આખા ગામ માટે માઁ સમાન મહિલાની આ લઘુકથા વાંચીને આંખો ભીની થઈ જશે.

0
623

ગામની માઁ :

નાનકડા ગામમાં સીતેર પુરા કરી ચુકેલા રુડીમા અને જીવનબાપા સૌથી મોટા હતા.

બધાએ હવે એનું નામ બોલવાનું બંધ કર્યું હતું.. ખાલી.. ‘મા’ અને ‘બાપા’ તરીકે જ ઓળખતા , બોલાવતા..

દશ વીઘા જમીન ભાગીયે આપી દીધી હતી.. ગુજારો થાય, એટલું ભાગમાં આવે.. છોકરા છાબરા.. નજીકના સગા વહાલા, આડું ઉભું કોઈ હતું નહીં.

બાપાને ઓછું બોલવાની ટેવ.. આખો દિવસ ચોરે કે પાદરને ઓટે બેઠા રહે.. ખાવા ટાણે .. સુવા ટાણે.. ઘરે આવે..

પણ મા બહુ બોલકણા.. ઘરમાં જરાક જેટલું જ કામ હોય.. એ પતી જાય એટલે ખાટલો નાખીને શેરીમાં બેઠા હોય.. આવતા જતા બધા સાથે હા હોકારો કર્યા કરે..

જુવાનડા પણ ક્યારેક માની સાથે મજાક મસ્તી કરી લે.. એકવાર પાડોશનો ગોવીંદ ગાડું લઈને આવ્યો.. શેરીમાં જગ્યા હતી તોય ગાડું ખાટલા તરફ લીધું..

” ડોશી.. મ રોને.. ખાટલો ઉપડે તો ગાડાને નડે નહીં..”

” મારા રોયા.. તારી માને પુછજે.. એને કારેલા બહુ ભાવે છે.. તને રોગા કારેલા ખાઈને જણ્યો છે.. એટલે કડવા વેણ જ નિકળે ને?”

પછી બેય હસ્યા..

કોઈ મજુરની ઘરે સુવાવડ આવી હોય તો છોકરાંને બોલાવવા જાય ત્યારે મા ઘીની નાની ડબરી ભરીને જાય.. ” લે વહુ, હલામો શીરો કરીને ખાજે..”

અઘિક માસમાં ગોર પુજવામાં મા ‘કાનુડો’ થાય.. એકવાર કાનુડો થઈને એ વાડામાં સંતાયા.. બીજી બાઈઓ ગોપી થઈને એને ગોતવા ગઈ.. પણ વાડામાંથી માને વિંછી કરડ્યો.. મા થયા ચીસાચીસ.. ગોપીઓએ હસતાં હસતાં કાનુડાના કપડા બદલાવ્યા.. અને વિંછી ઉતારવા લઈ ગઈ.. સાંજ પડતાં પડતાં તો.. ” કાનુડાને વિંછી કરડ્યો..” એ આખા ગામમાં હસવાનો વિષય બની ગયો..

બાપા ગુ જરી ગયા.. મા એકલા થઈ ગયા.. કોઈ ધરપત આપતી વાત કહે તો મા કહે.. ” લેણાદેવી હોય.. એટલું જીવાય.. કોઈ ભેગું તો મ રતું નથી.. ઉપરવાળો છે.. ને ગામ છે.. મારું જે થવાનું હશે , તે થશે..”

ગામમાં બાલમંદિર અને શાળા માટે ફાળો ઉઘરાવવાનું ચાલુ થયું.. મા સામે ચાલીને પંચાયતે ગયા..

” લ્યો.. આ પાંચેક તોલા ઘરેણા છે.. મારે હવે શું કરવા છે? ને અમારા ખેતી ખોરડાં છે.. તે હું મ રુંપછી ગામના.. જે કાગળિયા કરવાના હોય તે કરાવી લેજો..”

ગામના જુવાનડાઓએ નક્કી કર્યું.. ” માને કોઈ નથી તો શું થયું.. ખેતી હવે ભાગીયે દેવી નથી.. આપણે વારાફરતી કામ કરી દઈશું.. ને ઉપજ માને સોંપી દઈશું..”

પાંચ સાત વહુઓ માને ઘરે ગઈ.. નદીના જલથી ચુલો ઠાર્યો..

” મા, હવેથી તમારે રાંધવાનું બંધ.. તમારા ખાવાપીવાની ગોઠવણ અમે કરી લીધી છે.. તમે બસ.. અમારા છોકરાંવને રમાડજો..”

સમય વિતતો ગયો.. મા બિમાર પડ્યા..ને એક દિવસ.. એ.. ” ગામની મા”.. મ રીગઈ..

તે દિવસે આખા ગામમાં કોઈ ઘરમાં ચુલો પેટાવાયો નહીં..

– જયંતીલાલ ચૌહાણ ૨૬ -૧૦ -૨૧