ભાગવત રહસ્ય 492: ભાગવત સાંભળવાથી મળે છે આ પાંચ ફળ, જાણો તે કઈ રીતે જીવનો ઉદ્ધાર કરે છે?

0
515

પરીક્ષિત રાજાને ભાગવતના અલગ અલગ સ્કંધમાં થયા શ્રી હરિના અલગ અલગ અંગોના દર્શન, જાણો ભાગવતનો અંતિમ ઉપદેશ.

ભાગવત રહસ્ય – ૪૯૨

શુકદેવજી છેવટે રાજાને અંતિમ ઉપદેશ આપતાં કહે છે કે – હે, રાજન જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે. આત્માના નથી. આત્મા અજર અમર છે. ઘડો ફૂટી જતાં તેના અંદર રહેલું ઘટાકાશ, બહારના વ્યાપક મહાકાશ સાથે મળી જાય છે. તેમ મરણ પામતાં જીવ બ્રહ્મરૂપ થાય છે. રાજા આજે છેલ્લો દિવસ છે, તક્ષક નાગને આવવાનો સમય થયો છે. તારા શરીરને તક્ષક કરડશે, તે તારા શરીરને બાળી શકશે પણ તારા આત્માને બાળી શકશે નહિ. તું શરીરથી જુદો છે.

હવે અંતે તને મહાવાક્યનો ઉપદેશ આપું છું. અહં બ્રહ્મ પરંધામ બ્રહમાંડ પરમં પદમ. (હું જ પરમાત્મા રૂપ બ્રહ્મ છું, અને પરમપદ રૂપ જે બ્રહ્મ છે તે પણ હું જ છું, એમ વિચારીને તારા આત્માને બ્રહ્મ (પરમાત્મા) માં સ્થાપી દે.) કાળ તક્ષક એ શ્રીકૃષ્ણનો જ અંશ છે. શરીર નાશવંત છે આત્મા અમર છે. હવે કાંઇ આગળ સાંભળવાની તારી ઈચ્છા છે? સમય તો થયો છે, છતાં તારી ઈચ્છા હોય તો બોલ, કારણકે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તક્ષક અત્રે આવી શકવાનો નથી.

પરીક્ષિત કહે છે કે – હે ગુરુજી, તમે મને વ્યાપક બ્રહ્મના દર્શન કરાવ્યા છે. મારા શરીરમાં જે પરમાત્મા છે, તે જ તક્ષકમાં પણ છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, પણ મારો ભેદ ટળ્યો અને ભય મર્યો છે. હું નિર્ભય છું.

ભાગવત શ્રવણનાં પાંચ ફળ છે. (૧) નિર્ભયતા (૨) નિસંદેહતા (૩) હૃદયમાં પ્રભુનો પ્રવેશ (૪) સર્વમાં ભગવદ દર્શન અને (૫) પરમ પ્રેમ. આ પાંચે ફળો મને પ્રાપ્ત થયા છે.

ભાગવતનો પ્રથમ સ્કંધ સાંભળી મને પરમાત્માના જમણા ચરણનાં દર્શન થયાં. બીજો સ્કંધ સાંભળી વામ (ડાબા) ચરણના દર્શન થયાં. ત્રીજો અને ચોથો સ્કંધ સાંભળી પરમાત્માના બંને હસ્ત-કમળનાં દર્શન થયા. પાંચમો અને છટ્ઠો સ્કંધ સાંભળી બે સાથળોના દર્શન થયા. સાતમો સ્કંધ સાંભળી કટિભાગના દર્શન થયા. આઠમો-નવમો સ્કંધ સાંભળી પ્રભુના વિશાળ વક્ષસ્થળના દર્શન થયાં. દશમો સ્કંધ સાંભળી પ્રભુ ના મુખારવિંદના અને બે નયનોનાં દર્શન થયાં. એકાદશ સ્કંધ સાંભળી મને લાગે છે કે ઠાકોરજી બે હાથ ઉંચા કરીને મને બોલાવે છે.

હવે હું મારા પ્રભુનું ધ્યાન ધરું છું, હું તેમના આશ્રયે છું, મારા પ્રભુ મને સર્વત્ર દેખાય છે. હવે હું ભગવાન પાસે જવાનો છું, હું કૃતાર્થ થયો, જુઓ તે મને બોલાવી રહ્યા છે.

ગુરુજી, આપે મને પ્રેમ રસ પીવડાવ્યો છે, મને પવિત્ર બનાવ્યો છે. મહારાજ આપે કથા નથી કરી, પણ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં દર્શન કરાવ્યાં છે. આખું જગત બ્રહ્મમય છે તેવાં દર્શન આપે કરાવ્યાં છે. તક્ષક જગતથી ક્યાં જુદો છે? તક્ષક પણ બ્રહ્મરૂપ છે. આપનાં ચરણમાં હું વારંવાર વંદન કરું છું, આપે મારા પર મહાન કૃપા કરી છે.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ

(શિવોમ પરથી.)