શિવના એક એવા અવતારની કથા સંભાળીએ, જેના સ્મરણ માત્રથી શનિપીડાનો થાય છે નાશ.

0
1819

પિપ્પલાદ સ્વરૂપે અવતાર :

વૃત્રાસુરને મારવા માટે ઈંદ્રાદિ દેવતાઓએ વજ્ર બનાવવાની ઈચ્છા કરી અને બ્રહ્માજીની આજ્ઞાથી દધીચિ ઋષિ જોડે તેમની અસ્થિઓ માંગી. ઋષિએ પોતાની પત્ની સુવાર્ચાને ઘરમાં કાર્યવશ મોકલી દીધા. સ્વયં શરીરત્યાગ કરી દેવોને અસ્થિદાન આપી દીધું. દેવતા અસ્થિ પ્રાપ્ત કરી પ્રસન્ન મનથી ત્યાંથી પાછા ફર્યા અને તેનાથી સુંદર, મજબૂત અસ્ત્ર બનાવીને ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો.

આ બાજુ પત્ની સુવાર્ચા ઘરથી પાછી ફરી બહાર આવી તો ત્યાં ઋષિ અને દેવતાઓમાં કોઈ દેખાયું નહિ. ત્યારે દેવતાઓની ચાલ સમજીને તેમને શાપ આપવા લાગી. તેણે કહ્યું : “તમે બધા પશુ બનો.” આમ કહીને સ્વયં પણ અગ્નિમાં સતી થવા લાગ્યાં ત્યારે આકાશવાણીએ આજ્ઞા આપી કે, “તમે પોતાના શરીરમાં સ્થિત મુનિના તેજની રક્ષા કરો. સગર્ભા સ્ત્રી પોતાના શરીરને ન બાળે. આ દેવોની આજ્ઞા છે.”

આ સાંભળીને તેમણે રામ પથ્થરના દ્વારા પોતાના ગર્ભને વિદીર્ણ કર્યો. તેનાથી મહાન તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો. સુવાર્ચાએ એને શિવનું સ્વરૂપ માનીને તેની વંદના કરી અને પછી તેને એક પીપળાના વૃક્ષની જડમાં બેસાડીને વરદાન આપ્યું : “તું ચિરકાળ સુધી અહીંયા જ નિવાસ કરીને બધાને સુખ પહોંચાડ.” આમ કહીને સ્વયં સમાધિ લગાવીને પતિની પાસે પરલોકમાં ચાલી ગઈ.

શિવ અવતાર જાણીને વિષ્ણુ આદિ બધા દેવતા ત્યાં આવ્યા અને એમનો મોટો ઉત્સવ મનાવ્યો. બ્રહ્માજીએ એનું નામ પિપ્પલાદ રાખ્યું. ત્યારે મહાપ્રભુ પિપ્પલાદ લોકકલ્યાણ માટે ઘણા કાળ સુધી એ પીપળાની જડમાં તપ કરતા રહ્યા.

આ રીતે પિપ્પલાદે સંસારમાં ધર્મની સ્થાપના કરીને નિવાસ કર્યો. પછી એમણે સંસારમાં લીલા કરતા રાજા અરણ્યકની પુત્રી પદ્મા સાથે વિવાહ કર્યો અને પોતાના વૃદ્ધ શરીરને યુવાન બનાવ્યું. એમણે પદ્માથી દસ પુત્ર ઉત્પન્ન કર્યા. એમણે વધુ લીલાઓ કરી સંસારમાં કોઈનાથી નિવારણ ન થનારી શનિશ્વરની પીડાને એમણે દૂર કરી.

એમણે કહ્યું : “જન્મથી સોળ વર્ષ સુધી કોઈપણ શનિની પીડાથી દુઃખી રહશે નહિ અને શિવભક્તોને આ બાધક જ થશે નહિ. જો આના વિરુદ્ધ શનિ ક્યાંક પીડા પહોંચાડે તો તે ભસ્મ થઇ જશે.” ગાધિ, કૌશિક તથા પિપ્પલાદ આ ત્રણે મહામુનિ સ્મરણમાત્રથી જ શનિપીડાનો નાશ કરનાર છે. બોલો ૐ નમઃ શિવાય… હર હર મહાદેવ હર…