‘સિંહ અને બીરબલ’ અકબર બીરબલની આ બાળવાર્તા પોતાના બાળકોને જરૂર સંભળાવો.

0
5514

એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે.’

બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યકિતએ દરબારમાં પગ મૂકયો. તેની પાસે એક મોટું પીંજરું હતું અને પીંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી.

કલાકારે કહ્યું, ‘જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે. નવ રત્નો છે. પણ હું એ બધાને પડકારું છું કે પીંજરું ખોલ્યા વગર અને સિંહને અડયા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ, સાહસિક માણસ તમારા દરબારમાં છે?

જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોનામહોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને પાંચસો સોનામહોર આપવી પડશે.’

કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા, ‘આવું તો કેમ બને?’

એક-એક કરીને દરબારીઓ પીંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંપડી. બાદશાહને પણ થયું કે તેમની આબરુ આજે કોઈ નહીં બચાવી શકે.

છેવટે બીરબલે તે કલાકારને કહ્યું, ‘હું આ કામ કરી બતાવીશ.’ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકાં લાકડાં લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પીંજરાની આજુબાજુ ગોઠવી દીધા.

ત્યાર પછી બીરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડયા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્દશ્ય થવા માંડયો. થોડી જ વારમાં પીંજરું ખાલી થઈ ગયું. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો.

બાદશાહે પૂછ્યું, ‘બીરબલ, તેં આ કેવી રીતે કર્યું?’

તો બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, સિંહનુ બરાબર નિરીક્ષણ કરતા જણાયુ કે સિંહ મીણનો બનાવેલો છે. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી. જેના કારણે મીણ ઓગળવા માંડયું. આમ, હાથ લગાડયા વગર જ સિંહનો નાશ થયો.’

કલાકારે બીરબલને કહ્યું, ‘હું ઘણા રાજયોમાં સિંહ લઈને ફર્યો હતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ પાંચસો સોનામહોરો.’
બીરબલે કલાકારની કલાની કદર કરી અને સોનમહોરની થેલી તેને પાછી સોંપી. બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી.

– સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)