સુરદાસજીની મદદ માટે શ્રીકૃષ્ણ પોતે આવ્યા હતા, વાંચો તેમના જીવનનો કિસ્સો.

0
349

નિર્બળ જાન કે મોહિ

હાથ છુડા કે જાત હો

નિર્બળ જાન કે મોહિ

જાઓગે જબ હ્યદય સે

સબળ કહુંગો તોહિ

– સુરદાસજી

ઉપરના પદમાં સુરદાસજી ભગવાનને પ્રેમનો પડકાર કરે છે, તે આલેખેલ છે.

સંત સુરદાસજી રોજ રાતે ભજન સાંભળવા અને કીર્તન કરવા ભક્તોને ત્યાં જાતા. તેમનો અવાજ સુરીલો હતો પણ આંખે અંધ હતાં. પ્રસંગ પ્રમાણે એક વખત સુરદાસજી ઘેર જતાં રસ્તામાં એક મોટા ખાડામાં પડ્યાં. રાત હોવાથી કોઈ મદદે આવે એમ ન હતું. મુશળધાર વરસાદ પડતો હતો પણ સુરદાસજી તો ભગવાન સ્મરણમાં મસ્ત હતાં.

ભગવાને એમની ચિંતા થઇ આથી બાલકૃષ્ણ ત્યાં પધાર્યા અને તેમનો હાથ પકડી ખાડામાંથી બહાર કાઢ્યા. સુરદાસજી વિચારમાં પડ્યા આમ મધરાતે આવા વરસાદમાં કોણ મદદે આવ્યું. આથી સુરદાસજી પૂછે છે કે :

”તું કૌન હૈ?”

બાલકૃષ્ણ કહે છે- ”બાબા, હું નંદબાવાના ગામનો એક ગોવાળ છું. હું ગાયો લઇ આ બાજુથી પસાર થતો હતો. તમે ખાડામાં કિર્તન કરતા હતા. તમને બહાર કાઢવા હું આ બાજુ આવ્યો.”

સુરદાસજી વિચારે છે કે કયા ગોવાળનો દીકરો હશે? કોને મારી પડી હશે? આ મધરાતે કોણ ગાયો વાળતું હશે?”

અને એટલે વિચાર ચમક્યો, ”આ તો મારા શ્રીકૃષ્ણ છે, જે મને મદદ કરવા અહી પધાર્યા છે.”

અને તે લાલાને પકડવા આગળ વધ્યા. ઠાકોરજી તો અંતર્યામી, તો તરત છટકી ગયા. સુરદાસજી ત્યારે ઉપરનું પદ ગાય છે જેનો અર્થ છે :

”તમે મને નિર્બળ જાણી હાથ છોડાવીને જાવ છો, પણ મારા હ્રદયમાંથી ભાગીને બતાવો તો હું તમને સબળ માનું”

સુરદાસજીએ પ્રભુને પ્રેમથી હ્રદયમાં બાંધી રાખ્યા છે. સર્વતંત્ર સ્વતંત્ર એવા પરમાત્મા પ્રેમના સગપણમાં પરતંત્ર છે.

– શ્રીમદ ભાગવત રસામૃતમાંથી

(સાભાર અશ્વિન મજીઠિયા, અમર કથાઓ ગ્રુપ)