ગામડાંની ગોળમટોળ પુરીએ બાળકો માટે કર્યું એવું કે આખા ગામને થયું ગર્વ.

0
655

ઉપસેલ પુરી

આમ તો એનું નામ પુરી હતું.. પણ ગોળમટોળ શરીર.. એટલે પાછળથી તો એને બધા ઉપસેલ પુરી જ કહેતાં..

પાછા રમુજી પણ એવા.. કે કોઈ નામ પુછે.. તો કહે.. “ફઈએ પાડ્યું પુરી.. ને ગામે કર્યું ઉપસેલ પુરી..“

એને મોટાં કરતાં છોકરાઓ સાથે જાજો પનારો.. ડેલીએ ખાટલો ઢાળી બેઠાં હોય.. છોકરાઓને બોલાવી-બોલાવીને ખાવાનું આપે.. ક્યારેક મુઠી માંડવી.. તો ક્યારેક સાકરનો ગાંગડો.. કે ચપટીક ચણીયા બોર..

કુટુંબી વહુ રંજન સાથે એને સારું બને.. તે નવરી થાય ત્યારે પુરીમા પાસે બેઠી હોય.. ને નાનું મોટું કામ પણ કરી આપે..

એક દિવસ પુરીમાએ ગામના છોકરાં જમાડવાની વાત કરી..

રંજને કહ્યું.. “છોકરાં તો એક જ ટાણું જમશે.. તેને બદલે આ ફળીયામાં બે હીંચકા ને એક લપસણી નંખાવો ને.. આપણે બાલમંદિર કરીએ.. આમેય અડધા ગામના છોકરાં તો તમારા હેવાયાં છે.. ને મારું ભણતર પણ લેખે લાગશે.. હું રોજ દોઢ-બે કલાક છોકરાંવને રમાડીશ..”

પુરીમાને વાત સાચી લાગી..

બાલમંદિર બની ગયું.. રંજન ઉપરાંત ભણેલી બે-ત્રણ વહુ-દિકરીઓએ કામ ઉપાડી લીધું. છોકરાં હોંશે હોંશે આવવા લાગ્યા..

પછી તો ઉમંગની હેલી ચડી.. બે-ત્રણ જણીઓ વારા ફરતી આવીને વાળી જાય.. પાણી છાંટી જાય..

ને વળી કોક તપેલું ભરીને સેવ-મમરા લઈ આવે.. કોક વઘારેલા ચણા.. કોક માંડવી પાક..

નહીં કોઈનો પગાર.. નહીં નામ નોંધણી .. નહીં ફંડ ફાળા કે ફી..

એક દિવસ શાળાના આચાર્ય નટુભાઈ આવ્યા..

“પુરીમા.. તમારા બાલમંદિરની વાત તાલુકે પહોંચી છે.. ટીડીઓ સાહેબે મને રીપોર્ટ મોકલવાનું કહ્યું છે..”

રંજને વિગત લખાવી. નટુભાઈએ અહેવાલ નોંધ ટપકાવી લીધી.. ફોટા પાડ્યા..

“તો.. આ બાલમંદિરનું નામ શું રાખ્યું છે..?”

રંજને કહ્યું “નામ તો કંઈ નથી.. પણ પુરીમાનું બાલમંદિર એમ લખો તો ચાલે..”

પુરીમાએ કહ્યું “રંજન.. બધા કહેતા હોય.. એ જ લખાવ.. શું કહે છે એની મને ખબર છે.. હો..”

રંજને હસતાં હસતાં કહ્યું.. ”તો લખો.. ઉપસેલ પુરીનું બાલમંદિર..”

નટુભાઈએ મોકલેલ અહેવાલ પરથી, થોડા દિવસ પછી છાપામાં સમાચાર છપાયા.. એક ફોટો હતો.. જેમાં એક બાજુ ગોળમટોળ પુરીમા.. ને બીજી બાજુ એક મોટી ઉપસેલ પુરી.. વચ્ચે લખેલ હતું.. ઉપસેલ પુરીનું બાલમંદિર..

છાપું વાંચનાર પહેલાં હસે.. પણ વિગત વાંચીને બોલી પડે.. વાહ પુરીમા.. ધન્ય છે…

– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)