લોભના ચક્કરમાં આપણે હાથમાં આવેલી વસ્તુ જતી કરી દઈએ છીએ, વાંચો કુંભાર અને ઝવેરીનો પ્રસંગ.

0
486

એક કુંભારને રસ્તામાં ચમકતો પથ્થર દેખાયો. તેજના ઝગારા મારતો એ પથ્થર એટલો આકર્ષક હતો કે એણે તે ઉચકી લીધો. પહેલા વિચાર્યું કે છોકરાઓને રમવા આપીશ. પછી થયું તે સરસ ચમકતો પથ્થર છે છોકરાઓ ક્યાંક ખોઈ નાખશે. આથી તેણે પથ્થરને દોરીમાં પરોવી એને પોતાના ગધેડાની ડોકે બાંધી દીધો.

એ ગધેડાને લઈને જતો હતો ત્યાં સામેથી એક ઝવેરી મળ્યો. ગધેડાની ડોકે હીરો જોઈ એ આશ્ચર્યમાં પડી ગયો. કરોડ રૂપિયા આપતાં ય ન મળે એવું એ રત્ન હતું. પણ તેને ગધેડાની ડોકે બાંધનાર પેલા કુંભારને તેની કિંમત નો ખ્યાલ ન હતો.

ઝવેરીએ જઈને પૂછ્યું : ‘તારે આ પથ્થર વેચવાનો છે?’

કુંભાર એ હા પાડી અને આઠ આનામાં પથ્થર આપી દેવાની તૈયારી દેખાડી.

ઝવેરી ને લોભ જાગ્યો તેણે કહ્યું : ‘આ પથ્થરના આઠ આના કોણ આપે? ચાર આનામાં આપવો હોય તો આપ.’

કુંભારે ના પાડી. ઝવેરીને થયું હું ચાલતો થઈશ તો પોતે જ મને પાછો બોલાવશે. ચાર નહી તો છ આનામાં પણ હીરો આપી દેશે. એ થોડું ચાલ્યો. થોડી વાર થઈ છતાંય કુંભારે બૂમ ન પાડી એટલે પાછો ફર્યો. જોયું તો ગધેડાની ડોકમાંથી હીરો ગુમ થઈ ગયો હતો. કુંભારે કહ્યું કે કોઈ બીજો ઝવેરી આઠ આનાને બદલે રૂપિયો આપીને તે લઈ ગયો‌.

ઝવેરી આકુળ વ્યાકુળ થઈ ગયો અને કહ્યું : ‘તું મૂર્ખ છે, કરોડ રૂપિયાની ચીજ તેં એક રૂપિયામાં વેચી દીધી.’

કુંભારે કહ્યું : ‘ હું તો કુંભાર છું, મને કિંમતની ખબર નથી એટલે હું તો ફાયદામાં જ રહ્યો મને તો આઠ આનાને ને બદલે રૂપિયો મળ્યો. પરંતુ તમે ઝવેરી થઈ ચારાના ખાતર કરોડો રૂપિયા જતા કર્યા તેનું મને આશ્ચર્ય થાય છે.’

આ પ્રસંગકથા હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. બીજા કંઈ પ્રાપ્ત ન કરી શકે એટલા માટે આપણે કેટલું બધું ગુમાવી દઈએ છીએ એનો ભાગ્યે જ આપણે ખ્યાલ હોય છે.

– સાભાર નકુમ ચંદુ (અમર કથાઓ ગ્રુપ)