સિંહ કેવી રીતે બન્યો માં દુર્ગાનું વાહન? વાંચો પૌરાણિક કથા.

0
515

માં દુર્ગાને ખાવા આવેલો સિંહ કેવી રીતે બની ગયો તેમનું જ વાહન, વાંચો રસપ્રદ કથા.

સિંહની માં દુર્ગાનું વાહન બનવાની સ્ટોરી ત્યારથી શરૂ થાય છે, જયારે દેવી પાર્વતી કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિના સ્વરૂપમાં મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. વર્ષો સુધી તપ કર્યા પછી માતા પાર્વતીને ભોલે ભંડારી પોતાની પત્નીના સ્વરૂપમાં અપનાવી લે છે. આ દરમિયાન તપસ્યાને કારણે માં પાર્વતીનો રંગ કાળો પડી ગયો હતો. એક દિવસ વાતચીત દરમિયાન શિવજી માતા પાર્વતીને કાળી કહી દે છે. આ વાત તેમને ગમતી નથી, અને તે નારાજ થઈને ફરીથી તપ કરવા માટે જતા રહે છે.

એક દિવસ પછી એક સિંહ ફરતા-ફરતા કઠોર તપસ્યા કરી રહેલી માં પાર્વતી પાસે આવી પહોંચે છે. તે પોતાના માટે ખોરાકની શોધમાં ફરી રહ્યો હતો. માતાને તપમાં લીન જોઈને સિંહ પણ ત્યાં રાહ જોવા લાગ્યો. દેવીની રાહ જોતા જોતા વર્ષો વીતી ગયા. સિંહ માં પાર્વતીના તેજને કારણે તેમની પાસે પહોંચી શકતો ન હતો. તે પ્રયત્ન કરતો અને નિષ્ફ્ળતા મળવા પર ફરીથી પાછો ખૂણામાં જઈને બેસી જતો.

આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. માતા પાર્વતીના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રકટ થયા અને તેમને મનગમતું વરદાન માંગવા કહ્યું. દેવી પાર્વતી પોતાનો ગોરો રંગ પાછો ઇચ્છતા હતા. ભગવાને તેમને વરદાન આપ્યું અને ત્યાંથી જતા રહ્યાં. વરદાન મળતા જ માં પાર્વતી સ્નાન કરવા માટે જતા રહ્યા.

સ્નાન કરતા સમયે તેમના શરીરમાંથી વધુ એક દેવીનો જન્મ થયો, જેમનું નામ કૌશિકી પડ્યું. તેમના શરીરમાંથી કાળો રંગ પણ નીકળી ગયો હતો અને માં નો રંગ પહેલાની જેમ જ સાફ થઈ ગયો. આ રીતે માતા પાર્વતીનું નામ માં ગૌરી પણ પડ્યું. સ્નાન કર્યાના થોડા સમય પછી માં ની નજર સિંહ પર પડી. સિંહને જોતા જ તેમણે ભગવાન શિવને યાદ કર્યા અને સિંહ માટે પણ વરદાન માંગ્યું.

માતા પાર્વતીએ ભગવાનને કહ્યું, હે નાથ! આ સિંહ વર્ષોથી મને ભોજનના રૂપમાં ગ્રહણ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. મારા તપ કરવા દરમિયાન આ અહીં હતો. જેટલું તપ મેં કર્યું છે, એટલી જ તપસ્યા આ સિંહે પણ કરી છે. આ કારણે હવે વરદાન સ્વરૂપ આ સિંહને મારી સવારી બનાવી દો. ભગવાને પ્રસન્ન થઈને માતાની વાત માની લીધી અને સિંહ તેમની સવારી બની ગયો. આશીર્વાદ મળ્યા પછી માતા સિંહ પર સવાર થઇ ગયા અને ત્યારથી તેમનું નામ માં શેરાવાલી અને દુર્ગા પડી ગયું.

આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.