે? એ પ્લોટ હપ્તેથી આપતા હશે? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે દાદા જમીનદાર પાસે ગયા. પ્લોટ હપ્તે હપ્તે પૈસા ભરીને જમીનદાર આપતા તો હતા પણ એ પ્લોટ ખરીદનાર પાસે પ્લોટના હપ્તા ભરપાઈ કરવાની આવકનો સ્રોત છે કે કેમ? તે સમયસર હપ્તા ભરી શકશે કે કેમ? તે જરૂર તપાસ કરતા હતા.

દાદાએ જ્યારે પ્લોટ લેવા માટેની ઈચ્છા જમીનદારને જણાવી ત્યારે જમીનદાર તરફથી એવું જણાવવામાં આવ્યું કે તમારી પાસે તો કોઈ જાતની નિશ્ચિત કહી શકાય એવી આવક નથી કે નથી કોઈ એવો આવકનો સ્ત્રોત કે જેના લીધે તમે નબળા વર્ષમાં પણ પ્લોટનો હપ્તો ચૂકવી શકો. તો પછી તમે સમયસર આ પ્લોટના હપ્તા ચૂકવશો કઈ રીતે? આ વાત સાંભળીને દાદાને સમજાઈ ગયું કે પોતાની નબળી પરિસ્થિતિના કારણે આ પ્લોટ એને નહીં મળી શકે. આમ દાદાએ વર્ષોથી જોયેલું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન એને ધૂળમાં રડાતું દેખાયું.

પણ આ જ સમયે અનાયાસે મોટાબા ત્યાંથી નીકળ્યા. તેઓએ જમીનદાર અને દાદા વચ્ચે થતી વાતચીત સાંભળી. ત્યારે એ મોટાબા જમીનદારને એટલું બોલ્યા કે ” આ ભાઈના ઘરમાં આપણા ગામની દીકરી છે, અને આ ભાઈ આપણા ગામના જમાઈ છે. તમે તમારી દીકરી અને જમાઈ પર જો આટલો ભરોસો ન રાખી શકો તો તમે માણસ કહેવાને લાયક નથી. જો આ જમાઈ તમારા હપ્તા સમયસર નહીં ભરી શકે, તો મારો દીકરો તમારા પ્લોટના હપ્તા ભરી આપશે. એવું હું તમને ભરોસો આપું છું.”

બસ મોટાબાએ બોલેલા આ શબ્દોનો જમીનદાર પર એટલો પ્રભાવ પડ્યો કે તે પ્લોટ આપવા માટે તૈયાર થઈ ગયા. માત્ર આંખની ઓળખથી કોઈ માટે બોલેલા મોટાબાના આ શબ્દોએ આ દાદાના રોળાતાં સ્વપ્નને નવજીવીત કર્યું હતું એ વાત મોટાબા જાણતા ન હતા.

દાદાની મહેનત રંગ લાવી અને નક્કી કરેલા સમય મર્યાદા પહેલા જ દાદાએ જમીનદારને પ્લોટના પૈસા ચૂકવી દીધા. અને એ પ્લોટ પોતાના નામ પર કરાવી અને સૌથી પહેલો પ્લોટ દાદાના નામ પર થયો. આ જોઈ જમીનદાર પણ વિચારતા થઈ ગયા કે બીજા પ્લોટ લેનારાઓ સુખી-સંપન્ન અને આર્થિક દ્રષ્ટિએ સધ્ધર હોવા છતાં હજુ પૈસા નથી ચૂકવી શક્યા. જ્યારે આ નાના માણસે સૌથી પહેલા પૈસા ચૂકવીને પ્લોટ પોતાના નામ પર કરી લીધો હતો.

જેમ આખો જન્મારો ભગવાનનું નામ ન લેવા છતાં જ્યારે મરવા પડે ત્યારે એક વખત સાચા ભાવથી ભગવાનનું નામ મુખમાં બોલાવાથી ભવ તરી જવાય છે. એમ દાદાના સ્વપ્નને સાકાર કરવા માટે મોટાબા એ જમીનદારને બોલેલા કડવા વેણ એ દાદા માટે તો નવજીવનનું કામ કરી ગયા હતા.

બસ આ જ કારણે આ દાદા દરરોજ એક પણ દિવસ ચૂક્યા વગર વહેલી સવારે ગામની આથમણી દિશામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરેથી દર્શન કરીને એક બીલીપત્ર આ મોટાબા અને તેના પરિવાર માટે જરૂર પહોંચાડતા હતા. જેમ માં મંદિરે પહોંચી શકવાની પરિસ્થિતિમાં ન હોય અને દીકરો મંદિરેથી ભગવાનને માના ઘરે દર્શન આપવા લઈ જાય. તેમ આ દાદા પણ મોટાબાને તેની મા સમજીને દરરોજ બિલિપત્ર મોટાબા ના ઘરે પહોંચાડતા હતા.

આ સત્યઘટના ના પાત્રો હાલ હયાત છે.

આ છે લેણદેણના સબંધ.

અરવિંદભાઈ મકવાણા, પ્રિન્સીપલ હડિયાણા કન્યાશાળા.

સત્ય ઘટના.