નાના ભાઈનો પહેલો જન્મદિવસ ધામધુમથી ઉજવાયા પછી બાળકીએ પોતાના જન્મદિવસ વિષે પૂછ્યું, પછી જે થયું તે

0
1724

“ફરક હજુ બાકી છે”

8 વર્ષની નિમ્મી તેના 2 દિવસના કોમળ એવા ભાઈને હોસ્પિટલમાં જોઈને આનંદથી ઉછળી રહી હતી. તેની માતા નમિતા અને ભાઈને રજા આપવામાં હજી થોડો સમય લાગે એમ હતું.

આ દરમિયાન નિમ્મી ક્યારેક તેના ભાઈના કોમળ હાથને સ્પર્શ કરતી, તો ક્યારેક તેનો ચહેરો જોતી.

તે પોતાની ખુશીનો અતિરેક તેની માતાથી છુપાવે છે અને પૂછે છે “મમ્મી, શું હું પણ આટલી જ નાની અને મુલાયમ હતી?”

“હા દીકરી.” એટલું કહીને માં પોતાના પુત્રને પ્રેમ કરવા લાગે છે.

“મમ્મી, હવે રક્ષાબંધન પર હું મારા ભાઈને જ રાખડી બાંધીશ.” આટલું કહીને તે તેના ભાઈને ગાલ પર ચુંબન કરવા જાય છે અને જુએ છે કે તેની આંખો બંધ છે.

નિમ્મી : “મમ્મી ભાઈએ મને જોઈને આંખો બંધ કરી દીધી છે, જેથી રક્ષાબંધન પર તેણે મને કંઈ આપવું ન પડે.”

આ સાંભળીને બધા તેના ભોળપણ પર હસવા લાગ્યા.

ટૂંક સમયમાં જ ખુશીના દિવસો આગળ વધવા લાગ્યા, નિમ્મીએ તેના ભાઈનું નામ રતન રાખ્યું.

1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું, તેનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, બધા મહેમાનો રતનને ખૂબ પ્રેમ કરી રહ્યા હતા અને સુંદર ભેટો આપી રહ્યા હતા.

હવે નવ વર્ષની નિમ્મી સમજદાર બની ગઈ હતી. રાત્રે તે તેની માતાને કહેવા લાગી – “મમ્મી, મારો જન્મ ક્યારે થયો હતો?”

માતા : “દીકરી, તું તારા ભાઈ કરતા 8 વર્ષ મોટી છો.”

નિમ્મી તેના જન્મદિવસની લાલચને રોકી શકી નહીં.

તે ફરીથી પૂછે છે, “જેમ કે ભાઈનો જન્મ 15 મી માર્ચે થયો છે એવી રીતે મારો જન્મ ક્યારે થયો હતો?”

માતા : “તારો જન્મ 9 વર્ષ પહેલા શીતળા અષ્ટમીના દિવસે થયો હતો.”

નિમ્મી : “મમ્મી મને જન્મદિવસની તારીખ જણાવ.”

માતા કાંઈ બોલતી નથી.

નિમ્મી : આ શું મમ્મીને તારીખ જ નથી આવડતી?

મોટેથી બૂમ પડતા માતાએ કહ્યું : “તારી મર્યાદામાં રહે, કેલેન્ડર જોઈને જણાવી દઈશ.”

હવે નિમ્મીને તેના ઘરમાં તેની સ્થિતિ ખબર પડી ગઈ, તેની આંસુઓથી ભરેલી આંખો ઘણું બધું કહી રહી હતી.

લેખક – સુમનબેન.